કલાપી (જ. 26 જાન્યુઆરી 1874, લાઠી; અ. 9 જૂન 1900) : મૂળ નામ ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી. પિતા તથા મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા. 1885માં એમને રાજ્ય સંભાળવું પડેલું. માતાનું નામ રાજબા.

1882થી 1890 સુધી રાજકોટની કૉલેજમાં અધ્યયન. આંખોની તકલીફ અને લગ્ન વગેરેને કારણે કલાપીએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધીનું જ ઔપચારિક શિક્ષણ લીધેલું. પણ પછીથી શિક્ષકો રાખીને અંગ્રેજી, સંસ્કૃત, ફારસી તથા ઉર્દૂનો અભ્યાસ કરેલો. સાહિત્ય, તત્વજ્ઞાન, ધર્મ વગેરેનું જ્ઞાન દરબાર વાજસૂરવાળા, મણિલાલ દ્વિવેદી, કાન્ત અને સંચિત જેવા મિત્રો દ્વારા પ્રાપ્ત થયેલું. વાચન-અધ્યયન દ્વારા એમણે પોતાની સાહિત્યરુચિ કેળવેલી.

કલાપી

1889માં રોહાનાં રાજબા (રમા) સાથે અને એ જ દિવસે ખાંડાથી કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયેલાં. કલાપીએ ભણવાનું છોડી સંસાર માંડ્યો. 1890ની આસપાસ તે કાવ્યલેખન શરૂ કરે છે. એ અરસામાં રમા સાથે આવેલી દાસી મોંઘી સાથે નિકટતા કેળવાતાં પ્રેમરાગ જન્મે છે. કલાપી તેને ચાહે છે. રમાથી એ સહન થતું નથી. પરિણામે તીવ્ર સંઘર્ષ જન્મે છે. આ સંઘર્ષમાંથી ઘણી કવિતા જન્મે છે. પછી તો કવિતા તેમના આંતરબાહ્ય અનુભવો પ્રગટ કરવાનું સ્વાભાવિક વાહન બને છે. કલાપી રમા અને શોભના (મોંઘી) બંનેને સ્વીકારવા તત્પર છે. પરંતુ રમાને તે મંજૂર નહોતું. ઘણી મથામણને અંતે 1898માં તે શોભના સાથે લગ્ન કરે છે. પછી બે જ વર્ષમાં એ નિર્ભ્રાન્ત થઈને ત્યાગને માર્ગે વળે છે. રાજગાદી છોડી વનમાં જવા તૈયાર થાય છે. પણ તે પહેલાં અચાનક એક જ રાતની માંદગીમાં એમનું અવસાન થાય છે. એ પ્રજાપ્રિય રાજા હતા. કવિતા પણ એમને એટલી જ વહાલી હતી. કવિતામાં તેમનો આંતરસંઘર્ષ અને સંવેદનશીલ વ્યક્તિત્વ પ્રગટ થયેલાં છે.

શરૂઆતમાં કલાપી ‘મધુકર’ના ઉપનામથી કવિતા લખતા. ‘કલાપી’ ઉપનામ તો 1898માં મિત્ર જટિલે સૂચવ્યા પછી લખતા થયેલા. એમનો કાવ્યસંગ્રહ ‘કલાપીનો કેકારવ’ 1903માં એમના અવસાન પછી કવિ કાન્ત દ્વારા પ્રગટ થયેલો. એ પછી એની અનેક આવૃત્તિઓ થઈ છે. 1892માં એમણે કાશ્મીરનો પ્રવાસ ખેડેલો. એ પ્રવાસનું વર્ણન ‘કાશ્મીરનો પ્રવાસ’ નામે એ જ વર્ષમાં પ્રગટ થાય છે. 1892થી 1900 દરમિયાન એમની કાવ્યસર્જનપ્રવૃત્તિ ચાલતી રહેલી. મંથનનાં વર્ષોમાં તેમણે સત્વશીલ કવિતા વિપુલ પ્રમાણમાં આપી છે.

કલાપીએ કવિતામાં કાન્ત, બાલાશંકર, મણિલાલ, નરસિંહરાવ વગેરે જેવા સમકાલીનોનો પ્રભાવ પણ ઝીલ્યો હતો. પશ્ચિમના વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ ઇત્યાદિ કવિઓની કવિતાથી પણ એ પ્રભાવિત થયેલા. એમાંથી કેટલીક કવિતાનાં રૂપાંતરો તો કેટલીકનાં અનુવાદો પણ તેમણે કરેલાં.

પ્રેમ, પ્રકૃતિ, પ્રભુપ્રેમ અને જીવનચિંતનના વિષયને લગતી કલાપીની કવિતા મુખ્યત્વે આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારની છે. પરલક્ષી કવિતામાં ખંડકાવ્યો અને અમુક અધૂરાં દીર્ઘકાવ્યો છે. ઊર્મિકવિતામાં મસ્તરંગી સંવેદના પ્રગટાવતી એમની ગઝલો ધ્યાનપાત્ર છે. ગુજરાતમાં ગઝલના તબક્કાને ર્દઢમૂલ કરવામાં કલાપીનો મુખ્ય ફાળો છે. એમની કવિતામાં છંદની સુઘડતા તથા ભાષાની સરળતા છે. ભાવની પારદર્શિતા અને સંવેદનની તીવ્રતા પણ છે. યુવાનોમાં એમની કવિતા ઘણી પ્રિય થયેલી. ખંડકાવ્યોમાં ઊર્મિની માવજત, પાત્રનિરૂપણ, પ્રકૃતિચિત્રણ કળાની મુદ્રા ઉપસાવી શકે છે. ચિંતનની પ્રભાવકતા, અભિવ્યક્તિની સૂત્રાત્મકતા, ઋજુ સંવેદન, માધુર્યયુક્ત વર્ણન વગેરેને કારણે એમની કવિતા ઘણો સમય લોકપ્રિય રહેલી અને ચર્ચાનો વિષય બનેલી.

મિત્ર જટિલની સહાયથી ચાર સર્ગ સુધી વિસ્તરેલું દીર્ઘકાવ્ય ‘હમીરજી ગોહેલ’ કલાપીના મહાકાવ્ય લખવાના પ્રયત્ન તરીકે જાણીતું છે. ‘હૃદયત્રિપુટી’ જેવા આત્મલક્ષી પ્રેમસંઘર્ષને વર્ણવતા દીર્ઘકાવ્યથી પણ કલાપીનું કવિત્વ સ્પર્શક્ષમ છે. ‘આપની યાદી’, ‘હમારા રાહ’, ‘ત્યાગ’, ‘વિસ્મરણ’ જેવી ગઝલો તથા ‘શિકારીને’, ‘મને જોઈને ઊડી જતાં પક્ષીઓને’ જેવાં ઊર્મિકાવ્યો કલાપીના મૂલ્યવાન પ્રદાન તરીકે સાહિત્યના ઇતિહાસમાં સ્થાન પામેલ છે.

‘કાશ્મીરનો પ્રવાસ’, ‘કલાપીના સંવાદો’ અને ‘સ્વીડનબૉર્ગનો ધર્મવિચાર’ એ પુસ્તકો કલાપીની ગદ્યસમૃદ્ધિનો પરિચય કરાવે છે. ‘કાશ્મીરનો પ્રવાસ’ પોતાના શિક્ષક નરહરિ જોશીને એમણે પત્રરૂપે લખેલો. એમાં સંસ્કૃત ‘કાદંબરી’ની ગદ્યશૈલીનો પ્રભાવ જણાય છે. સંવાદોમાં પણ કલાપીની આંતરિક વ્યથાકથાનું સ્વચ્છ પ્રતિબિંબ પડે છે. એમાં ગદ્યની ઉદબોધનાત્મક છટા પ્રગટી છે. ‘સ્વીડનબૉર્ગનો ધર્મવિચાર’ કવિ કાન્તને લખેલો દીર્ઘ ચિંતનપ્રધાન પત્ર છે.

કલાપીએ કુલ 679 પત્રો લખેલા એવો અંદાજ છે. સ્વજનો અને મિત્રોને લખેલા એ પત્રોમાં સાહિત્યચર્ચા ઉપરાંત પ્રેમ અને જીવનસંદર્ભે ઘણી વાતો પ્રગટ થયેલી છે. કલાપીના સ્વભાવની ઋજુતા, નિખાલસતા, ઊર્મિશીલતા, સાહિત્યખેવના ઇત્યાદિનો પરિચય આપતા આ પત્રોનું ગદ્ય પણ આસ્વાદ્ય બન્યું છે. ગુજરાતના અલ્પધન પત્રસાહિત્યમાં આ મૂલ્યવાન પત્રો ‘કલાપીના 144 પત્રો’ (સંપા. મુનિકુમાર ભટ્ટ, 1925) અને ‘કલાપીની પત્રધારા’ (સંપા. જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, 1931) નામે ગ્રંથસ્થ થયેલા છે. ‘માલા અને મુદ્રિકા’ તથા ‘નારીહૃદય’ એ બે નવલકથાઓ અંગ્રેજી કથાનાં રૂપાંતરો છે.

મણિલાલ હ. પટેલ