પટેલ, ત્રિભુવનદાસ કીશીભાઈ (. 22 ઑક્ટોબર 1903, આણંદ; . 3 જૂન 1994, આણંદ) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની તથા ગુજરાતમાં ડેરીઉદ્યોગ-ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિના પ્રણેતા. ખેડૂત-પરિવારમાં જન્મ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ આણંદમાં. 1919માં આણંદ સેવક સમાજની સ્થાપના કરી અને તે દ્વારા જાહેર જીવનમાં પ્રવેશ. 1921માં સરકારી શાળાનો ત્યાગ કર્યો અને મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ. ત્યાંથી વિનીતની પદવી પ્રાપ્ત કરી. પિતાના અવસાનને લીધે અધવચ્ચે અભ્યાસ છોડવો પડ્યો. રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય તરીકે સત્યાગ્રહની બધી જ લડતોમાં ભાગ લીધો. 1924માં પ્રથમ જેલવાસ અને ત્યારપછી પણ આઝાદીની ચળવળમાં ભાગ લેવા બદલ અનેક વાર જેલવાસ ભોગવ્યો (1924-42). ખેડા જિલ્લો તેમની જાહેર પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યો. જિલ્લા લડત સમિતિના સભ્ય તરીકે ધરાસણાના મીઠાના સત્યાગ્રહની પ્રથમ ટુકડીનું નેતૃત્વ કર્યું. 1935-94ના છ દાયકા દરમિયાન તેમણે ખેડા જિલ્લાની સંખ્યાબંધ સંસ્થાઓમાં સેવાકાર્ય કર્યું હતું; જેમાં આણંદ નગરપાલિકા, હરિજનસેવક સંઘ, દૂધ-ઉત્પાદક સંઘ, કેન્દ્રીય સહકારી બૅંક તથા જિલ્લાવિકાસ બોર્ડનો સમાવેશ થાય છે. 1955-61 દરમિયાન તેમણે ઇન્ડિયન ડેરી સાયન્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ, 1962-67 દરમિયાન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ, 1965માં નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ ફેડરેશનના ઉપાધ્યક્ષ, 1967-74 દરમિયાન રાજ્યસભાના સભ્ય, 1979-80 દરમિયાન સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયાના ડિરેક્ટર જેવાં વિવિધ પદો પર કામ કર્યું હતું. 1946-71 દરમિયાન સતત 25 વર્ષ સુધી તેઓ ‘અમૂલ’ ડેરીના ચૅરમૅન હતા. 1950માં અમૂલ ડેરી પ્લાન્ટનો આરંભ થયો ત્યારથી અવસાન સુધી ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વી. કુરિયન સાથે તેમણે કરેલું કાર્ય શકવર્તી ગણાય છે. 1971માં ‘ત્રિભુવનદાસ ફાઉન્ડેશન’ની સ્થાપના થઈ, જેના 1975-82 દરમિયાન તેઓ ચૅરમૅન રહ્યા હતા.

ત્રિભુવનદાસ કીશીભાઈ પટેલ

કમ્યુનિટી લીડરશિપ-ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવા બદલ 1963માં તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા રેમન મૅગેસેસે ઍવૉર્ડ તથા ભારતમાં સહકારી ક્ષેત્રે ગણનાપાત્ર સેવાઓ આપવા બદલ 1964માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે