કલ્પસૂત્ર : દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન. શ્વેતામ્બર જૈન માન્ય અર્ધમાગધી આગમગ્રંથોમાં છ છેદસૂત્રોમાં દશાશ્રુતસ્કંધ નામક છેદસૂત્ર ચોથું છે. તેના રચયિતા આચાર્ય ભદ્રબાહુસ્વામી મનાય છે. તેનું વાચન પર્યુષણપર્વ દરમિયાન થતું હોવાથી તેને પર્યુષણા કલ્પસૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
કલ્પસૂત્રના પ્રથમ ભાગ જિનચરિતમાં શ્રમણ ભગવાન મહાવીરના ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષનું વિસ્તારપૂર્વક વર્ણન મળે છે. ક્યાંક ક્યાંક સુંદર કાવ્યમય ભાષાનો પ્રયોગ થયેલ છે. મહાવીરચરિત પછી ભગવાન પાર્શ્વનાથ, નેમિનાથ, ઋષભદેવ તથા અન્ય તીર્થંકરોનાં ચરિત્ર વર્ણવવામાં આવ્યાં છે. બીજા ભાગ સ્થવિરાવલીમાં સ્થવિરોનાં ગણ, શાખા અને કુળોનો ઉલ્લેખ છે, જેમાંના અનેક મથુરાના ઈસવી સનની પ્રથમ શતાબ્દીના શિલાલેખોમાં ઉત્કીર્ણ થયેલા છે. અહીંની સ્થવિરાવલી નન્દીસૂત્રની સ્થવિરાવલીથી થોડી જુદી પડે છે. ત્રીજા ભાગમાં સામાચારી અર્થાત્ સાધુઓ માટેના આચરણના નિયમોનું વિવેચન છે.
કલ્પસૂત્ર પર જિનપ્રભ, ધર્મસાગર, વિનયવિજય, સમયસુંદર, રત્નસાગર, સંઘવિજય, લક્ષ્મીવલ્લભ આદિ અનેક આચાર્યોએ ટીકાઓ રચી છે.
આ ગ્રંથનું વસ્તુ ભદ્રબાહુસ્વામીએ પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી લઈ દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપે મૂકેલ છે. પરંપરાનુસાર જૈનાગમોની અંતિમ વલભી વાચના (વિ. સં. 980 કે 983, ઈ. સ. 1036 કે 1039) વેળાએ આ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે જિનચરિત, સ્થવિરાવલી અને સામાચારી એ ત્રણે ભાગોને કલ્પસૂત્ર એવા શીર્ષકથી એક જ ગ્રંથમાં ગ્રંથારૂઢ કર્યા હતા. આખું કલ્પસૂત્ર 32 અક્ષરનો એક શ્લોક કે ગ્રંથાગ્ર એ રીતે ગણતાં 1216 ગ્રંથાગ્રમાં રચાયેલું છે. આથી જૈનોમાં તે બારસાસૂત્ર તરીકે પણ જાણીતું છે.
છેદસૂત્રોમાં આનો અન્તર્ભાવ હોવાના કારણે પહેલાં આ સૂત્ર સભામાં વાંચવામાં આવતું ન હતું. પરંતુ વિ. સં. 523(ઈ. સ. 467)માં આનંદપુરના રાજા ધ્રુવસેનના સેનાગંજ નામે પુત્રના અકાળ અવસાન પછી રાજાને શોકમુક્ત કરવા અર્થે સભામાં તેના વાચનની શરૂઆત થઈ.
કલ્પસૂત્રની સેંકડો સચિત્ર હસ્તપ્રતોમાંની કેટલીક તો સુવર્ણાક્ષરી અને સુવર્ણરંગી ચિત્રોથી આલેખાયેલી મળે છે. શ્વેતામ્બર જૈનોમાં કલ્પસૂત્રની અપ્રતિમ પવિત્રતા અને મહત્તાનું આ દ્યોતક છે.
રમણિકભાઈ મ. શાહ