પટનાયક, અખિલ મોહન (. 18 ડિસેમ્બર 1927, ખુર્દા, જિ. પુરી, ઓરિસા; . 29 નવેમ્બર 1987) : ઊડિયા ભાષાના સાહિત્યકાર. તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘ઓ અંધાગલી’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે 1948માં બી.એ.ની અને 1953માં કાયદાની ડિગ્રીઓ મેળવી અને પછી વકીલાતનો વ્યવસાય અપનાવ્યો. તેઓ રાજકીય કાર્યકર પણ હતા અને આઝાદી પછી ઘણી વાર જેલવાસ વેઠ્યો હતો. તેમણે 36 વર્ષ સુધી ટૂંકી વાર્તાઓ લખી અને નિબંધો, પ્રવાસવર્ણનો અને કવિતા પર પણ હાથ અજમાવ્યો. જોકે તેમણે ટૂંકી વાર્તાઓના કેવળ 2 સંગ્રહો પ્રગટ કર્યા છે અને તેમાંની ઘણી વાર્તાઓ જુદી જુદી કેન્દ્રીય ભાષાઓમાં અનુવાદ પામી છે. ઊડિયા ભાષાના સાહિત્યિક સામયિક ‘સમાવેશ’ના મુખ્ય તંત્રી તરીકે પણ તેઓ રહ્યા હતા.

જીવનનાં બહુવિધ પરિમાણોમાં સાંપ્રત વિષયવસ્તુની ઉત્કૃષ્ટ રજૂઆત કરતી કથનશૈલીના કારણે ઊડિયા સાહિત્યમાં પુરસ્કૃત કૃતિ ગણનાપાત્ર પ્રદાન લેખાય છે.

મહેશ ચોકસી