‘હરિઔધ’ અયોધ્યાસિંહ ઉપાધ્યાય (જ. 15 એપ્રિલ 1865; અ. 16 માર્ચ 1947) : ખડી બોલીમાં પહેલા પ્રબંધકાવ્યની રચના કરનાર હિન્દી કવિ. ‘હરિઔધ’ પહેલાં વ્રજભાષામાં કાવ્ય લખતા. સન 1880થી 1889 સુધી મોટે ભાગે એમણે વ્રજમાં કાવ્યસર્જન કર્યું. ‘કૃષ્ણશતક’, ‘પ્રેમામ્બુવારિધિ’, ‘પ્રેમામ્બુપ્રવાહ’, ‘રસિકરહસ્ય’ અને ‘ઋતુમુકુર’ તેમની પ્રારંભિક રચનાઓ છે. આ સમયે હિન્દીમાં ગદ્ય અને પદ્યની ભાષા એક ન હતી. કાવ્ય વ્રજમાં લખાતું અને ગદ્ય ખડી બોલીમાં.
‘હરિઔધે’ ખડી બોલીમાં બે નવલકથાઓ અને બે નાટકો લખ્યાં છે. ‘ઠેઠ હિન્દી કા ઠાઠ’ (1899) અને ‘અધખિલા ફૂલ’ (1907) એમની નવલકથાઓ છે. એમાં એમણે પ્રેમના ઉદાત્ત રૂપ, ત્યાગ અને બલિદાનના આદર્શ સ્થાપ્યા છે. ‘શ્રીરુક્મિણીપરિણય’ (1894) અને ‘પ્રદ્યુમ્નવિજયવ્યામોહ’ (1893) એમનાં નાટકો છે, જે ભારતેન્દુ હરિશ્ચંદ્રનાં નાટકોની રચનારીતિથી પ્રભાવિત છે. એ સિવાય એમણે અંગ્રેજી અને ફારસીમાંથી અનુવાદકાર્ય પણ કર્યું છે.
‘હરિઔધ’ને પોતાના પ્રથમ પ્રબંધકાવ્ય ‘પ્રિય પ્રવાસ’(1914)ના કારણે સૌથી વધારે પ્રસિદ્ધિ મળી. ‘પ્રિય પ્રવાસ’ પછી આ પરંપરામાં જ એમણે ‘વૈદેહીવનવાસ’(1940)ની રચના કરી. ‘પ્રિય પ્રવાસ’ કૃષ્ણકથા પર આધારિત પ્રબંધકાવ્ય છે. એમાં સંસ્કૃતનાં વર્ણવૃત્તો ને અલંકૃત ભાષામાં કૃષ્ણકથાના એક માર્મિક પ્રસંગને નવી દૃષ્ટિએ પ્રસ્તુત કર્યો છે. મથુરાગમન પછી કૃષ્ણ પાછા વ્રજ નથી આવી શક્યા. ઉદ્ધવ વ્રજ આવે છે. તેઓ ગોપ-ગોપીઓ, નંદ-યશોદા અને રાધાને મળે છે. રાધા ઉદ્ધવનો સંદેશ શાંત ભાવથી સાંભળે છે અને કૃષ્ણ પ્રત્યેનો પોતાનો અલૌકિક પ્રેમ સંયત સ્વરમાં વ્યક્ત કરે છે. કૃષ્ણના દ્વારિકાગમન પછી રાધાનું પરમ વિદુષી રૂપ અને ઔદાર્ય વધારે પ્રકટ થાય છે. ‘હરિઔધે’ કૃષ્ણને મહાન સમાજસેવી, સમાજસુધારક, પથ-પ્રદર્શક, આત્મત્યાગી અને જનનાયક તરીકે નિરૂપ્યા છે.
વળી રાધાનો કૃષ્ણપ્રેમ ઉચ્ચ ભૂમિકાએ વિશ્વપ્રેમમાં પરિણમે છે. તેને સૃષ્ટિના પ્રત્યેક તત્ત્વમાં પ્રિયની છબિ દેખાય છે.
‘વૈદેહીવનવાસ’ ‘હરિઔધ’નું બીજું પ્રબંધકાવ્ય છે. અઢાર સર્ગોમાં વિભાજિત આ કૃતિ ‘ઉત્તરરામચરિત’થી પ્રેરિત છે. એના નાયક રામ છે અને એમાં કરુણ રસની પ્રધાનતા છે. આ પ્રબંધકાવ્યમાં રામના રાજ્યાભિષેક પછીની કથાનો આધાર લેવામાં આવ્યો છે. રામકથામાં સીતાને કશું જણાવ્યા વિના વાલ્મીકિ આશ્રમમાં લક્ષ્મણ મૂકવા જાય છે. ‘હરિઔધ’ના રામ દ્વારા રાજમહેલમાં સીતાને જનહિત માટે આવી યોજનાની જાણ કરવામાં આવે છે અને પ્રારંભમાં આઘાત પામેલી સીતા અંતત: પતિની ઇચ્છાનો દૃઢતાથી સ્વીકાર કરે છે. ‘હરિઔધ’ પ્રબંધકાવ્યોમાં નવા દૃષ્ટિકોણના કારણે પ્રસિદ્ધ છે.
આલોક ગુપ્તા