પટ્ટની, મોહંમદ તાહિર (. જૂન 1508; . 1578, ઉજ્જન નજીક) : મુસ્લિમ વિદ્વાન તથા હદીસ-શાસ્ત્રી. સ્થાનિક શિક્ષકો પાસેથી ધાર્મિક શિક્ષણ મેળવ્યા બાદ 1537માં અરબસ્તાનના મક્કા શહેરનો પ્રવાસ કર્યો. તેમણે મક્કામાં તે સમયના સૌથી વિખ્યાત અને પ્રખર હદીસ-શાસ્ત્રી શેખ અલી મુત્તકી પાસે હદીસનો ઉચ્ચઅભ્યાસ કર્યો અને તેમાં પારંગત થયા. સોળમા સૈકામાં ગુજરાત તથા દક્ષિણ હિંદના વિસ્તારોમાં હદીસના શિક્ષણ અને સંશોધનની પ્રવૃત્તિ વિકાસ પામી ન હતી ત્યારે મૌલાના પટ્ટનીએ મક્કાથી પાછા ફરીને પાટણમાં હદીસ-શાસ્ત્રનું શિક્ષણ-સંશોધન અને લેખનકાર્ય શરૂ કર્યું. તેમણે 11 વર્ષની મહેનત પછી અરબ-હદીસ-શાસ્ત્રી ઇબ્ન કસીરના પુસ્તક ‘જામ્એ સહાહ અલ-સત્તહ’ની સંક્ષિપ્ત આવૃત્તિ તૈયાર કરી અને આધુનિક પદ્ધતિથી તેનું સંપાદન કર્યું.

તેમની ખ્યાતિ હદીસ-શાસ્ત્ર વિશેનાં તેમનાં બે અરબી પુસ્તકો ‘મજમઉલ બુહારુલ અનવાર’ અને ‘તઝકિરતુલ મોઝૂઆત’ ઉપર આધારિત છે. આ બંને પુસ્તકો હદીસ-શાસ્ત્રના સર્વસંગ્રહ ગણાય છે  અને હદીસ-શાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોની ગરજ સારે છે.

તેઓ ધાર્મિક વૃત્તિના પરહેજગાર વિદ્વાન હતા. તેમણે સામાન્ય રીતે મુસ્લિમોમાંથી અને ખાસ કરીને વહોરા કોમમાંથી દૂષણો દૂર કરવા તથા ધર્મજ્ઞાનના પ્રસાર માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેથી મુસ્લિમોના અમુક ફિરકાના લોકો તેમના દુશ્મન બની ગયા હતા. છેવટે 70 વર્ષની વયે 1578માં તેઓ મુઘલ સમ્રાટ અકબરને મળવા પાટણથી આગ્રા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં માળવાના પ્રદેશમાં ઉજ્જન નજીકના એક ગામમાં તેમના દુશ્મનોએ તેમની કરપીણ હત્યા કરી નાખી હતી.

મૌલાનાના વંશજોમાં અનેક પેઢીઓ સુધી વિદ્વાનો પાકતા રહ્યા જેમણે ગુજરાતનું નામ ભારતભરમાં રોશન કર્યું હતું. તેમના પૌત્ર કાજી અબ્દુલ વહાબ મુઘલ સમ્રાટ શાહજહાંના સમયમાં પાટણના ન્યાયાધીશ અને પાછળથી ઔરંગઝેબના સમયમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. તેમના પુત્ર કાઝી શેખુલ ઇસ્લામ તથા પ્રપૌત્ર મોહંમદ અકરમુદ્દીન ગુજરાતના વહીવટદારો બન્યા હતા.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી