સંપૂર્ણાનંદ (. 1 જાન્યુઆરી 1889, વારાણસી, ઉત્તરપ્રદેશ; . 10 જાન્યુઆરી 1969, વારાણસી) : સ્વાતંત્ર્યસૈનિક, ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી, રાજસ્થાનના ગવર્નર, પત્રકાર અને લેખક. તેમનો જન્મ મધ્યમ વર્ગના હિંદુ કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાજી સામાન્ય સરકારી નોકરી કરતા હોવાથી આર્થિક અગવડોમાં જીવતા હતા. તેમના પિતાની સૂચનાથી તેમણે ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કર્યું હતું. તેઓએ 1911માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને તે પછી 1916માં એલ.ટી.ની ડિગ્રી મેળવી શિક્ષક થવાની યોગ્યતા મેળવી.

સંપૂર્ણાનંદ

તેમના જીવન ઉપર ક્રાંતિકાર રાજા મહેન્દ્ર પ્રતાપ, પંડિત બનારસીદાસ ચતુર્વેદી, કૉંગ્રેસ સમાજવાદી પક્ષના મહાન દેશભક્ત આચાર્ય નરેન્દ્ર દેવ, રાજર્ષિ પુરુષોત્તમદાસ ટંડન અને ગોવિંદ વલ્લભ પંતનો પ્રભાવ પડ્યો હતો. તેમણે વૃંદાવનના પ્રેમ વિદ્યાલયમાં અધ્યાપક તરીકે અને તે પછી બીકાનેરની ડુંગર કૉલેજમાં પ્રધાન અધ્યાપક તરીકે કામ કર્યું. ત્યારબાદ પંડિત મદનમોહન માલવિયાએ વારાણસીમાં શરૂ કરેલ હિંદી માસિક ‘મર્યાદા’ના સંપાદકની કામગીરી સ્વીકારી. સંપૂર્ણાનંદ કાર્યદક્ષ પત્રકાર પુરવાર થયા અને વખતોવખત તેઓ લખનૌથી પ્રગટ થતા ‘નૅશનલ હેરાલ્ડ’ અને ‘કૉંગ્રેસ સોશિયાલિસ્ટ’માં લેખો લખતા હતા.

સ્વાતંત્ર્યચળવળમાં ભાગ લેવા માટે 1921માં તેમણે અધ્યાપકના વ્યવસાયનો ત્યાગ કર્યો. બીજે વર્ષે અખિલ હિંદ કૉંગ્રેસ સમિતિમાં તેઓ ચૂંટાયા. ઉત્તરપ્રદેશ (તે વખતે સંયુક્ત પ્રાંતો) પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના તેઓ ત્રણ વાર મંત્રી હતા. હિંદુસ્તાન સેવાદળના બે વાર તેઓ વડા હતા. ગાંધીજી દ્વારા શરૂ કરેલ સ્વાતંત્ર્યનાં આંદોલનોમાં તેમણે ભાગ લીધો હતો અને જેલ ભોગવી હતી.

અસહકારની ચળવળ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ આપવા સ્થપાયેલ કાશી વિદ્યાપીઠમાં તેમણે અધ્યાપન કર્યું હતું. 1926માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ ઉત્તરપ્રદેશની વિધાનસભાના સભ્યપદે ચૂંટાયા. 1937માં કૉંગ્રેસના મંત્રીમંડળમાંથી શિક્ષણમંત્રી પ્યારેલાલ શર્માએ રાજીનામું આપવાથી, તેઓ શિક્ષણમંત્રી (1938-39) બન્યા અને પોતાની અદ્ભુત કાર્યદક્ષતા અને કુશળતાનો પરિચય કરાવ્યો. તે દરમિયાન તેમણે બુનિયાદી શિક્ષણ તથા પ્રૌઢશિક્ષણ વાસ્તે નોંધપાત્ર કાર્ય કર્યું. ફરીથી 1946માં ઉત્તરપ્રદેશની સરકારમાં તેઓ ગૃહ, નાણાં તથા સામાન્ય વહીવટનાં ખાતાંઓના મંત્રી બન્યા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી, ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંતને કેન્દ્રના મંત્રીમંડળમાં નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે, સંપૂર્ણાનંદ ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી થયા. ત્યારબાદ ભારત સરકાર દ્વારા તેમની નિમણૂક રાજસ્થાનના ગવર્નર તરીકે કરવામાં આવી હતી.

સંપૂર્ણાનંદ એક સારા વક્તા હતા. મુંબઈ મુકામે મળેલ અખિલ ભારતીય સમાજવાદી પરિષદની બીજી બેઠકનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું હતું. ઈ. સ. 1940માં પુણે મુકામે ભરાયેલ 29મા હિંદી સાહિત્ય સંમેલનનું પ્રમુખપદ પણ તેમણે શોભાવ્યું હતું.

તેઓ ભારતીય સંસ્કૃતિના સમર્થક હતા. યોગ અને દર્શન તેમના પ્રિય વિષયો હતા. રાજનીતિમાં તેઓ સમાજવાદના સમર્થક હતા. તેઓ ઉર્દૂ, ફારસી, હિંદી તથા અંગ્રેજી ભાષાઓના સારા અભ્યાસી હતા. તેમણે હિંદીમાં ‘આંતરરાષ્ટ્રીય વિધાન’, ‘સમાજવાદ’, ‘જ્યોતિર્વિનોદ’, ‘કુછ સ્મૃતિયાં’, ‘ગ્રહનક્ષત્ર’ વગેરે પુસ્તકો લખ્યાં છે.

તેમણે દેશમાં સૌપ્રથમ વાર કલાકારો અને સાહિત્યકારોને અનુદાન આપવાનું શરૂ કર્યું. તેમણે વૃદ્ધાવસ્થા-પેન્શન શરૂ કર્યું. દેશની અનેક યુનિવર્સિટીઓએ તેમને ‘ડૉક્ટર’ની માનદ ડિગ્રી તથા હિંદી સાહિત્ય સંમેલને તેની સર્વોચ્ચ ડિગ્રી ‘સાહિત્યવાચસ્પતિ’ એનાયત કરી હતી. હિંદી સાહિત્યનો સર્વોચ્ચ ‘મંગલાપ્રસાદ પુરસ્કાર’ તેમને આપવામાં આવ્યો હતો.

તેઓ શાંત અને સંયમી જીવન જીવતા હતા તથા રચનાત્મક કાર્યકર હતા.

જયકુમાર ર. શુક્લ