કલિકાન્તરવિન્યાસ : વજ્રપત્રો, દલપત્રો કે પરિદલપત્રોની પુષ્પીય કલિકામાંની ગોઠવણી. આવૃતબીજધારી વનસ્પતિઓના વર્ગીકરણમાં કલિકાન્તરવિન્યાસનું ખૂબ મહત્વ છે. તેના પ્રકારો નીચે પ્રમાણે છે :

કલિકાન્તરવિન્યાસના પ્રકારો

(1) ધારાસ્પર્શી – આ પ્રકારમાં પુષ્પીય પત્રોની ધાર એકબીજા પર આચ્છાદિત થયા વિના એકબીજાને માત્ર સ્પર્શતી હોય છે. આ વિશિષ્ટતા એનોનેસી કુળ અને માઇમોઝી ઉપકુળમાં જોવા મળે છે. (2) વ્યાવૃત – આ પ્રકારમાં બધાં પુષ્પીય પત્રોની એક ધાર હંમેશાં બહારની બાજુએ અને બીજી ધાર અંદરની તરફ રહે છે. દા.ત., માલ્વેસી અને ઍપોસાયનેસી કુળના દલપુંજ. (3) ઇમ્બિકેટ – આ પ્રકારમાં એકપુષ્પીય પત્ર સંપૂર્ણ બહાર, એકપુષ્પીય પત્ર સંપૂર્ણ અંદર અને બાકીનાં પુષ્પીય પત્રોની એક ધાર બહારની બાજુએ અને બીજી ધાર અંદરની તરફ રહે છે. દા.ત., સિઝાલ્પિનિયેસી ઉપકુળનો દલપુંજ. (4) ક્વિન્ક્વૅશિયલ – આ પ્રકારમાં બે પુષ્પીય પત્ર સંપૂર્ણ બહાર, બે સંપૂર્ણ અંદર અને એકપુષ્પીય પત્રની એક ધાર બહારની બાજુએ અને બીજી ધાર અંદરની તરફ રહે છે. દા.ત., બારમાસી અને આકડાનો દલપુંજ. (5) પતંગિયાકાર – આ વિશિષ્ટતા પેપિલિયોનેસી ઉપકુળની છે, જેમાં પશ્ચદલપત્ર સૌથી મોટું તેમજ બહારની તરફ અને તે પાર્શ્વ બાજુઓએ બે પક્ષકોને ઢાંકે છે. બંને પક્ષકો બે અગ્ર દલપત્રો નૌતલને આવરે છે.

બળદેવભાઈ પટેલ