હરિષેણ (શાસનકાળ : ઈ. સ. 490–520) : વાકાટક વંશનો પ્રખ્યાત રાજવી. સમુદ્રગુપ્તના વિજયોની એકસો વર્ષ પહેલાં વાકાટક રાજવંશ સ્થપાયો હતો. આ રાજવંશનો સ્થાપક પહેલો રાજા વિંધ્યશક્તિ નામે એક બ્રાહ્મણ હતો. વાકાટક વંશના મોટા ભાગના રાજાઓના નામને અંતે સેન શબ્દ જોડાતો હતો. આ વાકાટક શાસનનો પ્રારંભ વિંધ્યશક્તિ (ઈ. સ. 248–284) રાજાથી થયો હતો. વાકાટક વંશમાં હરિષેણ અગિયારમો શાસક હતો. વાકાટક વંશમાં નરેન્દ્રસેન, પૃથ્વીસેન બીજો, હરિષેણ – એમ ત્રણ પ્રખ્યાત શક્તિશાળી શાસકો થયા હતા, જેમણે મધ્યપ્રદેશ અને પશ્ચિમ ભારતને ઘણા સમય સુધી હૂણોનાં આક્રમણોથી બચાવ્યું હતું. તે તેમની મોટી સિદ્ધિ માનવામાં આવે છે. હરિષેણના પિતાનું નામ દેવસેન હતું. દેવસેન ભોગવિલાસી અને સ્વરૂપવાન રાજા હતો. તેણે હરિષેણ માટે રાજ્યસિંહાસન ત્યાગી દીધું હતું. હરિષેણના શાસનકાળનું વર્ષ નક્કી કરવા માટે આપણને અજંટાના ગુફામંદિરનો ચોથો શિલાલેખ ઉપયોગી થઈ પડે છે. આ શિલાલેખમાં હરિષેણની સત્તા કુંતલ, અવંતિ, કલિંગ, કૌશલ, ત્રિકૂટ, લાટ અને આંધ્ર પર પ્રવર્તતી હોવાનું જણાવ્યું છે. આ જ શિલાલેખમાં દેવસેન અને હરિષેણની સુંદરતાનું પણ વિશેષરૂપથી વર્ણન કરવામાં આવ્યું છે. વાકાટક લોકો શારીરિક દૃષ્ટિથી ખૂબ જ સુંદર હતા. આ હરિષેણ જેવો જ પ્રખ્યાત તેનો મંત્રી હસ્તીભોજ હતો, જેણે અજંટાના ગુફામંદિરને બનાવરાવ્યું હતું અને બૌદ્ધ ભિક્ષુઓને અર્પણ કર્યું હતું. આ વાકાટક રાજવી હરિષેણે ‘રાજાધિરાજ’નું બિરુદ ધારણ કર્યું હતું. હરિષેણ વાકાટક વંશનો છેલ્લો સમ્રાટ હતો.

પ્રદ્યુમ્ન ભ. ખાચર