હરિ: ૐ આશ્રમ : આધ્યાત્મિક સાધના માટેની સંસ્થા. ગઈ સદીના ગુજરાતના જુદી જ ભાતના સંત પૂજ્ય શ્રીમોટાની સમાજને આગવી દેણ.
તેમણે તામિલનાડુમાં કાવેરીના કિનારે કુંભકોણમમાં 1950માં પ્રથમ આશ્રમ સ્થાપ્યો. ત્યાર બાદ 1955–56માં ગુજરાતમાં બે સ્થળે હરિ: ૐ આશ્રમ સ્થાપ્યા. નડિયાદ નજીક શેઢી નદીને કિનારે પ્રથમ અને સૂરત નજીક જહાંગીરપુરામાં તાપી નદીના કિનારે બીજો આશ્રમ સ્થાપ્યો. પૂજ્ય શ્રીમોટાએ સ્થાપેલા આ આશ્રમોમાં આઠથી દસ મૌનમંદિરો છે. સંસારમાં રહી સાધનામાર્ગે જવા ઇચ્છનાર શ્રેયાર્થીને મૌન-એકાંતની સગવડ મળી રહે તેવા હેતુથી આ વ્યવસ્થા કરાઈ હતી. આ મૌન-એકાંતના ઓરડાઓ જ હરિ: ૐ આશ્રમો છે. ‘આત્મકલ્યાણની સાધનાની શરૂઆત’ કરવા ઇચ્છનાર અથવા સાધનામાં પ્રગતિની ઝંખના કરનાર માટે આ આશ્રમો અનેરી તક પૂરી પાડે છે. આ મૌન-એકાંત માટેના ઓરડાઓમાં બેઠેલા શ્રેયાર્થીને શ્રીમોટાની ‘અનેરી કાર્યશૈલી’થી ગૂઢ રીતે માર્ગદર્શન મળે છે. આશ્રમની સ્થાપનાના આરંભકાળમાં મૌન-એકાંતનો ગાળો એકવીસ દિવસનો રાખેલો પણ એ પછી ઓછામાં ઓછો એક સપ્તાહનો રાખવામાં આવ્યો. સાધકને રોજિંદી તમામ જરૂરિયાતો અંદર જ પૂરી પાડવામાં આવે છે. આધુનિક ગુફા જેવા ઓરડાની સગવડનો હેતુ એવો છે કે સાધકે મૌન રાખીને સવારના ચાર વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી પોતાને ઇષ્ટ એેવા નામનું મોટેથી રટણ કરવાનું હોય છે. એક અંદાજ પ્રમાણે 1955થી અત્યાર સુધીમાં બંને આશ્રમોમાં મળી કુલ પાંત્રીસ હજારથી પણ વધુ સાધકોએ મૌનમંદિરમાં જીવનવિકાસ માટેની સાધના કરી છે. અત્યારે મૌનમંદિરમાં બેસવા ઇચ્છનારે પોતાનું નામ અગાઉથી નોંધાવી દેવું પડે છે અને લગભગ દોઢ-બે વર્ષનું બુકિંગ અગાઉથી થઈ ગયેલું હોય છે !
આમ હરિ: ૐ આશ્રમ આધ્યાત્મિક સાધના માટેની સંસ્થા તરીકે સ્થપાયેલ, પરંતુ 1961માં પૂજ્ય શ્રીમોટાએ ‘મારા ગુરુમહારાજે આદેશ કર્યો કે તું હવે સમાજોત્થાનનાં કાર્ય કર. એક કરોડ રૂપિયાનાં કામો કર.’ એમ જણાવી ‘મારે સમાજને બેઠો કરવો છે’ એવા ઉદઘોષ સાથે સમાજને બેઠો કરવાનું કામ ઉપાડ્યું. પૂજ્ય શ્રીમોટા ક્યારેય પ્રવચન કરતા નહીં, પરંતુ સમાજોત્થાનના કામ માટે પૈસા એકત્ર કરવા નિમિત્તે પ્રવચનો આપવાનું શરૂ કર્યું. આ માટે પૂજ્ય શ્રીમોટાએ પોતાના જન્મદિન(ભાદરવા વદ ચોથ), દીક્ષાદિન(વસંતપંચમી) અને સાક્ષાત્કારદિન(રામનવમી)ની ઉજવણી કરવાની અને તે નિમિત્તે ગુરુને સત્સંગીઓ તરફથી જે ભેટ મળે તે રકમ સમાજને બેઠો કરવાના કામમાં વાપરવાની શરૂઆત કરી. પૂજ્ય શ્રીમોટા પહેલાં સમાજોત્થાન માટેનું કામ નક્કી કરીને તેને માટે જરૂરી રકમ નિશ્ચિત મુદતમાં એકઠી કરવાનું જાહેર કરતા. દર વર્ષે યોજનાનો પ્રકાર બદલાતો રહેતો અને ધારેલા લક્ષ્યાંક જેટલી રકમ સમયસર એકઠી થઈ જતી. 1961થી 1975 સુધીમાં સમાજોત્થાનનાં જુદાં જુદાં કામો માટે ટહેલ નાખી કુલ એક કરોડ રૂપિયાનાં દાન હરિ: ૐ આશ્રમ તરફથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ માટે આપવામાં આવ્યાં. જે યોજનાઓ માટે દાન આપવામાં આવ્યાં હોય તે રકમના વ્યાજનો ઉપયોગ યોજના માટે કરવાનો હોય છે. યોજના અંગેનો વહીવટી ખર્ચ જે તે સંસ્થાએ ઉપાડવાનો હોય છે.
પૂજ્ય શ્રીમોટા તરફથી હરિ: ૐ આશ્રમો દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ માટે દાન અપાયાં તેમાં શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન, સંશોધન, સંસ્કારઘડતર અને રમતગમત મુખ્ય છે. વ્યક્તિમાં સદભાવ અને ગુણ પ્રગટે તેવા ભક્તિ તથા ભાવનાત્મક મૌલિક સર્જન માટે; ‘જ્ઞાનગંગોત્રી’ જેવા સંદર્ભગ્રંથના સર્જન માટે; બાળવાર્તા, ‘બાલભારતી’ અને ‘કિશોરભારતી’ માટે; વિજ્ઞાનશ્રેણીના ગ્રંથો અને સર્વધર્મી તત્વજ્ઞાનદર્શનશ્રેણીના ગ્રંથોની પ્રકાશનયોજના માટે, વિદ્યાર્થીઓમાં નિબંધ-હરીફાઈઓ માટે; ગામડાંની નિશાળોમાં પુસ્તકોની વહેંચણી માટે; યુનિવર્સિટી દ્વારા શ્રીઅરવિંદ તત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા અને અન્ય વ્યાખ્યાનમાળાઓ માટે દાન અપાયાં છે. સાહિત્ય ઉપરાંત સંગીત, વાદ્ય, નૃત્ય અને ચિત્ર જેવી લલિતકળાઓની સ્પર્ધાની યોજના માટે તથા ગુજરાતી વિશ્વકોશ માટે; વેદની ઋચાઓ, રામાયણ, મહાભારત અને ભાગવત આદિ ગ્રંથોના પ્રકાશન માટે પણ દાન અપાયાં છે.
સમાજમાં સાહસ, હિંમત, પ્રામાણિકતા, ત્યાગ, સહનશક્તિ જેવા ગુણોની કદર રૂપે ચંદ્રકો આપવા; વિદ્યાર્થીઓમાં આવા ગુણોનો વિકાસ થાય તે માટે જુદાં જુદાં ટ્રસ્ટો અને યોજનાઓ બનાવવા; નડિયાદ, સૂરત અને રાજપીપળામાં સ્નાનાગરો માટે; તાપી અને નર્મદા નદીમાં તરણસ્પર્ધાઓ માટે; અખિલ હિંદ ધોરણે સમુદ્રતરણસ્પર્ધાની યોજનાઓ માટે; રાજ્યકક્ષાએ હોડી-હરીફાઈઓ અને મૅરેથોન દોડ-રેસની યોજના માટે દાન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં શ્રમનું મહત્વ પ્રગટે તે માટેનું; કન્યા-વ્યાયામશાળાઓને ઉત્તેજન આપવાનું; સાઇકલ-સ્પર્ધા, દોડસ્પર્ધા વગેરેનાં પારિતોષિકો આપવાનું; પર્યટનો, પર્વતારોહણો, બોટિંગ, પગપાળા પ્રવાસો વગેરેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ગુજરાત-કક્ષાએ લીલી-સૂકી ખેતી, બાગાયત, સમુદ્રશાસ્ત્ર, બાયૉ-જિયો-સૉઇલ, રસાયણશાસ્ત્ર, બૉટની પ્લાન્ટ પૅથૉલૉજી, ટ્રૉપિકલ ડીસીસીઝ, એન્જિનિયરિંગ અને ટૅકનિકલ વિષયો, પ્રાણવિજ્ઞાનશાસ્ત્ર વગેરે જુદા જુદા વિષયોની ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા સ્પર્ધાત્મક પારિતોષિકોની યોજનાઓ થાય તે માટે પણ દાન આપવામાં આવ્યું છે.
ગુજરાતના આર્થિક રીતે પછાત એવા ગામમાં, જ્યાં શાળાનો એક પણ ઓરડો ન હોય ત્યાં, એવો ઓરડો બંધાવી આપવાની યોજના એ હરિ: ૐ આશ્રમનું મહત્વનું અને પાયાનું કામ છે. પૂજ્ય શ્રીમોટાએ પોતાના દેહત્યાગ પહેલાં ‘મારા સેવકોને ફરમાવું છું’ એમ લખીને જણાવેલું કે મારી પાછળ કોઈ ઈંટ-ચૂનાનું સ્મારક કરવું નહીં; પરંતુ આ નિમિત્તે જે કાંઈ રકમ મળે તેનો ઉપયોગ ગુજરાતનાં જે ગામોમાં શાળાનો એક પણ ઓરડો ન હોય ત્યાં એવો ઓરડો બંધાવી આપવા માટે કરવો. પૂજ્ય શ્રીમોટાના દેહત્યાગ બાદ મળેલા આઠ કરોડ રૂપિયાનો ઉપયોગ છ હજાર કરતાં પણ વધુ ગામોમાં શાળાના ઓરડા બંધાવવામાં કરવામાં આવ્યો !
વ્યક્તિના આધ્યાત્મિક વિકાસની સાથે સમાજને બેઠો કરવાની ભાવનાથી અનેક સમાજોત્થાનનાં કાર્ય કરતા આ આશ્રમોમાં કુંભકોણમનો આશ્રમ સ્વતંત્ર માલિકીથી ચાલે છે; જ્યારે નડિયાદ, અને સૂરતના આશ્રમો રજિસ્ટર થયેલા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલે છે. તે આશ્રમો આજે પણ શિક્ષણ, સમાજ, વિજ્ઞાન અને રમતગમતને લગતાં વિકાસકાર્યો કરી રહ્યા છે.
જિતેન્દ્ર દેસાઈ