કલા પ્રકાશ (જ. 2 જાન્યુઆરી 1934, કરાંચી, હાલ પાકિસ્તાન; અ. 5 ઑગસ્ટ 2018, મુંબઈ) : પ્રખ્યાત સિંધી નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની શ્રેષ્ઠ નવલકથા ‘આરસી યા આડો’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

કલા પ્રકાશ

તેમણે હિસાબ તપાસનીસ તરીકે કેન્દ્ર સરકારના કાર્યાલયમાં 17 વર્ષ સુધી કામગીરી કરી. તે ઉપરાંત વિશ્વવિદ્યાલયમાં એમ.એ.ના વર્ગનાં પ્રાધ્યાપિકા તરીકે તેમણે કાર્ય કર્યું. દુબઈ સંયુક્ત અરબ અમીરાતમાં એક વિદ્યાલયનાં મુખ્ય અધ્યાપિકા તરીકે તેમણે 2 વર્ષ કામ કર્યું હતું.

1953થી તેમણે નવલકથા લખવાનો પ્રારંભ કર્યો. તેમની ઘણી કૃતિઓ પ્રગટ થઈ છે, તેમાં ‘આરસી યા આડો’, ‘શીશે જી દિલ’, ‘જે હિનયારે મૉઝ હુરન’ જેવી  નવલકથાઓ; ‘વેરમ મે ગુલ’ જેવા વાર્તાસંગ્રહો ઉપરાંત એક પ્રવાસવર્ણનનો પણ સમાવેશ થાય છે.

તેઓ પ્રગતિશીલ લેખક આંદોલનથી ખૂબ પ્રભાવિત હતા. મુંબઈ-સ્થિત સિંધી સાહિત્ય મંડળ સાથે સંકળાયેલાં. તેમને અખિલ ભારતીય સિંધી બોલી સાહિત્ય પુરસ્કાર 1961માં અને 1994માં તથા મહારાષ્ટ્ર રાજ્ય સિંધી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયા છે.

તેમની પુરસ્કૃત નવલકથા ‘આરસી યા આડો’(1992)માં એક મનોવિશ્લેષકની, ભારતમાં ગરીબના ખોરડામાં જન્મ લીધો ત્યારથી માંડીને અખાતના એક દેશમાં સફળ વ્યાપારી બનવા સુધીની યાત્રાની તપાસ દર્શાવી છે. માત્ર 24 કલાકના સમયગાળામાં પ્રવર્તતી આ નવલકથા કથાનાયકનું આત્મપરીક્ષણાત્મક ચિંતન રજૂ કરે છે, જે મનોવૈજ્ઞાનિક અંર્તદૃષ્ટિથી સંપન્ન છે. પરિસ્થિતિઓની કલાત્મક ગૂંથણી, ગૃહસ્થ જીવનની માર્મિક રજૂઆત અને એક હતાશ આદમીના સંઘર્ષો સાથે ભારતીય સમુદાયનો દેશ અને વિદેશમાં સંવેદનાપૂર્ણ વ્યવહાર તથા મર્મસ્પર્શી વર્ણનાત્મક કથાશૈલીને કારણે આ કૃતિ ભારતીય વાર્તાસાહિત્યમાં ધ્યાનપાત્ર બનેલ છે.

બળદેવભાઈ કનીજિયા