પટેલ જગદીશ (. 5 સપ્ટેમ્બર 1928, વિરસદ, જિ. ખેડા; . 31 માર્ચ 1999, અમદાવાદ) : અંધજનોના ઉત્કર્ષ માટે જીવનભર કાર્યરત રહેલા ગુજરાતના અગ્રણી સમાજસેવક. પિતાનું નામ કાશીભાઈ. તેઓ ડૉક્ટર હતા. માતાનું નામ લલિતાબહેન. ત્રણ ભાઈઓ અને બે બહેનો ધરાવતા પરિવારમાં જગદીશભાઈ સૌથી મોટા. માત્ર આઠ વર્ષના હતા ત્યારે મૅનેન્જાઇટિસ રોગના હુમલાને કારણે તેમણે ચક્ષુ ગુમાવ્યાં. છતાં નાસીપાસ ન થતાં શિક્ષણ ચાલુ રાખ્યું. 1956માં એસ.એસ.સી. અને 1962માં સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ઉપરાંત, મુંબઈ ખાતેની વી. એમ. સ્કૂલ  ફૉર ધ બ્લાઇન્ડ સંસ્થાનો ફિઝિયૉથૅરપીનો અભ્યાક્રમ; કૅનિંગ, વીવિંગ, ટેલરિંગ જેવા વ્યવસાયોમાં ધંધાકીય ક્ષમતા; ઇંગ્લૅન્ડનો બ્લાઇન્ડ ઍડ્મિનિસ્ટ્રેશન ઑફિસર્સ કોર્સ (1962) તથા કોલાલંપુર – મલેશિયાનો મોટર સ્કીલ પર્સેપ્ચુઅલ તાલીમ અભ્યાસક્રમ (1967) સફળતાથી પૂરા કર્યા. સમય જતાં ફિઝિયૉથૅરપી ક્ષેત્રમાં તજ્જ્ઞતા પ્રાપ્ત કરી અને 1948માં અમદાવાદ ખાતે ‘મેડીકો મસાજ’ નામથી મસાજ માટેનું સૌપ્રથમ ઉપચારકેન્દ્ર શરૂ કર્યું. 1949માં તેઓ ફિઝિયૉથૅરપિસ્ટ તરીકે કૅલિકો હૉસ્પિટલમાં દાખલ થયા તથા 1960માં અમદાવાદની એલ. જી. હૉસ્પિટલમાં ફિઝિયૉથૅરપી વિભાગના વડા તરીકે જોડાયા.

જગદીશ પટેલ

વ્યવસાયે ફિઝિયૉથૅરપિસ્ટ હોવા છતાં અંધજનોના ઉત્કર્ષ, પુનર્વસન અને વ્યાવસાયિક કારકિર્દીના વિકાસ અને વિસ્તરણ માટે તેમણે તેમના જીવનનો મોટા ભાગનો સમય ફાળવ્યો હતો. પોતાના ફિઝિયૉથૅરપી ઉપચાર કેન્દ્રમાં તેમણે ઘણા અંધજનોને ફિઝિયૉથૅરપીની તાલીમ આપી હતી. અંધજનોના ઉત્કર્ષ માટે કામ કરતી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ સ્થાપવામાં અને તેના સંચાલનમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. આ સંસ્થાઓમાં અંધજન મંડળ, અમદાવાદ; રાષ્ટ્રીય અંધજન મંડળ, મુંબઈ; રાષ્ટ્રીય અંધજન મંડળ(ભારત)ની ગુજરાત રાજ્ય શાખા; માઉન્ટ આબુ ખાતેનું ફીરોઝ નોશીર રિહેબિલિટેશન સેન્ટર ફૉર ધ બ્લાઇન્ડ; નૅશનલ ફેડરેશન ઑવ્ ધ બ્લાઇન્ડ, ઇન્ડિયા; નવી દિલ્હી; અંધ કન્યા પ્રકાશ ગૃહ, અમદાવાદ; રાષ્ટ્રીય અંધત્વ નિવારણ સંસ્થા, ઑલ ઇન્ડિયા કૉન્ફિડરેશન ઑવ્ ધ બ્લાઇન્ડ, નવી દિલ્હી વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય તેઓ અન્ય ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. તેમાં રાજ્યનું સમાજસુરક્ષાખાતું અને સમાજકલ્યાણખાતું; વૉકેશનલ રિહેબિલિટેશન સેન્ટર, અમદાવાદ; જેસીસ, અમદાવાદ; ગુજરાત વેપારી મહામંડળ, અમદાવાદ; અમદાવાદ પ્રૉડક્ટિવિટી કાઉન્સિલ; મલ્ટિકૅટેગરી વર્કશૉપ ફૉર ધ હૅન્ડિકૅપ્ડ, અમદાવાદ; એકૅડેમિક કાઉન્સિલ ઑવ્ ધ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ વિઝ્યુઅલી હૅન્ડિકૅપ્ડ, દહેરાદૂન; સદ્ભાવના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ (અંધ અને અપંગ) જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

1968થી તેઓ દિગ્વિજયનગર લાયન્સ ક્લબના સક્રિય સભ્ય હતા. 1972-73 વર્ષ દરમિયાન તેઓ આ ક્લબના મંત્રી તથા 1975-76 દરમિયાન તેના પ્રમુખ રહ્યા હતા. આ સંસ્થા મારફત તેમણે ઘણી દૃષ્ટિહીન વ્યક્તિઓેને દૃષ્ટિ પરત મેળવી આપી હતી અથવા અન્ય રીતે રાહત આપી હતી. 1982-83 દરમિયાન લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 323-બીના તેઓ ડેપ્યુટી ગવર્નર હતા. તેમના આ ક્લબના પ્રમુખપણા હેઠળ ક્લબને ઘણા ઍવૉર્ડ મળ્યા હતા.

અંધજનોની ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમણે હાજરી આપી હતી. તેમાં 1962માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફૉર ધ વિઝ્યુઅલી હૅન્ડિકૅપ્ડ સંસ્થાનું વિશ્વસંમેલન, 1964માં ન્યૂયૉર્ક ખાતે આયોજિત વર્લ્ડ કાઉન્સિલ ફૉર ધ વૅલ્ફેર ઑવ્ ધ બ્લાઇન્ડની પરિષદ, 1969માં નવી દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ કાઉન્સિલ ફૉર ધ વૅલ્ફેર ઑવ્ ધ બ્લાઇન્ડનું વિશ્વસંમેલન, 1969માં શ્રીલંકામાં આયોજિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઑવ ધ બ્લાઇન્ડની પરિષદ, 1972માં પૂર્વ જર્મનીમાં આયોજિત રિહેબિલિટેશન ઍન્ડ એમ્પ્લૉયમેન્ટ ઑવ્ ફિઝિકલી હૅન્ડિકૅપ્ડનો આંતરરાષ્ટ્રીય સેમિનાર, 1974માં બર્લિન ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઑવ્ ધ બ્લાઇન્ડનું સંમેલન, 1978માં તે જ સંસ્થાનું હૉંગકૉંગ, 1979માં ઍન્ટવર્પ, 1980માં જકાર્તા, 1983માં સિંગાપુર અને 1984માં પૅરિસ ખાતે આયોજિત સંમેલન વગેરેનો સમાવેશ થાય છે.

તેમની સમાજસેવાની કદર રૂપે તેમને ઘણાં પારિતોષિકો અને ઍવૉર્ડ મળ્યાં હતાં; દા. ત., 1980માં સ્વ. નીલકંઠરાય છત્રપતિ ઍવૉર્ડ, 1981માં રાષ્ટ્રીય અંધજન મંડળ, મુંબઈ તરફથી રુસ્તમ મેરવાનજી અલપાઈવાલા મેમોરિયલ ઍવૉર્ડ, ગુજરાત સરકારના સમાજસુરક્ષા-ખાતા તરફથી સન્માનપત્ર, 1987માં સેન્ટેનિઅલ ઍવૉર્ડ ફૉર આઉટસ્ટૅન્ડિંગ વર્ક ફૉર ધ બ્લાઇન્ડ, 1991માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ, ઇંગ્લૅન્ડે સ્થાપિત કરેલ ગોલ્ડન ઍવૉર્ડ ફૉર ઑવરસીઝ સર્વિસીઝ, 1991, 1994માં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે નૅશનલ ઍવૉર્ડ ફૉર આઉટસ્ટૅન્ડિંગ સર્વિસીઝ ઇન ધ ફિલ્ડ ઑવ્ બ્લાઇન્ડ વૅલફેર, 1994માં શ્રી ઍવૉર્ડ અને 1996માં અમદાવાદ મેડિક્લ ઍસોસિયેશન દ્વારા ‘પ્રાઇડ ઑવ્ અમદાવાદ ઍવૉર્ડ’. તેમને ઘણી સંસ્થાઓએ સ્પેશિયલ ઍવૉર્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માન્યા હતા. તેમની ષદૃષ્ટિપૂર્તિ પ્રસંગે તેમના પ્રશંસકો, મિત્રો, કલ્યાણલક્ષી સંસ્થાઓ અને સહકાર્યકરોએ મળીને તેમને રૂપિયા 1,00,000ની સન્માનસૂચક ભેટ આપી હતી. આ રકમ દ્વારા જગદીશભાઈનાં માતા-પિતાની સ્મૃતિમાં કેટલીક કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે એક અલાયદું એન્ડાઉમેન્ટ ઊભું કરવામાં આવ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે