હર્પિસ, સરલ (herpes simplex) : હોઠ તથા જનનાંગો પર વારંવાર થતો એક વિષાણુજ રોગ. હર્પિસ (herpes) એટલે વિસ્તાર પામતું અને સિમ્પ્લેક્સ (simplex) એટલે સરળન, અવિશિષ્ટ. તેથી આ રોગ કરતા વિષાણુને વિસ્તારી સરલન વિષાણુ (herpes simplex virus, HSV) કહે છે. તેનાથી હોઠની આસપાસ થતા વિકારને ‘બરો મૂતરવો’ કહે છે. HSVના 2 પ્રકાર છે. પ્રકાર 1 મુખ્યત્વે મોંમાં અને હોઠની આસપાસ જ્યાં ચામડી અને શ્લેષ્મકલા એકબીજાને મળે છે ત્યાં ફોલ્લાવાળો સ્ફોટ કરે છે. પ્રકાર 2 મુખ્યત્વે લૈંગિક સંક્રામક ચેપ (જાતીય વ્યવહારથી ફેલાતો ચેપ) કરે છે અને તે ગુદા તથા જનનાંગોને અસરગ્રસ્ત કરે છે.

મોં, અવાળુ અને હોઠ તથા તેની આસપાસ થતો વિસ્તારી સરલન વિષાણુ-1(HSV-1)નો ચેપ શિશુમાં દાંત આવે છે તેવું લાગે તેવાં લક્ષણોવાળો રોગ કરે છે. મોટે ભાગે આ જ પ્રથમ ચેપ હોય છે. ક્યારેક તે આંખની કીકીના સ્વચ્છા (cornea) નામના પારદર્શક આવરણમાં પ્રાથમિક ચેપ કરે છે (સ્વચ્છાશોથ, keratitis) અથવા આંગળીના છેલ્લા વેઢા પર નખની બાજુમાં ચેપ કરે છે તેને કુણિ અથવા નખશૂલ (whitlow) કહે છે. કુણિ અથવા નખશૂલ જીવાણુ(bacteria)થી પણ થાય છે. જાતીય (લૈંગિક) વ્યવહારથી ફેલાતો ચેપ પ્રાથમિક રોગ રૂપે સ્ત્રીનાં બાહ્ય જનનાંગો  ભગ (vulva), યોનિ (vagina) કે ગર્ભાશયગ્રીવા(cervix)ને અસરગ્રસ્ત કરે તો તેમને ભગયોનિશોથ (vulvovaginitis) અને ગ્રીવાશોથ (cervicitis) કહે છે. પુરુષોમાં શિશ્નમુકુટ પર ચેપ લાગે તો તેને શિશ્નમુકુટશોથ (balanitis) કહે છે. પ્રાથમિક ચેપ લોહી વાટે પ્રસરીને મગજને અસરગ્રસ્ત કરે તો તેને મસ્તિષ્કશોથ (encephalitis) કહે છે.

હર્પિસ સરલ : (અ) હર્પિસ સિમ્પ્લૅક્સનો હોઠ પર અને તેની પાસે સ્ફોટ, (આ) હર્પિસ સિમ્પ્લૅક્સ-વ્હિટલો, (ઇ) ખરજવામાં ફેલાતો હર્પિસ સિમ્પ્લૅક્સનો ચેપ

પ્રાથમિક ચેપ પછી તેના વિષાણુઓ પશ્ચ ચેતામૂલના ચેતાકંદુકો(dorsal root ganglion)માં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તાવ આવે, ઋતુસ્રાવ વખતે દૈહિક વિકાર થઈ આવે, પારજાંબલી કિરણો વડે ચામડી અસરગ્રસ્ત થાય અથવા અન્ય કોઈક સંજોગોમાં તે સક્રિય થઈને મોંની અંદર અને હોઠ તથા તેની આસપાસ ઝડપથી પાણી અને પરુ ભરેલી ફોલ્લીઓ રૂપે સ્ફોટ (rash) કરે છે. તે રુઝાય એટલે પોપડી (crust) થાય છે. જનનાંગોમાંનો બીજા પ્રકારનો ચેપ વારંવાર ત્યાં ચાંદાં રૂપે સક્રિય બને છે.

નવજાતશિશુના જન્મમાર્ગ(birth canal)માં એટલે કે જે માર્ગે તે માતાના ગર્ભાશયમાંથી બહાર આવે છે, ચેપગ્રસ્ત થાય તો તે નવજાતશિશુના શરીરમાં વ્યાપકપણે ફેલાય છે અને તેનું ક્યારેક મૃત્યુ નીપજે છે; તેથી સગર્ભાવસ્થામાં જો વિસ્તારી સરલન વિષાણુ(HSV)નો ચેપ સક્રિય હોય તો તેની સારવાર કરાય છે અથવા શિશુનો જન્મ શસ્ત્રક્રિયા દ્વારા પેટ પરથી કરાય છે. જો દર્દીને HIV–એઇડ્ઝનો રોગ હોય, લોહીનું કૅન્સર હોય, લસિકાર્બુદ (lymphoma) નામનું કૅન્સર હોય તોપણ HSV સામેની ઔષધચિકિત્સા કરાય છે.

જો દર્દીને ખરજવું હોય તો HSVનો ચેપ તેમાં ફેલાઈને જોખમી વિકાર કરે છે. જો તે આંખની કીકીના પારદર્શક આવરણ(સ્વચ્છા, cornea)ને અસરગ્રસ્ત કરે તો તેનું ચાંદું રુઝાય ત્યારે અપારદર્શક ક્ષતાંક (scar) કરે છે અને તેથી દૃષ્ટિમાં બાધા સર્જે છે. તેથી તેમાં પણ વેળાસર ઔષધચિકિત્સા કરાય છે. પ્રાથમિક કે પુન:સક્રિય (recurrent) ચેપમાં રોગ મગજમાં ફેલાઈને મસ્તિષ્કશોથ (encephalitis) કરે છે. તેમાં અધ:પાર્શ્વખંડીય ગુરુમસ્તિષ્કશોથ (temporal lobe cerebritis) નામનો રોગ થાય છે, જેમાં પેશીનાશ (necrosis) તથા રુધિરસ્રાવ (haemorrhage) થાય છે. તેને કારણે દર્દીને ખેંચ આવે છે અને તે બેભાન થઈ જાય છે. સારવાર વગર 80 % કિસ્સામાં મૃત્યુ થાય છે; તેથી શંકા પડે તો નસ વાટે ઔષધ-ચિકિત્સા કરાય છે.

જલસ્ફોટિકા (blister, vesicle) એટલે કે પ્રવાહી ભરેલી ફોલ્લી કરતાં વિવિધ વિષાણુજ ચેપથી તેને અલગ પડાય છે. હાલ વીજકણ સૂક્ષ્મદર્શક (electron microscope) વડે, જલસ્ફોટિકાના પ્રવાહીમાંથી વિષાણુસંવર્ધન (culture) વડે તથા પોલિમરેઝ ચેઇન રિઍક્શન(PCR)ની મદદથી વિષાણુને દર્શાવી શકાય છે. જો દર્દીને મસ્તિષ્કશોથ થયો હોય તો PCR વડે નિદાન થઈ શકે છે. રુધિરરસવિદ્યા (serology) વડે ખાતરીપૂર્વકનું નિદાન ઘણી વખત શક્ય નથી હોતું.

સારવારમાં અચક્રીય પ્રતિવિષાણુ ઔષધો (acyclic antiviral agents) ઉપયોગી છે. રોગના પ્રથમ 48 કલાકમાં સારવાર શરૂ થાય તો લાભ રહે છે. મસ્તિષ્કશોથ થયો હોય તો ઔષધ નસ વાટે અપાય છે. મુખ્ય ઔષધો ફેમ્સિક્લોવિર, વેલેસિક્લોવિર અને એસાઇક્લોવિર છે. પ્રારંભિક તથા પુન:સક્રિય રોગમાં તેમને વપરાય છે. તેમને મુખમાર્ગે કે મલમ રૂપે સ્થાનિક સારવારમાં વપરાય છે. મસ્તિષ્કશોથમાં નસ વાટે ઔષધો અપાય છે.

એક સંશોધન પ્રમાણે વૃદ્ધાવસ્થામાં થતા એલ્ઝેમિરના રોગમાં HSV-1નો ચેપ કારણરૂપ છે એવું દર્શાવાયું છે.

શિલીન નં. શુક્લ