પટેલ, દશરથ (જ. 1927, સોજિત્રા, જિલ્લો નડિયાદ, ગુજરાત; અ. 1 ડિસેમ્બર 2010, અલીબાગ, મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી અને બહુમુખી સિરામિસ્ટ, ચિત્રકાર, ડિઝાઇનર, ફોટોગ્રાફર.
દશરથભાઈ તરુણાવસ્થામાં અમદાવાદ ખાતે રવિશંકર રાવળ અને રસિકલાલ પરીખ હેઠળ કલાના દીક્ષા-સંસ્કાર પામ્યા. આ બંને કલાગુરુઓએ બંગાળ-શૈલી અપનાવી હતી. એ જ શૈલીમાં દશરથભાઈએ નિસર્ગશ્યો અને ગ્રામજીવનનાં દૃશ્યો આલેખ્યાં. 1943માં દશરથભાઈ ચેન્નાઈ ખાતેની ગવર્નમૅન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. અહીં તેમણે દેવીપ્રસાદ રૉય ચૌધુરી હેઠળ કલાની તાલીમ મેળવી 1953માં ડિપ્લોમા ઑવ્ ફાઇન આર્ટ્સ મેળવ્યો. ત્યારબાદ તેઓ મુંબઈ ખાતેના ભુલાભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સ્ટુડિયોમાં જોડાયા. અહીં મકબૂલ ફિદા હુસેન, તૈયબ મહેતા, પ્રફુલ્લ દવે, ફ્રાન્સિસ ન્યૂટન સૂઝા, પીલુ પોચકણવાલા, ગાયતોંડે, બાલ છાબડા જેવા અગ્રણી ચિત્રકારો અને વિચારકો સાથે પરિચય થયો, જેને પરિણામે દશરથભાઈ અમૂર્તતા(abtraction) તરફ ઢળ્યા. 1953માં દશરથભાઈ પૅરિસ ખાતે આવેલી પ્રસિદ્ધ કલાશાળા ઈકોલ દ બ્યુ આર્ટ(Ecole de Beaux Arts)માં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1955 સુધી અહીં અભ્યાસ કર્યો. 1953થી 1956 સુધી દશરથભાઈએ પૅરિસમાં વિલિયમ હેઇટર (William Hayter) સાથે સ્કૂલ ઑફ ઍન્ગ્રેવિંગ (Engraving)માં પણ અભ્યાસ કર્યો. ફ્રેંચ આર્કિટેક્ટો (સ્થપતિઓ) લુઈ કાન (Louis Kahn), બકી ફુલર (Bucky Fuller) તથા ફ્રાઈ ઑટો (Frei Otto) અને ફ્રેંચ ફોટોગ્રાફર હાંરી કાર્તર બ્રેંસોં (Henry Cartier Bresson) સાથે રહી 1956થી ’58 સુધી સ્થાપત્યકલા અને ફોટોગ્રાફીનો ઊંડો અભ્યાસ કર્યો. ઉપરાંત આધુનિક સંગીતકાર અને સ્વરનિયોજક જોન કેજ (John Cage) તથા આધુનિક ચિત્રકાર રૉબર્ટ રોશનબર્ગ (Robert Rauchenberg)નું સાહચર્ય તેમણે માણ્યું. 1959થી 1960 સુધી તેમણે ત્યારના ચેકોસ્લોવૅકિયાના પાટનગર પ્રાહા (Prague) ખાતે આર્ટ સિરામિક્સ સ્કૂલમાં સિરામિક કલાનો અભ્યાસ કર્યો. અહીં જાણીતા સિરામિસ્ટ પ્રો. એકર્ટ (Pr. Eckert) તેમના ગુરુ હતા. અભ્યાસ દરમિયાન તેમનું વલણ પ્રયોગલક્ષી (pragmatic) રહ્યું હતું.
1960માં દશરથભાઈ ભારત આવ્યા. અમદાવાદમાં ગૌતમ સારાભાઈ અને ગિરા સારાભાઈએ ડિઝાઇનિંગ અને ઔદ્યોગિક ડિઝાઇનિંગનું શિક્ષણ આપતી શિક્ષણસંસ્થા સ્થાપવાની તૈયારી આરંભી. દશરથભાઈએ તૈયારીઓમાં સહયોગ આપ્યો. એ રીતે 1961માં ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન’ સંસ્થા શરૂ થતાં તેમાં દશરથભાઈ શિક્ષક તરીકે જોડાયા અને 1980 સુધી એટલે કે સતત ઓગણીસ વર્ષ સુધી તેમણે વિદ્યાર્થીઓને તાલીમ આપી ડિઝાઇનરો તૈયાર કર્યા. 1981માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ ખિતાબથી નવાજ્યા.
1982માં ઉત્તરપ્રદેશમાં વારાણસી નજીક સેવાપુરીમાં ‘સઘન ક્ષેત્ર વિકાસ સમિતિ’ની ‘રુરલ ડિઝાઇન સ્કૂલ’ની સ્થાપના થઈ. અહીં તેમણે કુંભકલા, ચર્મકલા, સુથારીકામ, લુહારીકામ, લાખકામ, વણાટકામ, ભરતકામ, ગૂંથણકલા જેવી કારીગરીના અભ્યાસક્રમ ઘડ્યા. તે ઉપરાંત તેમણે પોતે પણ આ ક્ષેત્રે લોકપરંપરાને અનુસરીને અનેક મૌલિક પ્રયોગો કર્યા. તેમણે હવે ખાદીનાં જ વસ્ત્રો ધારણ કરવાં શરૂ કર્યાં. લાકડાની પાદુકા અને લુંગી તેમનો રોજિંદો પોશાક બન્યાં. અહીં તેમણે 1998 સુધી શિક્ષણ પ્રદાન કર્યું. આ સાથે તેમણે ફોટોગ્રાફીથી છબીઓ ઝીલવાનું ચાલુ રાખ્યું. તેમાં શહેરો અને ગામડાંના હોળી, દિવાળી, દશેરા, નવરાત્રી, ઉત્તરાયણ જેવા ઉત્સવો, શાકબજાર, મીઠાઈબજાર, રસ્તા પરનો ટ્રાફિક વગેરે અનેક છટાઓ અને ચિત્તાકર્ષક રંગો સાથે સુપેરે ઝિલાયાં છે.
દશરથભાઈની ફોટોગ્રાફીનું વૈયક્તિક પ્રદર્શન 1965માં NID (નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન) અમદાવાદ ખાતે ‘માતાની પછેડી’ શીર્ષક હેઠળ યોજાયું હતું. આ ઉપરાંત, તેમણે ભારતમાં અને વિદેશોમાં ફોટોગ્રાફીના અનેક ગ્રૂપ શોમાં ભાગ લીધો હતો. 1968થી 1998 સુધીનાં વીસ વર્ષ દરમિયાન તેમણે જાણીતાં નૃત્યાંગના ચંદ્રલેખાના સહકારથી ભારતનાં શાસ્ત્રીય અને લોકનૃત્યોનું ફોટોગ્રાફી દ્વારા દસ્તાવેજીકરણ (documentation) કર્યું. 1981થી 1988 સુધી લંડન, મૉસ્કો, લેનિનગ્રાડ (નવું નામ સેંટ પીટ્સબર્ગ), તાશ્કંદ, ન્યૂયૉર્ક, સાન ફ્રાન્સિસ્કો, વૉશિંગ્ટન ડીસી અને પૅરિસ ખાતે યોજાયેલા ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’નું તેમણે આયોજન કર્યું. તેમાં પેવેલિયનોની ડિઝાઇન પણ તેમણે કરી. આ ઉપરાંત અનેક કૉર્પોરેટ કંપનીઓ તથા સરકારી અને અર્ધસરકારી એજન્સીઓનાં લૉગો-સિમ્બૉલ, ક્રૉકરી, સ્ટેશનરી ડિઝાઇન કર્યાં. ઇન્ડિયન ટૂરિઝમ કૉર્પોરેશનની હોટેલો માટે તેમણે કપ-રકાબી, ડિનરપ્લેટ, લંચપ્લેટ, બ્રેકફાસ્ટ પ્લેટ, બાઉલ(વાડકા), ચમચા જેવી ક્રૉકરી અને કટલરી તેમણે ડિઝાઇન કરી.
1982માં ઑક્સફર્ડ ખાતે દશરથભાઈના ફોટોગ્રાફનું પ્રદર્શન ‘ઇન્ડિયા મિથ ઍન્ડ રિયાલિટી’ શીર્ષક હેઠળ યોજાયું. દશરથભાઈનાં મૌલિક ચિત્રોનાં પ્રદર્શનો 1950થી 1995 સુધી અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, પુણે, બૅંગાલુરુ (બૅંગ્લોર), પૅરિસ, લંડન તથા પ્રાગ (Prague) ખાતે યોજાતાં રહ્યાં.
ચિત્રકલા, ફોટોગ્રાફી, સિરામિક્સ, કુંભકલા, ધંધાદારી ગ્રાફિક ડિઝાઇન જેવી દૃશ્યકલાની શાખાઓમાં બહુમુખી સર્જક-પ્રતિભા ધરાવતા દશરથભાઈ આધુનિક ભારતના અગ્રણી ડિઝાઇનગુરુ પણ બની રહ્યા હતા.
અમિતાભ મડિયા