પતંજલિ (ઈ. સ. પૂર્વે 150) : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિની અષ્ટાધ્યાયી પર વ્યાકરણમહાભાષ્યના લેખક. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં સૂત્રકાર પાણિનિ, વાર્તિકકાર કાત્યાયન અને ભાષ્યકાર પતંજલિ એ ત્રિપુટી ‘મુનિત્રય’ (ત્રણ મુનિઓ) તરીકે પ્રસિદ્ધ છે; અને આમના દ્વારા સુગ્રથિત વ્યાકરણશાસ્ત્રને ‘ત્રિમુનિવ્યાકરણમ્’ (ત્રણ મુનિઓ દ્વારા નિર્મિત વ્યાકરણ) કહેવાય છે. આ ત્રણેયમાં પણ અંતિમ મુનિ પતંજલિની વાણીને સર્વાધિક પ્રમાણ રૂપે સ્વીકારાય છે.
વૈદિક સાહિત્ય તથા પોતાના સમયમાં ઉપલબ્ધ વ્યાકરણ અને અન્ય વાઙ્મમયનું અધ્યયન કરનાર, તક્ષશિલા તથા અન્ય વિદ્યાધામોમાંથી શિક્ષણ પ્રાપ્ત કરનાર પતંજલિના જીવન વિશે કોઈ પ્રમાણભૂત સામગ્રી મળતી નથી; છતાં તેમણે જ લખેલા ‘મહાભાષ્ય’ ગ્રંથમાં મળી આવતા નિર્દેશો પ્રમાણે ‘ગોણિકા’ નામની ઋષિપત્નીના (પાલ્ય) પુત્ર હોવાથી તેમનું એક નામ ‘ગોણિકા-પુત્ર’ છે, વળી ઉત્તરપ્રદેશના ગોંડા વિસ્તારના નિવાસી હોવાથી તેમનું અન્ય નામ ‘ગોનર્દીય ’ છે.
વળી આ સંદર્ભમાં એક ઘટનાપરંપરા આ પ્રમાણે છે : ‘ગોનર્દ’ પ્રદેશના એક ઋષિ સાયંકાલે જલપૂર્ણ અંજલિથી અર્ઘ્ય આપી રહ્યા હતા ત્યારે અન્ય એક ઋષિ સર્પ-કણાના રૂપે પેલા ઋષિની અંજલિમાં પડ્યા હતા. તે જ પતંજલિ (પતન્ + અંજલિ = પતંજલિ). પતંજલિને શેષનાગનો અવતાર માનવામાં આવ્યા છે તેથી તેમનાં ‘નાગનાથ’, ‘શેષાહિ’, ‘ફણિભૃત્’ આદિ નામ મળી આવે છે. આ રીતે પછી તો પુત્ર રૂપે પ્રાપ્ત થયેલ બાળકને પોતાની પુત્રવિહીન પત્ની ‘ગોણિકા’ને સંવર્ધન માટે આપેલા.
સંસ્કૃતના મૂર્ધન્ય વિદ્વાન પાણિનિની વ્યાકરણ-પરંપરાના આચાર્ય પતંજલિએ વ્યાકરણશાસ્ત્રનો મહાન ગ્રંથ ‘મહાભાષ્ય’ લખ્યો છે. આ ઉપરાંત તેમણે ‘યોગસૂત્રો’ કે ‘યોગશાસ્ત્ર’નું નિર્માણ અને આયુર્વેદમાં ‘ચરક’નું સંસ્કરણ કર્યું હતું તેમ દર્શાવતો ‘ભોજરાજ’નો એક શ્લોક છે. જોકે તે વિશે વિદ્વાનોમાં એકમત નથી.
પતંજલિએ શુંગ વંશના પુષ્યમિત્ર નામના રાજાને એક અશ્વમેધ યાગ કરાવ્યો હતો તેવો તેમના ગ્રંથ ‘મહાભાષ્ય’માં નિર્દેશ છે. તે ઉપરથી તેઓ ઈ. સ. પૂ. 200થી ઈ. સ. પૂ. 150ના સમયગાળામાં થયા હશે તેવું અનુમાન થયું છે.
પતંજલિએ પાણિનિની ‘અષ્ટાધ્યાયી’માં આવેલાં વ્યાકરણશાસ્ત્રનાં 3,996 સૂત્રો પર તો કેટલાકના મતે 3,983 સૂત્રોમાંથી 1,228 જેટલાં સૂત્રો ઉપર, મહાભાષ્યમાં વ્યાખ્યાત્મક વિવેચન લખ્યું છે.
પતંજલિએ પોતાના શિષ્યોને ભણાવવા માટે 85 જેટલાં આહ્નિક (દરરોજ આપવાના પાઠ) તૈયાર કર્યાં હતાં. એ રીતે તેમનું મહાભાષ્ય 85 આહ્નિકોમાં વહેંચાયેલું છે.
એમના ‘મહાભાષ્ય’માં પાણિનિની અષ્ટાધ્યાયી માફક નિર્દિષ્ટ થયેલાં ઉદાહરણો ઉપરથી તાત્કાલિક ધાર્મિક, આર્થિક, ભૌગોલિક, શૈક્ષણિક, ઐતિહાસિક અને સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિની સામગ્રી પ્રાપ્ત થાય છે.
પાણિનીય સંસ્કૃત વ્યાકરણના વિવાદમાં પતંજલિનું વાક્ય આખરી પ્રમાણ મનાય છે. આમ પાણિનિના વ્યાકરણને સુપ્રતિષ્ઠિત કરવામાં પતંજલિનો અદ્વિતીય ફાળો છે.
ભગવતીપ્રસાદ પંડ્યા