પટેલ, ચંદુલાલ બહેચરલાલ (. 5 ઑગસ્ટ 1889, શિહોર; . 28 નવેમ્બર 1964, ગોંડલ) : સમર્થ કોશકાર. પિતા બ્રહ્મનિષ્ઠ રાષ્ટ્રકવિ. તેઓ ‘વિહારી’ તરીકે પ્રસિદ્ધ હતા. માતા મણિબાઈ પણ સંસ્કારી. પ્રાથમિક શિક્ષણ ભાયાવદરમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલમાં અને ઉચ્ચશિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું. આ સમયગાળામાં તેઓ હિંમતલાલ અંજારિયા, લલિત, કાન્ત, ભિક્ષુ અખંડાનંદ, મોતીભાઈ અમીન વગેરે મહાનુભાવોના સંપર્કમાં આવ્યા. તેમનાથી તેઓ પ્રભાવિત થયા. તેમને પણ સમાજની – દેશની સેવા કરવાની ભાવના જાગી. 1914માં બી.એ. કરીને તેઓ સમાજસેવાના અવસરની શોધમાં પાટીદાર યુવક મંડળમાં જોડાયા. 1916માં ગોંડળ રાજ્યના કેળવણી-વિભાગમાં પરીક્ષક અને 1926માં ત્યાં જ વિદ્યાધિકારી નિમાયા. આ બધો સમય યુવકમંડળનું કાર્ય ચાલુ રાખ્યું. વિદ્યાધિકારીનું પદ તેમને સેવાકાર્યમાં સહાયક બન્યું. ગોંડલ રાજ્યમાં તેમણે કન્યાકેળવણી ફરજિયાત બનાવી. પ્રૌઢશિક્ષણના કાર્યને વેગીલું બનાવ્યું. રાષ્ટ્રીય ભાવના પ્રેરે તેવી વાચનસામગ્રી તૈયાર કરાવી. કાઠિયાવાડ રાજકીય પરિષદ ભરવામાં સહાય કરી. ગોંડલના તત્કાલીન મહારાજા ભગવતસિંહજીએ તેમને સર્વ અનુકૂળતા કરી આપી. ચંદુલાલે રાજ્યના નિરાશ્રિતગૃહ તથા બાલાશ્રમની વ્યવસ્થા પણ સુધારી. 1939માં સૌરાષ્ટ્રમાં દુકાળની સ્થિતિના સમયે તેઓ રાહતકાર્યમાં લાગી ગયેલા.

ચંદુલાલની નિષ્ઠા, કામની સૂઝ તથા યુવાનવય જોઈ મહારાજા ભગવતસિંહજીએ તેમના મનમાં રમતા એક ભગીરથ કાર્ય માટે તેમની સેવા લેવાનું વિચાર્યું. ગુજરાતી ભાષાને તેનો સર્વાંગસંપૂર્ણ શબ્દકોશ હોય તેવી મહારાજાની ઇચ્છા હતી. તે પોતે વિદ્વાન, વિદ્યાપ્રેમી, શિક્ષણના આગ્રહી, સાહિત્યપ્રેમી તથા પ્રજાવત્સલ રાજવી અને પ્રતિભા-પારખુ હતા. 1928માં વિદ્યાધિકારીના કાર્યાલયમાં જ કોશવિભાગનો આરંભ થયો. પોતે અત્યાર સુધીમાં કષ્ટપૂર્વક એકઠા કરેલા 20,000 શબ્દોના અર્પણ સાથે ભગવતસિંહજીએ 1 ઑક્ટોબર, 1928ના દિવસે સંપાદનકાર્યનો આરંભ કર્યો. ચંદુલાલે સાંજના 5-30 વાગ્યા સુધી વિદ્યાધિકારી તરીકેનું કાર્ય સંભાળવાનું ચાલુ રાખી એ જ વર્ષથી કોશ કાર્યાલયમાં સાંજના 7થી 10 વાગ્યા સુધી કોશસંપાદક તરીકે નિયમિત કાર્યનો આરંભ કર્યો. 10 વર્ષે 1938માં ‘ભગવદ્ગોમંડળ’નો 902 પાનાંનો દળદાર પ્રથમ ખંડ પ્રસિદ્ધ થયો. તેમાં ‘અ’થી ‘અં’ સુધીના 26,687 શબ્દો સમાવી લેવાયા. બીજો ખંડ 6 વર્ષે 1944માં બહાર પડ્યો. તે પછી કામનો વેગ વધ્યો. 1953માં 7 અને 8 ખંડ તથા 1954માં છેલ્લો 9મો ખંડ પ્રસિદ્ધ કરાયો. વચ્ચે ચંદુલાલે વિદ્યાધિકારીના પદેથી નિવૃત્ત થઈ પૂરો સમય કોશકાર્યમાં આપ્યો. આમ, 29 વર્ષ સુધી શાંતિપૂર્વક, પ્રસિદ્ધિથી દૂર રહીને તેમણે પૂરી નિષ્ઠા અને ઝીણવટથી આ વિરાટ કાર્ય પાર પાડ્યું. સંચાલનમાં પણ તેઓ કેટલા સક્ષમ હતા તે આવા ભગીરથ કાર્યના ખર્ચના આંકડાથી જાણી શકાય છે. 29 વર્ષમાં કોશ નિમિત્તે એકત્ર ખર્ચ રૂ. 2,72,450 થયું. 1947માં સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્રનું જુદું રાજ્ય રચાયું. તેની સરકારે ચંદુલાલના આ સીમાચિહ્નસમા કાર્ય માટે તેમને રૂ. 11,000નું પારિતોષિક આપ્યું. પોણા ત્રણ લાખ શબ્દો સમાવતા આ કોશના સંપાદન માટે ગુજરાત સાહિત્યસભાએ 1954નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને અર્પણ કર્યો. વિજ્ઞાનની ભાષા તરીકે ગુજરાતી ભાષા પૂરતી સક્ષમ છે એ આ મહાન કોશકારે સિદ્ધ કરી બતાવ્યું. એમણે ‘ગાંધીકોશ’ (1963) પણ આપ્યો છે.

બંસીધર શુક્લ