હરિયૂપિયા : હરિદ્વર્ણયૂપવાળું ઋગ્વેદોક્ત પ્રાચીન જનપદ (નગર). આ નગર પાસે લડાયેલા દસ રાજાઓના યુદ્ધનો ઉલ્લેખ ઋગ્વેદમાં ઋચા 8/33/2 અને 83/4માં કરાયો છે. ઋગ્વેદિક ભારતના અનેક લોકો સ્વાભાવિક રીતે નાનામોટા અનેક સમૂહોમાં વહેંચાયેલા હતા. તેઓ એકબીજા પર પ્રભુત્વ સ્થાપવા પ્રયત્ન કરતા હતા. પરિણામે અવારનવાર તેમની વચ્ચે યુદ્ધો થતાં. આવો પ્રથમ સંઘર્ષ યવ્યાવતીના કિનારે હરિયૂપિયા નામક નગર પાસે તુર્વસો અને વ્રીચવિન્તો તથા સૃંજયો વચ્ચે થયો. જેમાં 30,000 કવચધારી સૃંજય યોદ્ધાઓએ ભાગ લીધો હતો. આ યુદ્ધમાં વ્રીચવિન્તો પરાજિત થયા. આ સંઘર્ષ રાષ્ટ્રીય સ્તર પર દાશરાજ્ઞ નામના નિર્ણાયક સંગ્રામમાં ફેરવાયો, જેમાં દસ રાજાઓ અને તેમના મિત્રોએ ભાગ લીધો હતો.
આમ આ હરિયૂપિયાના યુદ્ધમાં લગભગ સંપૂર્ણ વૈદિક ભારત સંડોવાયું હતું, જેમાં રાજાઓના સંઘે ભરતોના રાજા સુદાસના નેતૃત્વને પડકાર્યું. આ યુદ્ધની બીજી વિશેષતા એ હતી કે તેમાં આર્યોને પક્ષે કેટલીક અનાર્ય જાતિઓ પણ લડી હતી. આ અનાર્યો સિંધુની પશ્ચિમે રહેતા હતા, જેમાં અત્યારનું અલિત (કાફીરીસ્તાન) પકથ (પખ્તુન) અને યમુનાની પૂર્વ દિશાના પ્રદેશોના અનાર્યોનો સમાવેશ થતો હતો. આ યુદ્ધના અંતે ભરત રાજાનું પ્રભુત્વ મજબૂત બન્યું. એવું મનાય છે કે આ ભરતોને કારણે આપણા દેશને ભારત નામ મળ્યું છે.
આ હરિયૂપિયા નગરી સિંધુખીણની સંસ્કૃતિના મહત્વના સ્થળ હડપ્પાને કેટલાક વિદ્વાનો માને છે. આ નગરી હડપ્પાની નજીક આવેલી હોવાનું મનાય છે.
ઈશ્વરલાલ ઓઝા