પટનાયક, અનંત (જ. 12 જૂન 1914, છબ્નબત્તા, જિ. પુરી; અ. 1987) : ઊડિયા ભાષાના નામી કવિ. તેમના ‘અવાંતર’ નામના કાવ્યસંગ્રહને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. જીવનની શરૂઆતમાં જ અસહકારના આંદોલનમાં જોડાયા હોવાથી તેમનું વિધિસર શિક્ષણ અટવાઈ ગયું હતું; જોકે પાછળથી તેમણે કટકની રેવનશો કૉલેજમાંથી કાયદાની સ્નાતક ડિગ્રી મેળવી હતી. આઝાદીની લડત દરમિયાન તેમણે અનેક વાર જેલવાસ વેઠ્યો હતો. સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા હતા. ઊડિયા સાહિત્યની પ્રગતિવાદી ઝુંબેશ સાથે તેઓ સંકળાયેલા રહ્યા હતા. તેમણે 9 કાવ્યસંગ્રહો, બાલસાહિત્યનાં 7 પુસ્તકો તેમજ ગૉર્કી અને શૉખૉલોવ જેવા સમર્થ રશિયન સાહિત્યસર્જકોની કૃતિઓના અનુવાદ આપ્યા છે. તેમણે એક ચલચિત્ર માટે પટકથા પણ લખી હતી. તેઓ અનેક સામાજિક, સાહિત્યિક તથા શૈક્ષણિક સંસ્થાઓના સભ્ય રહ્યા હતા. તેમને સાહિત્ય માટે અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યાં છે.
સાધનહીન વર્ગ અને આમ વર્ગ સાથેની ઊંડી નિસબત, જીવન પરત્વેનો વિધેયાત્મક અભિગમ, કવિ તરીકેની ખુદવફાઈ તથા પ્રભાવક નિરૂપણશૈલીને કારણે તેમનો ‘અવાંતર’ કાવ્યસંગ્રહ બહોળી પ્રશંસા પામ્યો છે.
મહેશ ચોકસી