હરિહર : શિવ અને વિષ્ણુનું સંયુક્ત રૂપ અને તેનાં મંદિરો. કર્ણાટકના શિમોગા જિલ્લામાં વિશાળ ગુહારણ્ય હતું. ત્યાં ગુહ નામનો અસુર ઋષિઓને બહુ ત્રાસ આપતો હતો અને યજ્ઞ ભંગ કર્યા કરતો. ત્રાસેલા દેવોની ફરિયાદથી વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાને ‘હરિહર’નું સંયુક્ત રૂપ લઈને ગુહને હણ્યો. આથી આ અરણ્ય હરિહરનું તીર્થક્ષેત્ર બન્યું. ત્યાં હોયસળ વંશના રાજા બલ્લાળે શિલ્પવિશારદ પિતા-પુત્ર જક્કણ અને ડંકણ પાસે 64 સ્તંભ પર આધારિત કમળ આકારનું વિશાળ મંદિર બંધાવી તેમાં હરિહરની માણસ જેટલી ઊંચાઈની સંયુક્ત મૂર્તિ સ્થાપી. તેના ડાબા ભાગે હરિ અને જમણા ભાગે હર. હરના મસ્તકે રુદ્રાક્ષનો મુકુટ અને હાથમાં ત્રિશૂળ તથા હરિના ઉપરના હાથમાં ચક્ર દર્શાવેલ છે. પાસે જ નાનું મૂર્તિરહિત દેવી-મંદિર છે. મંદિરના ઈશાન ખૂણામાં વિશાળ શિવલિંગ છે. પાછળ તુંગભદ્રા નદી વહે છે. આ મંદિરમાં જ આદ્ય શંકરાચાર્યને અન્ય મતોના પંડિતો સાથે વાદ થયેલો, જેના અંતે હરિહરમૂર્તિ ‘અદ્વૈતસિદ્ધાંત જ વેદનું ખરું રહસ્ય છે’ – એમ ત્રણ વાર બોલેલી એવી આખ્યાયિકા પ્રચલિત છે.
અન્ય અનુશ્રુતિ મુજબ શિવભક્તો અને વિષ્ણુભક્તો વચ્ચે ઊભા થયેલા વિવાદને શમાવવા ભગવાન શિવે અર્ધાંગ શિવ અને અર્ધાંગ વિષ્ણુ એવું અદભુત રૂપ ધારણ કર્યું : એક બાજુ ગૌર વર્ણ, બીજી બાજુ શ્યામ વર્ણ; એક બાજુ નન્દી, બીજી બાજુ ગરુડ. આવા સંયુક્ત રૂપ દ્વારા શિવજીએ બંનેના એકત્વનું ભક્તોને ભાન કરાવ્યું. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનારી આ સંયુક્ત મૂર્તિ અનન્ત હોઈ સંપૂર્ણ વિશ્વના બીજરૂપ લેખાય છે.
શિલ્પશાસ્ત્રમાં આ સંયુક્ત મૂર્તિના નિર્માણની વિગતો આપેલી છે. નામકલ ચિદમ્બરમ્, તિનેવેલ્લી, ખજૂરાહો, નૈમિષારણ્ય, બદામી, સોનપુર વગેરે સ્થળે આવી મૂર્તિઓ છે. 11મું-12મું શતક હરિહર મૂર્તિના નિર્માણનો કાળ છે. બિહારમાંથી મળેલી મધ્યયુગીન હરિહર મૂર્તિ દિલ્હીના ‘ઇન્ડિયન મ્યુઝિયમ’માં સચવાયેલી છે. તેમાં શિવનું ઊર્ધ્વલિંગ દર્શાવેલું છે.
હુવિષ્કના સમયથી અર્થાત્ બીજી શતાબ્દીથી હરિહર મૂર્તિ પ્રચલિત થઈ લાગે છે, કેમ કે એના સોનાના સિક્કા ઉપર હરિહરની મૂર્તિ ઉપસાવેલી દેખાય છે. ઉત્તર ગુજરાતમાં વીસનગરમાં હરિહર મંદિર છે.
જયન્ત પ્રે. ઠાકર