કલિકાત્તાર કાછે (1957) : નાયક વિનાની બંગાળી નવલકથા. સ્વાતંત્ર્યોત્તર-કાળના પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર ગજેન્દ્રકુમાર મિત્રને આ નવલકથા માટે 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દેશના વિભાજન પછી પશ્ચિમ બંગાળમાં આવેલા નિર્વાસિતોના જીવનને તેમણે આ નવલકથામાં નિરૂપ્યું છે. ઝૂંપડાવાસીઓની દુર્દશા, એમની અનેકવિધ સમસ્યાઓ, એમની સમાજવિરોધી પ્રવૃત્તિઓ, એ બધાંનું તે મનોવિશ્લેષણાત્મક નિરૂપણ કરે છે. એ વિસ્તારના મોટાભાગના લોકો પોતાની દુર્દશા માટે ભારતમાંના દેશવાસીઓને જવાબદાર લેખે છે અને તેથી તેમની ઉપરની વેરવૃત્તિને અવલંબીને એ કથાની ઘટનાઓનું સંયોજન થયું છે. સંપન્ન લોકો દ્વારા થતી એમની ઉપેક્ષા, સહાનુભૂતિનો અભાવ, એમના કથળતા જતા કૌટુમ્બિક સંબંધો, નીતિમૂલ્યોનો હ્રાસ એ બધું કથામાં તાર્દશ થયેલું છે. કથા કરુણરસપ્રધાન છે. એક સમગ્ર સમાજનું નિરૂપણ કરવાનું હોવાથી ઘણાં બધાં પાત્રો છે. તેમાં મહત્વનાં તમામ પાત્રો, સૌથી વધુ સહન કરતી સ્ત્રીઓ છે. તે દરેક પાત્રનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે. નિર્વાસિતોના મૂળ પ્રદેશની ખાસિયતો પણ સૂક્ષ્મતાથી નિરૂપાઈ છે.

ચન્દ્રકાન્ત મહેતા