હરારે : આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલા ઝિમ્બાબ્વેનું પાટનગર અને મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 17° 46´ દ. અ. અને 31° 08´ પૂ. રે.. તે માશોનાલૅન્ડ ઉચ્ચપ્રદેશ પર સમુદ્રસપાટીથી 1,525 મીટરની ઊંચાઈએ આવેલું છે. વિસ્તાર 872 ચોકિમી.

હરારે શહેરનો મધ્યભાગ

આ શહેર ઝિમ્બાબ્વેના સરકારી વહીવટી કેન્દ્રીય મથક, બૅંકિંગ મથક અને વાણિજ્ય મથક તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીંનાં ફળદ્રૂપ મેદાનોમાં થતી મકાઈ, કપાસ, તમાકુ, ખાટાં ફળો જેવી પેદાશોનું તે વેપારી મથક પણ છે. અહીં ખાદ્ય પ્રક્રમણના, કાપડ-કપડાંના, ખાતરના, રાચરચીલાના, પોલાદના અને ધાતુશોધનના ઉદ્યોગો આવેલા છે. શહેરના મધ્યભાગમાં વ્યસ્ત રહેતા પહોળા માર્ગો પર આધુનિક હોટલો અને કાર્યાલયની ઇમારતો આવેલી છે. રમણીય ઉદ્યાન સહિતનો અહીંનો આફ્રિકી યુનિટી ચૉક ખુલ્લા વિસ્તારમાં આવેલો છે. શહેરમાં કલા સંગ્રહાલય, ઝિમ્બાબ્વે યુનિવર્સિટી અને હવાઈ મથક છે. શહેર બહારના ભાગોમાં સમૃદ્ધ પરાં તેમજ ગીચોગીચ ઝૂંપડપટ્ટીઓ પણ છે. 2002 મુજબ હરારેની વસ્તી 19,03,510 છે.

ઇતિહાસ : 1890માં દક્ષિણ આફ્રિકી શ્વેત વસાહતીઓએ આ સ્થળનો કબજો લઈને યુ.કે.ના તત્કાલીન વડાપ્રધાન લૉર્ડ સેલિસબરીના માનમાં સેલિસબરી કિલ્લો બાંધેલો અને સ્થળને સેલિસબરી નામ આપેલું. ત્યારે ત્યાં સેસિલ રહોડ્ઝ નામના હીરાના બેતાજ બાદશાહે ઊભી કરેલી આ આખીય વસાહત પર તેનો વહીવટ ચાલતો હતો. 1923માં ગ્રેટ બ્રિટને સેલિસબરીને દક્ષિણ રહોડેશિયા(ઝિમ્બાબ્વેનું જૂનું નામ)ની સ્વશાસિત વસાહતનું પાટનગર બનાવેલું. 1953થી 1963 દરમિયાન તેને રહોડેશિયા અને ન્યાસાલૅન્ડના સમવાયતંત્રનું પણ પાટનગર બનાવેલું. 1980માં ઝિમ્બાબ્વે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. 1982માં આ શહેરનું સેલિસબરી નામ બદલીને આફ્રિકી નામ હરારે રાખવામાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા