કલિતા, દંડિનાથ (જ. 30 જૂન 1890, તેજપુર, અ. 15 મે 1955) : સુવિખ્યાત અસમિયા સાહિત્યકાર. વ્યવસાયે શિક્ષક. સાહિત્યસાધના ખાસ શોખનો વિષય. કવિતામાં સવિશેષ રુચિ. તેમની કવિતાઓ મુખ્યત્વે હાસ્યરસ તથા વ્યંગપ્રધાન. ‘રાહગરા’ (1916), ‘રાગર’ (1916), ‘દીપ્તિ’ (1925), ‘બહુરૂપી’ (1926), ‘બિનાર ઝંકાર’ (1951) તેમના કાવ્યસંગ્રહો છે. ‘આસામ-સંધ્યા’ (1949) બ્લેંક વર્સમાં લખેલું એ તેમના ઐતિહાસિક કાવ્યમાં બ્રહ્મદેશની સત્તા સામે આસામની સ્વાધીનતાનો લોપ અને તેથી અહોમ રાજ્યની પડતી વર્ણનાત્મક કવિતારૂપે આલેખાયાં છે.
તેમની બે પ્રમુખ નવલકથાઓ ‘સાધના’ (1928) અને ‘આવિષ્કાર’(1938)નો મુખ્ય હેતુ સામાજિક સુધારણા છે. તેના નાયક દીનબંધુ અને માધવ એ બંનેએ સમાજના આદર્શ કાજે પોતાની વ્યક્તિગત સુખશાંતિનો સંપૂર્ણ ભોગ આપ્યો હતો. બે સ્ત્રી-પાત્રો રંભા અને પ્રતિમા દ્વારા લેખકે પતિત સ્ત્રીઓની સમસ્યા અને તેના ઉકેલ પર પ્રકાશ પાડ્યો છે. તેમની એક અન્ય નવલકથા ‘ગણ-વિપ્લબ’(1940)માં અહોમ શાસનના અંતિમ તબક્કામાં અહોમ રાજાના શાસન સામે મોવામરિયા એટલે કે વૈષ્ણવપંથીઓએ કરેલા બળવાનું નિરૂપણ છે. ‘હત્યાકારી કોણ’ (1947) ‘પરિચય’ અને ‘અષ્ટ’ (1951) તેમની અન્ય સામાજિક નવલકથાઓ છે. ‘સતી કાહિન’ (1951) અને ‘સંસ્કૃતિ નાટકર સાધુ’ (1951) ચરિત્રો છે.
‘સતીર તેજ’ (1931) તથા ‘કીચકબધ’ (1950) અનુક્રમે ઐતિહાસિક તેમજ વ્યંગાત્મક પૌરાણિક નાટકો છે. ‘અગ્નિપરીક્ષા’ (1937) નાટક પણ પૌરાણિક છતાં ગંભીર પ્રકારનું છે. તેનું કથાવસ્તુ રામાયણ પર આધારિત છે. નાટ્યાત્મક પરિસ્થિતિ સર્જવામાં તથા કુશળ ચરિત્રચિત્રણમાં તેમની નાટ્યકાર તરીકેની શક્તિ પ્રતીત થાય છે. તેઓ અનેક સામાજિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.
તે ગદ્યલેખક પણ હતા. ‘આત્માનન્દર આત્મકાહિની’ (1935) એ તેમની હાસ્યરસપ્રધાન ગદ્ય કૃતિ છે.
પ્રીતિ બરુઆ
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે