પટ્ટનાયક, રવીન્દ્રનાથ (. 1935, બનેઇગઢ, જિ. સુંદરગઢ, ઓરિસા; . 1991) : ઓરિસાના ખ્યાતનામ ભૂસ્તરવિજ્ઞાની અને શ્રેષ્ઠ વાર્તાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘વિચિત્રવર્ણા’ માટે 1992ના વર્ષનો મરણોત્તર સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

રવીન્દ્રનાથ પટ્ટનાયક

લેખકો અને કલાકારોના પરિવારમાં તેમનો જન્મ. તેમણે કટકની રાવેનશા કૉલેજમાંથી ભૂસ્તરવિજ્ઞાનના વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ જિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા અને થોડા વખતમાં જ તેઓ ઓરિસા વર્તુળના નિયામક બન્યા હતા. તેઓ પ્રકૃતિના રક્ષણ તથા પર્યાવરણના પોષણ સાથે સંકળાયેલ આંદોલન ‘જીવન’ના સક્રિય સભ્ય હતા.

14 વર્ષની વયે તેમની પ્રથમ વાર્તા ‘ડગર’ માસિકમાં પ્રગટ થયા બાદ તેમણે જીવનમાં પ્રેમ અને શોખના વિષયો આલેખતી 400થી વધુ વાર્તાઓ લખી છે. તેમની મોટાભાગની વાર્તાઓ વાસ્તવિક ઘટનાઓ અને ચરિત્રો પર આધારિત છે.

‘અંધગલીર અંધકાર’, ‘અસામાજિક ડાયરી’, ‘રાગ તોડી’, ‘બહુરૂપી’, ‘શ્રેષ્ઠ ગલ્પ’, ‘રાજારાણી’, ‘હિરણ્યગર્ભ’ અને ‘અમરીલતા’ વગેરે તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. તેમના વાર્તાસંગ્રહ ‘હિરણ્ય-ગર્ભ’ માટે 1984માં તેમને ઓરિસા સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ‘વંધ્યા ગાંધારી’ માટે 1991માં સારલા પુરસ્કાર મળ્યા હતા. ‘રવિ પટ્ટનાયક કંકા શ્રેષ્ઠ ગલ્પ’ (1992) તેમનો શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘વિચિત્રવર્ણા’ના મૂળમાં નારીના મનનાં વિવિધ પાસાંઓનું ઊંડાણથી કરેલું દર્શન રહેલું છે. સ્ત્રી પોતાના જીવન અને ચરિત્રનું આકલન કેવી રીતે કરે છે તથા પોતાના સંસાર અને અનુભવને કેવા સ્વરૂપમાં જુએ છે તેનું પ્રામાણિક ચિત્રણ તેમાં છે. માનવચરિત્રના ભેદ પારખનારી ઊંડી અંતર્દૃષ્ટિ, જીવંત વર્ણનશૈલી, નારીના મનની જટિલતાની ખોજ અને સ્ત્રીચેતનાને વિશિષ્ટ સ્થાન અપાવનારી જીવનભૂમિકાને લીધે પ્રસ્તુત કૃતિ આધુનિક ભારતીય વાર્તાસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા