સંપ્રદાય : કોઈ એક વિચારધારાને અનુસરનારો વર્ગ. સામાન્ય રીતે કોઈ એક દાર્શનિક વિચારધારાને અનુસરનારા વર્ગ માટે ‘સંપ્રદાય’ શબ્દ પ્રયોજાય છે. સંપ્રદાય, મજહબ, પંથ વગેરે પર્યાયો છે. સંપ્રદાયો આચારભેદ, કર્મકાંડભેદ, માન્યતાભેદ અથવા વ્યક્તિ કે ગ્રંથના અનુસરણને કારણે અસ્તિત્વમાં આવે છે.

सम्प्रदीयते यस्मिन् इति सम्प्रदाय​: ।

જેમાં આચાર, વિચાર, વ્યક્તિ, ગ્રંથ આદિને અનુસરવાની દીક્ષા આપવામાં આવે છે. આ માટે ‘Religion’ શબ્દ પ્રયોજી શકાય. ‘Rely  વિશ્વાસ કરવો’ ઉપરથી કોઈ એક પંથમાં વિશ્વાસને સંપ્રદાય દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. ‘Religion’ શબ્દ ધર્મનો પર્યાય નથી. જુદી જુદી રુચિ, સગવડ, આચાર, વિધિવિધાન, માન્યતાને કારણે વિભિન્ન સંપ્રદાયો અસ્તિત્વમાં આવે છે. મુખ્યત્વે ચાર બાબતોથી સંપ્રદાયો જુદા પડતા હોય છે : (1) આચાર ભેદ, (2) કર્મકાંડ કે વિધિવિધાન ભેદ, (3) માન્યતા ભેદ અને (4) આ ત્રણેયને બતાવતા ગ્રંથ કે વ્યક્તિનો ભેદ.

ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિકાસ અને પ્રચાર-પ્રસારમાં સંપ્રદાયોનો મહત્તમ ફાળો છે. ભારતીય દર્શનના સંપ્રદાયો મોટેભાગે ગુરુપરંપરાથી અસ્તિત્વમાં આવ્યા છે. જે રીતે દર્શનની ઉપલબ્ધિ થઈ હોય તે રીતે તે વ્યક્તિથી સાંપ્રદાયિક પરંપરા ઊભી થાય છે. ઉત્તરોત્તર પરિવર્તન થતાં તેમના દાર્શનિક વિચારભેદને બદલે આચારભેદ થાય છે; ક્યારેક તત્ત્વદૃષ્ટિમાં થોડાંક પરિવર્તન આવે છે; પરિણામે મૂળ સંપ્રદાય અનેક ફાંટામાં વહેંચાઈ જાય છે. જૈનદર્શનના શ્વેતાંબર અને દિગંબર, બૌદ્ધ દર્શનમાંથી ઊતરી આવેલા હીનયાન અને મહાયાન, બ્રહ્મ અને માયાને કારણે થયેલા કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત જેવા અનેક દાર્શનિક સંપ્રદાયો ભારતીય તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે જોવા મળે છે. મૂળ સંપ્રદાય અનેક પેટા પંથોમાં વહેંચાતાં સંકુચિતતા પ્રવેશે છે. ઇસ્લામ ધર્મના શિયા અને સુન્ની સંપ્રદાયોમાં પણ અન્ય સાંપ્રદાયિક કટ્ટરતા જેવી કટ્ટરતા પ્રવેશે છે. મોક્ષસાધનાના ભેદથી જ્ઞાન, કર્મ અને ભક્તિ પણ સંપ્રદાયોમાં અટવાઈ. અનેક મતોએ સાંપ્રદાયિક પરંપરા વિકસાવી. અલંકારશાસ્ત્રમાં પણ શબ્દ-અર્થના, કાવ્ય-દેહના પ્રાણભૂત તત્ત્વ-વિષયક મતભેદો, અલંકાર, રસ, ધ્વનિ, વક્રોક્તિ, રીતિ અને ઔચિત્યવાદીઓની પરંપરાઓ અલંકારશાસ્ત્રના સંપ્રદાયો છે. મીમાંસકોની ગુરુ અને ભાટ્ટ પરંપરાઓ પણ સંપ્રદાય બની. આ જ રીતે પરમાત્મતત્ત્વ તરીકે શિવ, વિષ્ણુ, શક્તિ, ગણપતિ, સૂર્ય આદિને સ્વીકારીને તેમને જ પ્રધાન દેવ ગણી દર્શન અને આચાર અસ્તિત્વમાં આવતાં શૈવ, વૈષ્ણવ, શાક્ત, ગાણપત્ય, સૌર આદિ સંપ્રદાયો થયા છે. ધર્મના મૂળભૂત સ્વરૂપે પ્રેમ, સત્ય, અહિંસા, શૌચ, આર્જવ વગેરે શુભ તત્ત્વ રહેલાં છે. ભગવદ્ગીતાની દૈવીગુણસંપદ ધર્મના મૂળમાં છે. જ્યારે સાંપ્રદાયિકતામાં આસુરી સંપત્તિ ભળે. તદનુસાર તેની કક્ષા સિદ્ધ થાય. ધર્મમાં સાર્વભૌમ ધર્મ કે કેવળ ધર્મની માન્યતા રહેલી છે. સૌનો ધર્મ છે; પણ સૌના સંપ્રદાયો ભિન્ન હોઈ શકે. ધર્મમાં અંત:દર્શન હોય છે. તે આત્માની અંદરથી ઊગે છે; અંતરમાં ડોકિયું કરાવે છે અને વ્યક્તિને તે તરફ વાળે છે. પંથ કે સંપ્રદાય બહિર્દર્શન કરાવે છે અને વ્યક્તિને બહાર જોવામાં રોકી રાખે છે. ધર્મ ગુણાવલંબી અને ગુણોપજીવી છે. સંપ્રદાય રૂપાવલંબી અને રૂપજીવી છે. બાહ્ય ઝાકમઝોળ વેશ, વેશની રીતભાત અને અન્ય ઉપકરણોનો આગ્રહ રાખે છે. ધર્મમાં દૃષ્ટિ સત્યનિષ્ઠ હોય છે. ધર્મમાં પરગુણદર્શન અને સ્વદોષદર્શન હોય છે. પંથમાં પરદોષદર્શન અને સ્વગુણપ્રશંસા પ્રધાન બને છે. ધર્મમાં વ્યક્તિ સ્વનિષ્ઠ બને છે; સંપ્રદાયમાં વ્યક્તિ પરનિષ્ઠ હોય છે. ધર્મ અભેદ સર્જે છે. સંપ્રદાય ભેદો સર્જે છે. ધર્મ આત્મકલ્યાણના માર્ગે દોરે છે. સંપ્રદાય આત્મનિષ્ઠામાં અંતરાયો પેદા કરે છે. ધર્મથી સદાચાર અને સૌજન્ય વિકસે છે. સંપ્રદાયમાં સદાચાર અને સૌજન્ય પ્રાય: દાંભિક બને છે. રાજકીય વિચારધારાભેદથી અસ્તિત્વમાં આવેલા પક્ષો પણ આવું જ સાંપ્રદાયિક વલણ ધરાવે છે. રાજનીતિશાસ્ત્રની વિભિન્ન વિચારધારાઓમાંથી પણ અનેક પંથો થયા છે. આમ, પ્રત્યેક ક્ષેત્રમાં અમુકતમુક વ્યક્તિ, વિચાર, આચાર, દેવ કે ગ્રંથને અનુસરનારાઓ સાંપ્રદાયિક બની રહેલા હોય છે.

આજદિન સુધી વિશ્વભરમાં પ્રગટેલા ધર્મો કે સંપ્રદાયો સહિત આજના યુગમાં શ્રીઅરવિન્દ દર્શન, શ્રીરજની દર્શન, શ્રી પ્રભુપાદનું હરેરામ-હરેકૃષ્ણ મિશન (ISKON), સ્વામીશ્રી વિવેકાનંદનું રામકૃષ્ણ મિશન, શ્રી દયાનંદ સરસ્વતીનો આર્યસમાજ, સ્વામીશ્રી શિવાનંદજીનો દિવ્યજીવનસંઘ, અખિલ વિશ્વ (પ્રજાપિતા) બ્રહ્માકુમારી મિશન, પૂ. આઠવળે દાદાનું સ્વાધ્યાય મિશન, શંકરાચાર્યના મઠો, ગાયત્રીપીઠ જેવાં શક્તિપીઠો, સ્વામિનારાયણ સંપ્રદાયો; કબીર, નાનક, રંગ અવધૂત, પૂજ્ય મોટા, પૂ. દાદા ભગવાન વગેરેનો અનુયાયી વર્ગ સંપ્રદાયો જ છે. માનવધર્મથી જ વ્યક્તિ અને સમાજનો વિકાસ થાય છે. સંપ્રદાયો માનવીના મનોવલણોને કાળક્રમે સંકુચિતતાના ગર્તમાં ધકેલી દે છે. કેટલીક વાર સાંપ્રદાયિકતાના અતિરેકને લીધે આવાં પરિણામો પણ આવે છે :

(1) સત્યસિદ્ધ નહિ થયેલી કલ્પનાઓને પણ તત્ત્વજ્ઞાન ગણીને વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ચાલે છે.

(2) અન્ય દ્વારા સત્યસિદ્ધ થયેલી બાબતને કે તેવા અનુભવને વિચારતાં કે અપનાવતાં ડરે છે.

(3) અન્ય સંપ્રદાયો સાથે સામ્ય ધરાવતી પોતાના સંપ્રદાયની બાબતને એકસરખી ન ગણતાં પોતાના સંપ્રદાયની બાબતને જ સાચી અને ચડિયાતી ગણે છે.

(4) પોતાના સંપ્રદાયની કે પોતાની માન્યતા વધુ લોકો દ્વારા સ્વીકારાય અને અનુસરાય તે વધુ ગમે છે. આના પરિણામે અન્ય લોકોની માન્યતાઓ ઉપર કુઠારાઘાત કરવા પ્રેરાય છે.

(5) સાંપ્રદાયિક આચાર-વિચારમાં રહેલી નબળાઈઓને જાણતો હોવા છતાં વૈયક્તિક રીતે પોતાના સંપ્રદાયોના પ્રવર્તકો, નેતાઓ કે શાસ્ત્રોની આજ્ઞા સ્વીકારવાનું મનોવલણ ધરાવે છે.

(6) અન્ય સંપ્રદાયના પ્રવર્તકો, પ્રચારકો કે શાસ્ત્રોની લઘુતા થતી જોઈ મનોમન હર્ષ પામે છે.

સાંપ્રદાયિકતાથી આવતી સંકુચિતતાને દૂર કરવા સદ્વર્તન, નીતિ, ભગવદ્ગીતામાં દર્શાવેલી દૈવી ગુણસંપત્તિનું સિંચન વ્યક્તિના વ્યક્તિત્વને વિકસાવી વૈશ્ર્વિક કલ્યાણને પોષનારાં મૂળભૂત તત્ત્વોને પામી માનવકલ્યાણના રાહે જીવન જીવવાની કળા શીખવે તેવો સંપ્રદાય ધર્મની તદ્દન સમીપ ગણાય. એ રીતે પ્રવર્તમાન સંપ્રદાયોને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભેદોમાં વહેંચી શકાય.

ઉત્તમ : નિશ્ચિત સાધ્ય અને નિશ્ચિત સાધનો દ્વારા પોતાની સમજણ અને રુચિ પ્રમાણે અન્યને હાનિ ન પહોંચે તેમ અન્ય તરફ સહિષ્ણુતાનો ભાવ રાખીને પોતાની સાધના કરે તે ઉત્તમ સંપ્રદાય. આનો પ્રધાન ગુણ છે સર્વધર્મસહિષ્ણુતા.

મધ્યમ : પોતાનું જ સાધ્ય તથા પોતાનું જ સાધન સાચું એવી દુરાગ્રહી માન્યતા સાથે વર્તે, વિચારે કે વિચારવા અને આચરવા પ્રેરે તેમાં સહિષ્ણુતાનો અભાવ હોય છે. આવા સંપ્રદાયો મધ્યમ પ્રકારના છે.

કનિષ્ઠ : સાધ્ય-સાધન નિશ્ચિત ન હોય પણ નિશ્ચિત વ્યક્તિ, વંશ કે ગ્રંથને અધીન થઈ જવું. ગુણગ્રાહી અને વિદ્યાસત્યગ્રાહી થવાને બદલે કૂપમંડૂકતામાં રાચનાર, અસહિષ્ણુ અને અનુદારતા કનિષ્ઠ કે અધમ સંપ્રદાયનું લક્ષણ છે.

ઉત્તમ સંપ્રદાય વિશ્વ અને વ્યક્તિ માટે ખતરનાક નથી. તેના અનુયાયીઓ પોતાનું કલ્યાણ કરી શકે કે નહિ તે અલગ બાબત છે; પણ તેનાથી વ્યક્તિ, વિશ્વ કે સમાજનું અકલ્યાણ થતું નથી. મધ્યમ સંપ્રદાયોની દુરાગ્રહી માન્યતા અને સહિષ્ણુતાનો અભાવ વ્યક્તિ, સમાજ અને વિશ્વ માટે કલ્યાણના માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરે છે. અધમ સંપ્રદાયોની કૂપમંડૂકતા વ્યક્તિ, સમાજ અને વિશ્વમાં વિક્ષેપ, વિક્ષોભ, અસહિષ્ણુતા અને ઝનૂન ઉત્પન્ન કરે છે. ભલે પછી તે સંપ્રદાય કોઈ પણ ક્ષેત્ર  ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજનૈતિક વગેરેમાં જન્મ્યો હોય.

ચીમનલાલ વલ્લભરામ રાવલ

દશરથલાલ ગૌ. વેદિયા