પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’

February, 1998

પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’ (. 28 એપ્રિલ 1905, કરમસદ, જિ. ખેડા; . 2 જુલાઈ 1996) : ગુજરાતી લેખક. ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક (વિનીત) અને આર્યવિદ્યાવિશારદ થયા બાદ મગનભાઈ દેસાઈની સાથે તે જ સંસ્થાના કાર્યમાં જોડાઈ ગયા. પ્રથમ પુરાતત્ત્વમંદિરના અને ત્યારપછી ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે સેવા આપી.

ગાંધીજીના તેઓ સાચા સિપાઈ હતા. બધી લડતોમાં સક્રિય ભાગ લઈને અનેક વખત જેલમાં પણ ગયા હતા. ‘સત્યાગ્રહ’ અને ‘ટેકારવ’ જેવા પત્રો દ્વારા કોઈની પણ પરવા કર્યા વિના કલમ ચલાવી હતી. ગાંધીજીના સત્સંગે તેમનો મુખ્ય રસ રચનાત્મક પ્રવૃત્તિઓ, શિક્ષણ, ગ્રંથાલય, પત્રકારત્વ, સાહિત્ય વગેરેનો રહ્યો હતો. ‘સંસ્કૃત ગુજરાતી વિનીત કોશ’ (1957) જેવા સંપાદનગ્રંથ ઉપરાંત વિક્ટર હ્યુગોની નવલકથાઓના ‘ગુનો અને ગરીબાઈ’ (1957), ‘ક્રાંતિ કે ઉત્ક્રાંતિ’ (1963), ‘લે મિઝરેબલ ઉર્ફે દરિદ્રનારાયણ’ તેમજ એલેકઝાંડર ડ્યૂમાની; ‘કાઉન્ટ ઑવ્ મૉન્ટેકીસ્ટો’ (1963) અને ‘થ્રી મસ્કેટીયર્સ’ (ભા. 1થી 5) ચાર્લ્સ ડિકન્સકૃત ‘નિકોલસ નિકલ્બી’ (1965), ‘મોતની માયા’ (1963) જૉન સ્ટાઇનબેકની ‘ગૂનો અને સજા’ (1957), ફિયોદોર દૉસ્તૉયેવસ્કીની નવલકથાઓના ભાવાનુવાદ પણ આપ્યા છે.

‘બેવડું પાપ યાને હિન્દુસ્તાનની પાયમાલી’ (1930), ‘ગ્રામવિદ્યાપીઠ’ (1951), ‘સર્વોદયની કેળવણી’ (1956) વગેરે તેમના અન્ય અનુવાદગ્રંથો છે. ‘પ્રાચીન શીલકથાઓ’ (1955), ‘વેર અને અવિચાર’ (1957), ‘નીતિ અને ધર્મ’ (1957) જેવા ગ્રંથો પણ આપ્યા છે. ‘ભાગવત’, ‘યોગવાસિષ્ઠ’ વગેરે પરથી પ્રાચીન બૌદ્ધ, જૈન, હિન્દુ પુરાણકથાઓ આપી છે. ‘મહાવીરકથા’ સળંગ મહાવીરચરિત્ર છે. તેમણે ‘સરસ્વતીચંદ્ર’ નો છાત્રોપયોગી સંક્ષેપ પણ કર્યો છે.

દર્શના ધોળકિયા

વીણા શેઠ