હર્બર્ટ જ્યૉર્જ (જ. 3 એપ્રિલ 1593, મૉન્ટ્ગોમેરી, વેલ્સ; અ. 1 માર્ચ 1633, બેમેર્ટન, વિલ્ટશાયર) : અંગ્રેજી આધ્યાત્મિક કવિ. જાણીતા તત્વજ્ઞાની તથા કવિ ઍડવર્ડ હર્બર્ટના નાના ભાઈ. શબ્દોની પસંદગીની પ્રભાવકતા તથા શુદ્ધતા માટે નોંધપાત્ર. તેમની માત્ર 3 વર્ષની વયે પિતાનું અવસાન થયું. 1608માં માતાએ ફરી લગ્ન કર્યાં. ઘર, વેસ્ટમિન્સ્ટર શાળા અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં તેમણે શિક્ષણ મેળવ્યું. 1613માં બી.એ. તથા 1616માં એમ.એ.ની ડિગ્રી ડિસ્ટિંક્શન સાથે મેળવી. 1616માં તેઓ ટ્રિનિટીના ફેલો ચૂંટાયા. 1618માં કેમ્બ્રિજ ખાતે રહટોરિક(વક્તૃત્વકળાના શાસ્ત્ર)માં રીડર તરીકે નિમણૂક પામ્યા અને 1620માં યુનિવર્સિટીના જાહેર વક્તા તરીકે ચૂંટાયા. આ પદ તેમને ગમતું હતું.

જ્યૉર્જ હર્બર્ટ

તેથી 1627માં રાજીનામું આપ્યું ત્યાં સુધી તેઓ આ પદ ઉપર રહ્યા. પાર્લમેન્ટમાં મૉન્ટગોમેરીની રજૂઆત માટે તેઓ 1624 અને 1625માં ચૂંટાયા. શૈક્ષણિક કારકિર્દી દરમિયાન કોઈ ખાસ પ્રસંગોએ તેમણે ગ્રીક અને લૅટિનમાં કાવ્યો રચ્યાં હતાં અને પ્રકાશિત કર્યાં હતાં. 1610માં જ્યૉર્જે નવા વર્ષ નિમિત્તે તેમની માતાને બે સૉનેટ મોકલ્યાં હતાં; જેમાં તેમણે નારીના પ્રેમ કરતાં ઈશ્વરના પ્રેમને કાવ્યસર્જન માટે વધારે સાનુકૂળ વિષય લેખ્યો હતો. 1612માં પ્રિન્સ હેન્રીના મૃત્યુ-વિષયક તેમનાં કાવ્યો પ્રકાશિત થયાં. 1625માં તેઓ ચર્ચમાં ડેકન તરીકે દીક્ષા પામ્યા. 1627માં તેમની માતાનું અવસાન થયું. માર્ચ 1629માં અપર પિતાના નિકટના સગાની દીકરી સાથે તેમણે લગ્ન કર્યાં. એપ્રિલ 1630માં તેઓ સેલિસબરી નજીક બેમેર્ટન ખાતે રેક્ટર તરીકે નિમાયા અને સપ્ટેમ્બર 1630માં તેઓ પાદરી બન્યા અને શેષ જીવન ત્યાં જ ગાળ્યું. ત્યાં તેમને નિકોલસ ફેર્રર જેવા મિત્ર મળ્યા. નિકોલસ ફેર્રર પણ કવિતા રચતા. બંને મિત્રો અધ્યાત્મમાં રસ ધરાવતા. હર્બર્ટે મરણપથારીએથી ફેર્રરને કાવ્યોની હસ્તપ્રત મોકલી હતી – ઠીક લાગે તો પ્રકાશિત કરવા નહિતર નાશ કરવા. ફેર્રરે આ કાવ્યો 1633માં ‘ધ ટેમ્પલ : સેક્રેડ પોએમ્સ ઍન્ડ પ્રાઇવેટ ઇજેક્યુલેશિયસ’ શીર્ષક સાથે પ્રકાશિત કર્યાં. હર્બર્ટ તેમનાં કાવ્યોને ઈશ્વર અને પોતાના આત્મા વચ્ચે ચાલતી આધ્યાત્મિક અથડામણોના ચિત્ર તરીકે ઓળખાવે છે. ‘ધ ટેમ્પલ’માં વ્યક્તિગત કાવ્યો ઉપરાંત સાંપ્રદાયિક બોધ ધરાવતાં કાવ્યો પણ છે; જેમ કે, ગ્રંથમાંનું પહેલું કાવ્ય ‘ધ ચર્ચ પૉર્ચ’ અને અંતિમ કાવ્ય ‘ધ ચર્ચ મિલિટન્ટ’. અન્ય કાવ્યો ચર્ચની ધાર્મિક વિધિને લગતાં છે. કવિતામાં નકશીકામ તથા છંદોલયના પ્રભુત્વ બાબતે તેમની દક્ષતા નોંધપાત્ર ગણાય છે. 1652માં ‘અ પ્રિસ્ટ ટુ ધ ટેમ્પલ : ઑર ધ કન્ટ્રી પર્સન, હિઝ કૅરેક્ટર ઍન્ડ રુલ ઑવ્ લાઇફ’ પ્રકાશિત થયું. એફ. હચિન્સનકૃત હર્બટર્સ વર્ક’ (1941, સુધારેલી આવૃત્તિ 1945) તેમના વિશેનું એક આધારભૂત પુસ્તક છે.

યોગેશ જોષી