અઝીઝ, લેખરાજ કિશનચંદ (જ. 19 ડિસેમ્બર 1897, હૈદરાબાદ, સિંધ; અ. 19 ઑગસ્ટ 1971) : સિંધી તથા ફારસીના વિદ્વાન. તેઓ ગઝલસમ્રાટ ગણાતા. ગઝલ-નઝમ-રુબાઈના તેમના સંગ્રહ ‘સુરાહી’ને 1966માં સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયેલું. ‘આબશાહ’, ‘કુલિયાત અઝીઝ’, ‘સોઝ-વ-સાઝ’, ‘પેગામ અઝીઝ’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. એમણે 1931માં રાજપૂત વીરત્વ પર આધારિત વીરરસપ્રધાન નાટકો લખ્યાં. પછી સામાજિક વિષમતાઓનું ચિત્રણ કરતાં નાટકોની રચના કરી. તેમનો નિબંધસંગ્રહ ‘અદબી આઈનો’ સંદર્ભગ્રંથ બની રહેલ છે. હુશ્ન અને ઇશ્કનાં ગીતો ગાવાની સાથે તેમણે જીવનની કટુ વાસ્તવિકતાના માનવીય વિષયોને તથા રાષ્ટ્રીય ભાવનાને કવિતામાં આવરી લીધાં છે. એમની કવિતામાં ફારસી શબ્દોની વિપુલતા છે.
જયંત રેલવાણી