પટનાયક, નવીન  ( જ. 16 ઑક્ટોબર, 1946 -) : ભારતના પીઢ રાજકારણી અને ઓડિશાના 1998થી અત્યાર સુધી મુખ્યમંત્રી. તેઓ ઓડિશાની સાથે ભારતનાં કોઈ પણ રાજ્યમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે શાસન કરનારાઓ રાજકારણીઓ પૈકીનાં એક. એટલું જ નહીં બે દાયકાથી વધારે સમય સુધી સતત પાંચ વાર ચૂંટણીમાં વિજય મેળવનાર પવન ચામ્લિંગ અને જ્યોતિ બસુ પછી દેશના ફક્ત ત્રીજા મુખ્યમંત્રી છે.

પિતા ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, પીઢ અને પ્રસિદ્ધ રાજનેતા બીજુ પટનાયક અને માતા જ્ઞાન દેવી. પ્રાથમિક શિક્ષણ દેહરાદૂનમાં વેલ્હામ બૉય્સ સ્કૂલ અને ધ દૂન સ્કૂલમાંથી મેળવ્યું. તેઓ સંજય ગાંધીનાં સહાધ્યાયી અને રાજીવ ગાંધીથી ત્રણ વર્ષ જુનિયર છે.  દિલ્હી યુનિવર્સિટીની કિરોડી મલ કૉલેજમાંથી કળા શાખામાંથી સ્નાતકની ઉપાધિ મેળવી.

યુવાવસ્થામાં રાજકારણ અને ઓડિશા એમ બંનેથી દૂર રહ્યા તથા લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા. પણ 1997માં પિતા બીજુ પટનાયકના અવસાન પછી રાજકારણમાં પ્રવેશ કર્યો. પિતાના સ્થાને ઓડિશાની અસ્કા સંસદીય બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા. વર્ષ 1997માં જનતા દળનું વિભાજન થયું અને 1998માં બીજું જનતા દળ (બીજેડી) નામના ઓડિશા-કેન્દ્રિત પ્રાદેશિક પક્ષની રચના કરી. શરૂઆતમાં ભાજપનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) સાથે જોડાણ કર્યું અને પ્રધાનમંત્રી વાજપેયીના મંત્રીમંડળમાં કેન્દ્રીય ખાણ મંત્રી બન્યા. વર્ષ 2000માં વિધાનસભાની ચૂંટણીમાં બીજેડીએ ભાજપ સાથે ગઠબંધનમાં ઓડિશા વિધાનસભામાં બહુમતી બેઠકો મેળવી. કેન્દ્રીય મંત્રી તરીકે રાજીનામું આપ્યું અને ઓડિશાના મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2004માં એનડીએ સાથે ગઠબંધન તૂટી ગયું અને બીજેડીને ઓડિશામાં 147 બેઠકોમાંથી 61 બેઠકો મળી. નવીન પટનાયક અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને મુખ્યમંત્રી તરીકે જળવાઈ રહ્યા.

વર્ષ 2009માં લોકસભા અને વિધાનસભા એમ બંનેમાં બીજેડીનો જબરદસ્ત વિજય. રાજ્યમાં લોકસભાની 21માં 14 બેઠકો પર અને વિધાનસભાની 147 બેઠકોમાંથી 103 બેઠકો પર વિજય થયો અને સતત ત્રીજી વાર નવીન પટનાયક મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2014માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં વર્ષ 2009નાં પરિણામોનું પુનરાવર્તન નહીં, પણ જબરદસ્ત પુનરાવર્તન. વર્ષ 2014માં ‘કથિત મોદીજુવાળ’ વચ્ચે પણ રાજ્યમાં લોકસભાની 21માંથી 20 અને વિધાનસભાની 147માંથી 117 બેઠકો પર વિજય મેળવ્યો. પટનાયક સતત ચોથી વાર મુખ્યમંત્રી બન્યા.

વર્ષ 2019માં સમગ્ર દેશમાં ભાજપ તરફી જુવાળ વચ્ચે ફરી બીજેડીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં સફળતા મેળવી. પણ રાજ્યમાં લોકસભાની 21 બેઠકોમાંથી 12 બેઠકો જ મેળવી, જે અગાઉ 20 હતી. આ રીતે લોકસભા બેઠકોમાં ઘટાડો થયો. જોકે વિધાનસભાની બેઠકોમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નહોતો અને બીજેડીએ 146 (1 બેઠક માટે ચૂંટણી મોકૂફ રહી હતી)માંથી 112 બેઠકો પર વિજય મેળવ્યો હતો. પછી પટનાયક સતત પાંચમી વાર ઓડિશાના મુખ્યમંત્રી બન્યા. એટલું જ નહીં સતત પાંચ વાર વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય મેળવીને મુખ્યમંત્રી બનેલા સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન ચામ્લિંગ અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુની હરોળમાં સામેલ થઈ ગયા.

પિતાની જેમ અધિકારીઓ પર નિયંત્રણ સ્થાપિત કર્યું અને રાજ્યના વિકાસ માટે સમગ્ર તંત્રને કાર્યરત કર્યું. જોકે પિતાની જેમ રાજ્યમાં બીજી હરોળના નેતાઓ તૈયાર ન કરવા બદલ અવારનવાર ટીકાને પાત્ર પણ બને છે.

વર્ષ 2018માં રાજ્યમાં હૉકી વિશ્વ કપનું આયોજન સફળતાપૂર્વક કર્યું. ઑક્ટોબર, 2013માં સંયુક્ત રાષ્ટ્રએ ફેલિન ચક્રવાતમાં પટનાયક સરકારની ઉત્કૃષ્ટ કામગીરી બદલ નવીન પટનાયકનું સન્માન કર્યું હતું.

નવીન પટનાયકે ‘એ સેકન્ડ પેરેડાઇઝ : ઇન્ડિયન કૉર્ટલી 1590-1947’,‘એ ડિઝર્ટ કિંગ્ડમઃ ધ પીપલ ઓફ બિકાનેર’, ‘ધ ગાર્ડન ઓફ લાઇફ : એન ઇન્ટ્રોડક્શન ટૂ ધ હીલિંગ પ્લાન્ટ્સ ઓફ ઇન્ડિયા’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે, જે ભારતની સાથે સાથે ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં પણ પ્રકાશિત થયાં છે.

કેયૂર કોટક