પતિયાલા : વાયવ્ય ભારતમાં આવેલા પંજાબ રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેની ઉત્તરે રાજ્યના ફતેહગઢ સાહિબ અને રૂપનગર જિલ્લાઓ, પશ્ચિમે રાજ્યનો સંગરૂર જિલ્લો તેમજ પૂર્વે અને દક્ષિણમાં હરિયાણા રાજ્યનો વિસ્તાર આવેલો છે. જિલ્લાનો કુલ વિસ્તાર 3,627 ચોકિમી. જેટલો છે. જિલ્લાનો ભૂમિપ્રદેશ સામાન્ય રીતે સૂકો ગણાય છે. મુદતી નદીઓ દ્વારા પાણીની સગવડ પૂરી પડે છે. કૃષિપાકોમાં મુખ્યત્વે ઘઉં, કપાસ, મકાઈ અને ચણા થાય છે.

નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ પતિયાલા

પતિયાલા જિલ્લો દેશ સ્વતંત્ર થયા અગાઉ પતિયાલાના દેશી રજવાડાનો એક ભાગ હતો. એ વખતે પંજાબમાં દેશી રાજ્ય તરીકે તેનું મહત્ત્વ પણ હતું. 1948થી તેનું પંજાબ રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવેલું છે. જિલ્લામથક પતિયાલા ઉપરાંત આ જિલ્લામાં નાભા, સમાના તથા રાજપુરા નગરોનો સમાવેશ થાય છે.

પતિયાલા શહેર મુખ્ય રેલમાર્ગ પર સરહિન્દ નહેરની એક શાખા પર 30° 20´ ઉ. અ. અને 76° 20´ પૂ. રે. પર આવેલું છે. 1763માં તે પતિયાલાના દેશી રાજ્યનું રાજધાનીનું મથક હતું. આજે તે વેપાર અને ઉદ્યોગોનું કેન્દ્ર છે. તે ઉપરાંત અહીં વણાટકામ, કપાસનું જિનિંગ અને આસવન (distilling) થાય છે. 1962માં સ્થપાયેલી પંજાબ યુનિવર્સિટીનું અહીં કેન્દ્ર છે, તેને સંલગ્ન  કૉલેજો પણ અહીં આવેલી છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં જૂનો કિલ્લો તથા રમતગમતનું સ્ટેડિયમ છે. 2011માં શહેરની અને જિલ્લાની વસ્તી સંયુક્તપણે 18,92,282 જેટલી હતી.

ગિરીશભાઈ પંડ્યા