સંગીતશિક્ષણ : કોઈ પણ પ્રકારના સંગીતના શાસ્ત્રનું જ્ઞાન ગુરુ અર્થાત્ શિક્ષક દ્વારા શિષ્ય અર્થાત્ વિદ્યાર્થીને આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. સંગીતશિક્ષણ વિશેના આ ધ્રુપદ-વિધાનમાં ત્રણ તત્ત્વો સામેલ કરવામાં આવ્યાં છે : સંગીતનું શાસ્ત્ર, ગુરુ અને શિષ્યનું અસ્તિત્વ અને શાસ્ત્રનું જ્ઞાન આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. આ ત્રણેયના સમન્વયથી એમ કહેવાય કે ગુરુ દ્વારા શિષ્યને કોઈ પણ વિષયને લગતા શાસ્ત્રનું જ્ઞાન પદ્ધતિસર રીતે આપવાની પ્રક્રિયા તે શિક્ષણ. આ વાત અન્ય વિષયોની જેમ સંગીતને પણ લાગુ પડે છે. સંગીત જેવી પ્રસ્તુતીકરણ સાથે સંબંધ ધરાવતી કલા (performing art) હોવાથી સંગીતના શિક્ષણમાં બે બાબતોનો સમન્વય થવો જરૂરી છે : (1) સારા શાસ્ત્રકાર નિર્માણ કરવા અને (2) સારા ગાયકો કે વગાડનારા કલાકારો તૈયાર કરવા. આ કાર્ય ઊંચી ગુણવત્તા ધરાવતા ગુરુજનો જ કરી શકે. ભારતની પ્રાચીન શિક્ષણપ્રણાલીમાં ગુરુને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. સંત કબીરદાસના કથન મુજબ, ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’. જે શિષ્યને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઝંખના હોય તેણે સર્વપ્રથમ ગુરુની શોધ કરવી. બ્રહ્માંડપુરાણના કથન મુજબ ગુરુ સાક્ષાત પરમ શિવ હોય છે. નાથપંથીઓ શિવને આદિગુરુ અને વિષ્ણુરૂપી મત્સ્યેન્દ્રને શિવનો પ્રથમ શિષ્ય ગણે છે. દેવીભાગવતમાં ગુરુને પરબ્રહ્મનો સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર આ ત્રણેયનો સમાવેશ કર્યો છે. ગુરુના ઉપદેશથી વંચિત રહેલા સંતો ગમે તેટલા મહાન હોય તોપણ તેમનામાં અધૂરાપણું તો રહી જ જવાનું.
ભારતની પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં ગુરુ-શિષ્ય પરંપરાને કેન્દ્ર સ્થાન આપવામાં આવ્યું છે જે સંગીતશિક્ષણના ક્ષેત્રને સવિશેષ લાગુ પડે છે. ગુરુ-શિષ્ય પરંપરા મુજબ બાળક પર યજ્ઞોપવીતના સંસ્કાર થયા પછી તેને વિદ્યોપાર્જન માટે ગુરુના આશ્રમમાં મોકલવાની પ્રથા હતી. ત્યાં જ્ઞાનપ્રાપ્તિની સાથોસાથ શિષ્યને ગુરુની સેવા પણ કરવી પડતી. શિષ્ય માટે ગુરુની આજ્ઞા શિરસાવંદ્ય હતી. ગુરુને જ્યારે એમ લાગે કે જ્ઞાનપ્રાપ્તિની બાબતમાં શિષ્ય હવે પરિપક્વ થયો છે ત્યારે જ ગુરુ શિષ્યને સ્વગૃહે જવાની આજ્ઞા કરે. ભારતમાં પ્રાચીનકાળથી અત્યાર સુધી આ પરંપરા ઓછાવત્તા પ્રમાણમાં ટકી રહી હતી, ખાસ તો શાસ્ત્રીય સંગીતના શિક્ષણના ક્ષેત્રમાં. ભારતના હાલના ઉત્તર હિંદુસ્તાની અને કર્ણાટકી શૈલીના ઘણા દિગ્ગજો આ પરંપરામાં જ ઊછર્યા છે. ગુરુ આજ્ઞા કરે ત્યારે જ શિષ્ય પોતાની સંગીતકલા – પછી તે ગાયન હોય કે વાદન જાહેરમાં રજૂ કરી શકે છે. આ પ્રકારના સર્વપ્રથમ પ્રદર્શન (performance) વખતે ગુરુ પોતે હાજર રહેતા હોય છે અને ગુરુની કસોટીમાંથી પસાર થયા પછી જ શિષ્યને પોતાની કલા જાહેરમાં પ્રસ્તુત કરવાની છૂટ મળે છે.
ગુરુ-શિષ્ય પરંપરાનાં કેટલાંક લક્ષણો નોંધપાત્ર છે : (1) શિષ્યને ગુરુના સાંનિધ્યમાં જ રહેવું પડે છે. (2) સંગીતનો રિયાઝ સતત કરવો પડે છે, જેની શરૂઆત રોજ પ્રાત:કાલે સૂર્યોદયના સમયે કરવામાં આવે છે અને તેની સમાપ્તિ માટે કોઈ નિર્ધારિત સમય હોતો નથી. (3) ગુરુ દ્વારા શિષ્યને જ્ઞાનાર્જન કરવાની શરૂઆત થાય તે પહેલાં ગુરુ-શિષ્ય વચ્ચેના કાયમી સંબંધો વ્યક્ત કરતો ગંડાબંધનો વિધિ આમંત્રિતોની હાજરીમાં સંપન્ન કરવામાં આવે છે. (4) કંઠ્યસંગીતની તાલીમના ગાળામાં શિષ્યને કંઠધ્વનિની પરિપક્વતાની (voice culture) કસોટીમાંથી પસાર થવું પડે છે તથા રાગ, તાન, બોલ ઇત્યાદિમાં માહેર થવું પડે છે. (5) ગુરુ પોતે ગાતા હોય ત્યારે શિષ્યને તેમની સંગત કરવી પડે છે, જે શિષ્યની તાલીમનો એક અનિવાર્ય ભાગ હોય છે. (6) ગુરુ દ્વારા શિષ્યને આપેલ જ્ઞાનના બદલામાં ગુરુને ગુરુદક્ષિણા તરીકે કોઈ નિશ્ચિત અવેજ આપવાની પ્રથા ન હતી. મોટાભાગના કિસ્સાઓમાં શિષ્યની આર્થિક પરિસ્થિતિ પર તે આધાર રાખતી. (7) ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધો કાયમી સ્વરૂપના હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં ગુરુના નિર્વાણ પછી પણ તે સ્મૃતિરૂપે શિષ્યો ચાલુ રાખતા હોય છે. (8) ગુરુની સેવામાં ગુરુપત્નીની સેવા પણ ગર્ભિત હોય છે. (9) આ પદ્ધતિમાં ગુરુનું જ્ઞાન મૌખિક રીતે જ શિષ્યને અપાય છે.
અત્યારના જમાનામાં ઓછી મહેનતે તાત્કાલિક લાભ મેળવવાની વૃત્તિ યુવાવર્ગમાં વધતી જતી હોવાથી ગુરુ-શિષ્ય પરંપરામાં ક્રમશ: ઓટ આવી રહી છે. બીજી બાજુ નિ:સ્વાર્થ કે નિરપેક્ષ ભાવે સંગીત શિખવાડનારા સાચા ગુરુજનોની સંખ્યા પણ હવે ઘટી રહી છે, જેની ગુરુ-શિષ્ય પરંપરા પર વિપરીત અસર થાય તે સ્વાભાવિક છે.
સંગીતશિક્ષણની બીજી પદ્ધતિ છે વ્યક્તિગત ધોરણે કરાર કરીને વિદ્યાર્થીને સંગીત શીખવવું. તેમાં નિ:સ્વાર્થ સેવાનો અંશ જરા પણ હોતો નથી. અન્ય વિષયોના ટ્યૂશન કરનારા જે ધોરણે ભણાવવાનો વ્યવસાય કરતા હોય છે તે જ ધોરણે આ પદ્ધતિમાં સંગીતનું શિક્ષણ અપાતું હોય છે. આ પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે શિક્ષકને ચૂકવવાનું વળતર શીખવવાના દિવસો અને તાસ તથા અન્ય આનુષંગિક બાબતો અંગે રીતસરનો ઔપચારિક કરાર બંને પક્ષો વચ્ચે કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા સારા ગાયકો કે કુશળ વગાડનારા નિર્માણ કરી શકાય કે કેમ તે શંકાસ્પદ છે. સંગીતના વ્યાપારીકરણને તે ઉત્તેજન આપે છે.
સંગીતશિક્ષણની ત્રીજી પદ્ધતિ છે સંગીતના વર્ગો દ્વારા સંગીતનું સામૂહિક શિક્ષણ આપવાની. આવા વર્ગો કાં તો યુનિવર્સિટી જેવા ઘટકો દ્વારા અથવા સામાજિક હેતુઓને વરેલી જાહેર સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે. ઉપર શરૂઆતમાં જે પદ્ધતિ(ગુરુ-શિષ્ય પરંપરા)ની ચર્ચા કરવામાં આવી છે તે અને ટ્યૂશનની આ પદ્ધતિ એકમલક્ષી (micro) હોય છે, જ્યારે આ ત્રીજી પદ્ધતિમાં મોટા પાયા પર (mass scale) સંગીતકારો તૈયાર કરવાનો આશય હોય છે. નિર્ધારિત કરેલી લઘુતમ લાયકાતો ધરાવતા કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ અપાય છે, તેનો અભ્યાસક્રમ નિશ્ચિત હોય છે અને અભ્યાસક્રમ પૂરો કરવા માટેનો સમયગાળો પણ નિશ્ચિત હોય છે. અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થીની કાબેલિયત નક્કી કરવા માટે પરીક્ષા લેવાય છે, જેમાં ગુણાંક અથવા ક્રમવાર રચના (ગ્રેડ) પદ્ધતિ હોય છે. તેને આધારે વિદ્યાર્થીને ગુણપત્રક અને/અથવા પ્રમાણપત્ર આપવામાં આવે છે. વિદ્યાર્થીની કાબેલિયત અંગે શિક્ષકના અંગત અભિપ્રાયને તેમાં કોઈ ઝાઝો અવકાશ હોતો નથી અને તાલીમ કે શિક્ષણ પૂરું થયા બાદ વિદ્યાર્થીનું વ્યાવસાયિક ભવિષ્ય બજારના નિયમોને અધીન હોય છે. આમ આ પદ્ધતિમાં સંગીતનું વ્યવસાયીકરણ થઈ જતું હોય છે; જેમાં ગુણવત્તા કરતા સંખ્યાને વધારે મહત્ત્વ અપાય છે.
સંસ્થાગત રીતે સંગીતશિક્ષણની શરૂઆત ભારતમાં દિગ્ગજ સંગીતકાર વિષ્ણુ દિગંબર પલુસ્કરે (1872-1931) કરી જ્યારે તેમણે 1901માં લાહોર ખાતે સમર્પણની ભાવના સાથે ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી. તેમનો હેતુ દેશમાં શાસ્ત્રીય સંગીતનો પ્રસાર-પ્રચાર કરવાનો હતો, સંગીતનું વ્યાપારીકરણ કરવાનો નહિ. 1908માં ગાંધર્વ મહાવિદ્યાલયની એક શાખા મુંબઈમાં ખોલવામાં આવી. લાહોર કરતાં મુંબઈમાં તેમને અધિક સફળતા મળી. પંદર વર્ષ સુધી આ સંસ્થા ચાલી, પરંતુ મકાન ખરીદવા પર થયેલા ખર્ચને કારણે સંસ્થા દેવાના ખપ્પરમાં ફસાઈ ગઈ અને છેલ્લે બંધ પડી. મુંબઈ ઉપરાંત ભારતનાં અન્ય સ્થળો-નગરો, ગામોમાં પણ ક્રમશ: ગાંધર્વ મહાવિદ્યાલયની શાખાઓ ખોલવામાં આવી, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થયો હતો. આમાંની ઘણી શાખાઓ આજે પણ કાર્યરત છે. ગાંધર્વ મહાવિદ્યાલય ઉપરાંત શાસ્ત્રીય સંગીતના શિક્ષણ દ્વારા તેનો પ્રસાર-પ્રચાર કરવાના ઉદ્દેશથી અન્ય કેટલાંક સ્થળોએ સંસ્થાઓ શરૂ કરવામાં આવી; દા.ત., પંડિત નારાયણરાવ વ્યાસે (1902-84) અમદાવાદ ખાતે 1922માં ગુજરાત સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કરી, જે પાંચ વર્ષ ચાલ્યું. 1937માં પંડિત શંકરરાવ વ્યાસ (1898-1956) અને પંડિત નારાયણરાવ વ્યાસ આ બે ભાઈઓએ મુંબઈના દાદર પરામાં વ્યાસ સંગીત વિદ્યાલયની સ્થાપના કરી. દેશના અન્ય ઠેકાણે કાર્યરત હોય તેવી સંસ્થાઓમાં રાજસ્થાનના પાટનગર જયપુર ખાતે રાજસ્થાન સંગીત સંસ્થાન, ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ ખાતે ભાતખંડે મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ (ડિમ્ડ યુનિવર્સિટી), બનારસ ખાતે વાયોલિનવાદક એમ. રાજમે તેમના ગુરુ ઓંકારનાથ ઠાકુરની સ્મૃતિમાં સ્થાપેલ ‘ઓંકારનાથ ઠાકુર સંગીત અકાદમી’, મનહર બર્વેએ મુંબઈના દાદર પરામાં વર્ષો પહેલાં પચાસના દાયકામાં શરૂ કરેલ મનહર બર્વે સંગીત વિદ્યાલય વગેરે ઉલ્લેખનીય છે. આ સિવાય ભારતની ઘણી યુનિવર્સિટીઓમાં સંગીત વિભાગ દ્વારા શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ અપાય છે; જેમાં મુંબઈ યુનિવર્સિટી; શ્રીમતી નાથીબાઈ ધરમસી ઠાકરસી યુનિવર્સિટી (SNDT), મુંબઈ; મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા; મધ્યપ્રદેશમાં માત્ર શાસ્ત્રીય સંગીતનો ખાસ અભ્યાસક્રમ ચલાવતી ખૈરાગઢ ખાતેની ઇન્દિરા યુનિવર્સિટી; ગ્વાલિયરનું માધવ સંગીત વિદ્યાલય વગેરે ઉલ્લેખનીય છે. આ સિવાય દરેક રાજ્યનાં મોટાં નગરોમાં સંગીતનું શિક્ષણ આપતી ખાનગી સંસ્થાઓ પણ કામ કરે છે. અમદાવાદ ખાતેની ‘સપ્તક સ્કૂલ ઑવ્ મ્યુઝિક’નો તેમાં સમાવેશ થાય છે. આ સંસ્થા વતી શાસ્ત્રીય સંગીતના નિયમિત શિક્ષણ ઉપરાંત દર વર્ષે બે વાર સંગીત-સમારોહોનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે : દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ 12-13 દિવસ સુધી સળંગ દેશના પ્રથમ પંક્તિના સંગીતકારો તેમાં પોતાની કલા પ્રસ્તુત કરતા હોય છે. આ સંગીત-સમારોહની બરોબરી કરી શકે એવો કોઈ સંગીત-સમારોહ દેશમાં અન્યત્ર ક્યાંય થતો નથી. બીજો સંગીત-સમારોહ નાના પાયાનો હોય છે, જેમાં દેશના ઊગતા કલાકારોને પ્રસ્તુતીકરણની તક પૂરી પાડવામાં આવે છે.
દેશનાં જુદાં જુદાં સ્થળોએ સંગીતના શિક્ષણ માટે સંસ્થાઓ ઊભી કરવામાં આવી ત્યારે તેના પ્રારંભિક કાળમાં ત્યાગવૃત્તિ ધરાવતા શિક્ષકો મળતા હતા. આવા શિક્ષકોના પ્રેરણાસ્રોત હતા પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર. શિક્ષકોની નિ:સ્વાર્થ અને નિરપેક્ષ વૃત્તિને કારણે તેમણે આપેલા ગાંધર્વ મહાવિદ્યાલયના શિક્ષકો શરૂઆતના ગાળામાં ‘ઉપદેશક’ નામથી ઓળખાતા, જે અંગ્રેજી શબ્દ preacherનો અનુવાદ છે. આવા ઉપદેશકો જ ‘તાનસેન’ અને ‘કાનસેન’(સૌપ્રથમ પ્રયોગ પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર દ્વારા સારા શ્રોતાના અર્થમાં પ્રયોજિત શબ્દ.)નું નિર્માણ કરી શકતા હોય છે. સંગીતશિક્ષણ દ્વારા નિર્માણ થતા ‘તાનસેન’ની સંખ્યા ભલે મર્યાદિત હોય પરંતુ તેમના ગાયન-વાદનની કદર કરી શકે એવા ગુણગ્રાહકો એટલે કે ‘કાનસેન’ નિર્માણ કરવા સારો શ્રોતાવર્ગ નિર્માણ કરવો એ પણ સંગીતશિક્ષણનું અગત્યનું ધ્યેય હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે