પટેલ, જબ્બાર (. 23 જૂન 1942, પંઢરપુર) : આધુનિક રંગમંચ તથા સિનેજગતના અગ્રણી. શાળાનું શિક્ષણ સોલાપુરમાં. શાળાના મરાઠી શિક્ષક વગેરેનો તેમ ચાલીમાં ઊજવાતા ગણેશોત્સવનો તેમના પ્રારંભિક ઘડતરમાં મહત્ત્વનો ફાળો છે. આઠ વર્ષના હતા ત્યારે આચાર્ય અત્રેના ‘મી ઊભા આહે’માં અભિનય કરવાની તક મળી; એ પ્રથમ રંગભૂમિ-અનુભવ પણ પ્રેરણારૂપ બન્યો.

જબ્બાર પટેલ

1961માં તેઓ પુણેની બી. જે. મેડિકલ કૉલેજમાં જોડાયા, ત્યાં તેમની કારકિર્દીનો નિર્ણાયક રીતે પ્રારંભ થયો. તે વખતે મહત્ત્વની લેખાતી પુરુષોત્તમ કરંડક આંતર-કૉલેજ નાટ્યસ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમણે દિગ્દર્શિત કરેલા ‘બળી’ (લે. વિજય તેંડુલકર) નાટકને મહત્ત્વનાં તમામ ઇનામો મળ્યાં. આ ઉપરાંત કૉલેજકાળ દરમિયાન બીજાં નાટકો ઉપરાંત ‘જાનવર’ (‘ધ ઝૂ સ્ટૉરી’નો નરવરેકૃત અનુવાદ), તેંડુલકરકૃત સળંગ નાટક ‘શ્રીમંત’ તથા ‘પ્રેમા તુઝા રંગ કસા’ જેવાં નાટકોમાં અભિનય-દિગ્દર્શનની કામગીરી સંભાળી. એ દરમિયાન પ્રોગ્રેસિવ ડ્રામૅટિક ઍસોસિયેશનના ભાલબા કેળકર તથા વાસુદેવ પાલંદેએ તેમની પ્રતિભા પારખી. ઝળહળતી સફળતાનાં એ વર્ષોમાં, 1964માં પી.ડી.એ. તરફથી તેમને ‘સત્તાવનચા સેનાની’માં નાનું પાત્ર અપાયું. પી.ડી.એ.માં તેમને મહત્ત્વનું પાત્ર મળ્યું 1965-66માં ‘ખૂન પહાવા કરુન’માં. આ હાસ્યરસિક પાત્રમાં તેમણે શ્રીરામ લાગુ જેવા પ્રયોગવીર અભિનેતા સાથે કામ કર્યું. 1967માં ‘તૂ વેડા કુંભાર’(લે. વ્યંકટેશ માડગુળકર)માં મહારાષ્ટ્ર રાજ્યની નાટ્યસ્પર્ધામાં તેમને ઉત્તમ અભિનેતાનું ઇનામ મળ્યું. આ બધાથી સંતોષ ન થતાં તેમણે તેંડુલકરને ઘાસીરામ વિશે લખવા કહ્યું. પોતાની કલાસૂઝ પ્રમાણે પ્રયોગશીલ નાટકો રજૂ કરવા માટે તેમણે 1972માં થિયેટર એકૅડેમીની સ્થાપના કરી. સૌપ્રથમ તેમણે અવનવીન સંગીત તેમજ અનોખું નૃત્યનિયોજન ધરાવતું તળપદી લોકકલા પરંપરાનું ‘ઘાસીરામ કોતવાલ’ રજૂ કર્યું (1973) અને ભારે લોકચાહના તથા વિક્રમજનક ખ્યાતિ મેળવી. દેશભરના નાટ્યનિષ્ણાતો પ્રભાવિત થવાની સાથોસાથ આ વિશિષ્ટ નાટ્યકૃતિ કોર્ટ-વિવાદનો ભોગ પણ બની. યુરોપના દેશો તથા અમેરિકામાં પણ આ નાટ્ય-રજૂઆતને પુષ્કળ ખ્યાતિ સાંપડી.

તેમનું બીજું મહત્ત્વનું સર્જન તે ‘તીન પૈશાચા તમાશા’ (1977). બ્રેખ્તના ‘થ્રી પેની ઑપેરા’ પરથી પુ. લ. દેશપાંડેએ રૂપાંતરિત કરેલી અનોખા સંગીત-નિયોજનવાળી આ કૃતિ પણ ભારે પ્રશંસા પામી. ત્યારબાદ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોને વાચા આપતી શેરીનાટક જેવી કૃતિ ‘પડઘમ’ (લે. અરુણ સાધુ) રજૂ કરી (1985).

કલાત્મક ચિત્રપટનિર્માણક્ષેત્રે પણ ‘જૈત રે જૈત’ (1977) તથા ‘ઉંબરઠા’ (1981) જેવાં પ્રયોગલક્ષી ચલચિત્રોનું નિર્માણ કરી અગ્રેસર તરીકે સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત તેમણે ‘સમણાં’ (1975), ‘સિંહાસન’ (1979) તથા ‘મુસાફિર’ (1985), ‘ડૉ.  બાબાસાહેબ આંબેડકર’ (1999) જેવાં ચલચિત્ર તથા ‘મહારાષ્ટ્ર 25 યર્સ’; ‘ધ માઇલસ્ટોન’ (1987) અને ‘ઇન્ડિયન થિયેટર’ (1989) જેવાં દસ્તાવેજી ચિત્રો પણ તૈયાર કર્યાં છે.

1978માં તેમને સંગીત નાટક એકૅડેમીનો દિગ્દર્શનનો ઍવૉર્ડ મળ્યો છે. તેમનું દિગ્દર્શન પામેલાં ચલચિત્રોને રાષ્ટ્રીય પારિતોષિકો પણ મળેલાં છે. સન્ 1995માં મરાઠી ફિલ્મ ‘મુક્ત’ માટે તેમને રાષ્ટ્રીય એકતા વિષયક શ્રેષ્ઠ ફિલ્મ માટે અપાતા નરગિસ દત્ત ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

એમણે બધી મળીને 20 જેટલી ફિલ્મોનું સર્જન કરેલ છે. જેમાં કેટલીક ડોક્યુમેન્ટરી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

મહેશ ચોકસી

મહેશ ચંપકલાલ શાહ