સંગીતવાદ્યોનું શાસ્ત્ર : સંગીતવાદ્યોમાં ધ્વનિની ઉત્પત્તિ, જરૂરી વિવર્ધન તથા ગુણવત્તા(quality)ની જાળવણીને લગતું વિજ્ઞાન. સંગીતના હેતુ માટે મુક્ત (free) કંપનો (vibrations) અને પ્રણોદિત (forced) કંપનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત માત્ર કંપનો કરતાં કેટલાંક તંત્રો સંગીત માટે અનુકૂળ હોતાં નથી તે માટેનાં બે કારણો છે : એક, ઘણું કરીને કંપનોની સામાન્ય રીતિઓ (common modes) અસ્વરિત (inharmonic) હોય છે; બીજું, કંપનોનું અવમંદન (damping) ખૂબ ઝડપી હોવાથી તે લગભગ તરત જ મૃતપ્રાય: (dead) બને છે. આથી કંપનોની જાળવણી માટે યોગ્ય સાધનોનો ઉપયોગ કરવામાં ન આવે તો આ પ્રકારના સંગીત માટે ટકાઉ સ્વરસંઘાત (chord) શક્ય બનતું નથી.

સંગીતવાદ્યનાં જે અંગો ધ્વનિ પેદા કરે છે તે જુદા જુદા બે પ્રકારે કાર્ય કરે છે : એક, કેટલાક ભાગ (અંગો) સંગીતમય કંપનો પેદા કરવા માટે હોય છે. કંપનો તેમના મૂળ સ્વરૂપે લગભગ અશ્રાવ્ય (inaudible) હોય છે. તે હવામાં તરંગો પેદા કરી શકતાં નથી; જેમ કે, વાયોલિનના તારમાં આવું બને છે અથવા તો આવાં કંપનો અનિચ્છનીય સ્વરક (tone) પેદા કરે છે; તેનું કારણ એ છે કે તેમનું યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં આવતું નથી. ટ્યૂબ વિનાના ક્લૅરિયૉનેટની સ્વરપટ્ટી(reed)માં બને છે તેમ.

સંગીતવાદ્યના બીજા ભાગો (અંગો) ઉત્પન્ન કરેલાં આ કંપનો મેળવે છે. તેમને હવાના મોટા જથ્થા ઉપર કાર્યાન્વિત કરવા અને પસંદગીપૂર્વકના નિયંત્રણથી સંગીતવાદ્ય ધ્વનિ હવામાંથી બહાર કાઢે છે, જે આપણે સામાન્ય રીતે સાંભળીએ છીએ.

આ પ્રકારના ભાગો(ઘટકો)ને સર્જક (જનક-જનિત્રgenerator) અને અનુનાદક (resonator) કહે છે; જેમ કે, સ્વરચીપિયો (tunning fork) સર્જક અને તેની પેટી અનુનાદક છે; પિયાનોનો તાર સર્જક અને સ્વરપાટિયું (board) અનુનાદક છે; ક્લૅરિયૉનેટની સ્વરપેટી અને ટ્યૂબ; મુખ અને વાંસળીની નળી.

સર્જક પાસેથી મેળવ્યા સિવાયના કોઈ પણ સ્વરકને અનુનાદક બહાર પાડી શકતો નથી. સાથે સાથે એ પણ સાચું છે કે આવા બધા જ સ્વરકો બહાર ન પણ પાડે. આથી શ્રોતાઓ જે સાંભળવા માગતા હોય તેવા ઘટકો પેદા કરવા માટે સર્જક સક્ષમ હોવો જોઈએ અને તે અનુનાદક વડે ઇચ્છિત પ્રમાણમાં ઉત્સર્જિત થવા જોઈએ. જો સર્જક એવા કેટલાક અનિચ્છિત સ્વરકો પેદા કરે તો અનુનાદકની એવી રચના કરવી પડે જે આવા સ્વરકોને પુન: પેદા ન કરે, જેથી શ્રોતાઓને સંભળાય નહિ એટલે કે આવા અનિચ્છિત સ્વરકો પેદા થયા જ નથી એવું શ્રોતાઓને લાગે. સંગીતવાદ્યમાં સર્જક જે પેદા કરે છે તેના સિવાય બીજું કશું જ સંભળાતું નથી, અનુનાદકે પુન: પેદા કરેલ પણ નહિ.

સંગીતક્ષેત્રે મહત્ત્વનાં સંગીતવાદ્યો તંતુવાદ્ય (stretched string) અને સુશિરવાદ્ય (narrow tubes) પ્રકારનાં હોય છે. આમાંથી કોઈ પણ વાદ્યનાં કંપનોની સામાન્ય રીતિઓ સ્વરિત શ્રેણી(harmonic series)થી ભાગ્યે જ વિચલિત થાય છે. આ બંને પ્રકારનાં વાદ્યોમાં વાદકની પસંદગી (ઇચ્છા) પ્રમાણે સ્વરકો જાળવી શકાય તેવી રચના હોય છે. જ્યારે કંપનો મુક્ત હોય ત્યારે તંતુવાદ્યમાંથી પેદા થતાં સ્વરકો લાંબા સમય સુધી ટકે છે. બીજાં કેટલાંક તંત્રો (વાદ્યો) છે; જેમ કે, માનવ-ધ્વનિ અને સ્વરપેટી, જેમાં ખેંચેલા તાર કે સાંકડી નળીનો ઉપયોગ થતો નથી. પણ અહીં કંપનો સ્થિરપણે જાળવી શકાય છે અને જ્યારે એમ થાય છે ત્યારે ઘટકો સ્વરિત બને છે. જે સાધનોમાં ખેંચેલા તંતુ (તાર) અથવા હવાના સાંકડા સ્તંભનો ઉપયોગ થતો નથી અને જેમાં કંપનો પોષિત (maintained) થતાં નથી તે વિશિષ્ટ પ્રકારની અસર પેદા કરે છે, જે બીજાં વાદ્યોની સંગત (સાથ) સિવાય યોગ્ય રીતે કાર્ય કરતાં નથી.

તાર (તંતુ) નાજુક અને કોમળ હોવાથી આસપાસની હવા તરત જ સર્પણ (slip) પામે છે. તારનાં કંપનો વડે પેદા થયેલાં સંઘનન (compressions) અને વિઘનન (rarefaction) ઘણાં નાનાં હોય છે. આથી ધ્વનિ અતિ મંદ હોય છે. સંગીતના હેતુ માટે જો તારનાં કંપનોને પૂરતાં પ્રબળ બનાવવાનાં હોય તો તેમને કોઈ પણ રીતે વિવર્ધિત (amplify) કરવાં પડે. નાદપટ (sound board) આવું વિવર્ધન કરે છે અને તે જ તેનો હેતુ હોય છે. નાદપટ ઉપર રાખેલા બે સેતુઓ (bridges) ઉપર થઈને આ તાર પસાર થાય છે. આ રીતે તાર અને નાદપટ સેતુઓથી યુગ્મિત (coupled) થાય છે અને એકબીજા ઉપર પ્રતિક્રિયા (react) કરે છે. તાર કરતાં નાદપટનો વિસ્તાર ઘણો વધારે હોવાથી નાદપટનાં કંપનો સંઘનન અને વિઘનન પેદા કરે છે, જે તાર વડે પેદા થયેલાં સંઘનન અને વિઘનન કરતાં ઘણાં મોટાં હોય છે. આ રીતે ધ્વનિનું વિવર્ધન થતાં તેની તીવ્રતા વધે છે જે સંગીત માટે પર્યાપ્ત હોય છે. ઊર્જા ઉપર થતી અસર અનુનાદક પેટી ઉપર સ્વરિત ચીપિયાને મૂકવા બરાબર છે. અહીં ઊર્જાનું સર્જન થતું નથી પણ તેનો ત્વરિતપણે ઉપયોગ થાય છે.

સુષિર વાદ્યો(wind instruments)માં બાહ્ય હવા મુખ (દ્વાર) આગળ તારની જેમ લાંબી સાંકડી રેખામાં તાણેલી હોતી નથી, પણ વધુ વિસ્તૃત વિસ્તારમાં હવા ફેલાયેલી હોય છે અને તે લગભગ ક્ષણિક હોય છે. આથી સુષિર વાદ્ય બાહ્ય હવા ઉપર સીધેસીધી અસર કરે છે. તેથી તેને સેતુ કે નાદપટની જરૂર પડતી નથી.

તંતુવાદ્યોને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે : (1) કર્ષિત તાર (plucked string), (2) ધનુર્વાદિત તાર (bowed string) અને (3) આહત તાર (struck string).

સુષિર વાદ્યો મુખ્યત્વે ચાર પ્રકારનાં છે : (1) જેમાં મૂળભૂત તારત્વ (સ્વરકોટિ) (pitch) ધાતુની સ્વરપટ્ટી વડે નક્કી કરવામાં આવે છે; (2) જેમાં એક કે બે હલકી સ્વરપટ્ટીઓ વડે કંપનો પોષિત કરવામાં આવે છે; (3) જેમાં વગાડનારના હોઠ વડે કંપનો પોષિત થતાં હોય છે; (4) જેમાં હવાના પાતળા સ્તર (sheet) વડે કંપનો પોષિત થતાં હોય છે.

જ્યારે હવા દર સેકન્ડે કેટલાંક કંપનો કરે છે ત્યારે સંગીતમય સ્વર કે ધ્વનિ પેદા થાય છે. આવાં કંપનોને ધ્વનિ-તરંગો કહે છે. આવા ધ્વનિ-તરંગો કોઈક રીતે જાળવી રાખવા જોઈએ, જેથી ગાનાર-વગાડનાર (performer) તારત્વ (pitch), પ્રબળતા (intensity), અવધિ (duration) અને ગુણવત્તા(quality)નું નિયંત્રણ કરી શકે. ધ્વનિ-તરંગો જે કંઈ (એટલે ઊર્જા) ધરાવે છે તેનાથી અનુનાદ મળવો જોઈએ, એટલે કે ધ્વનિનું વિવર્ધન કરે અને ગાળો લંબાવે, જેથી સ્વર સંભળાય.

ઘણાંખરાં વાદ્યોમાં તાર, સ્વરપટ્ટી (લાકડા કે ધાતુની પાતળી પટ્ટી) અથવા હવા ધ્વનિનું સર્જન કરે તેવી ગતિ ધારણ કરતી કોઈ ઉચિત પ્રયુક્તિ હોય છે.

સંગીતવાદ્યોના મુખ્ય પાંચ પ્રકાર છે : (1) તંતુ (તાર) (string) વાદ્ય, (2) સુષિર (wind) વાદ્ય, (3) આઘાતવાદ્ય અથવા પટવાદ્ય (percussion), (4) કૂંચીપટલ (keyboard) વાદ્ય, (5) ઇલેક્ટ્રૉનિક વાદ્ય.

તંતુવાદ્ય : તેમાં એક કે વધુ તારને કંપનો કરાવવાથી સ્વર પેદા થાય છે. આના મૂળભૂત બે પ્રકાર છે : (1) ધનુર્વાદિત (bowed) વાદ્ય અને કર્ષિત (plucked) વાદ્ય.

આકૃતિ 1 : તંતુવાદ્યો

લાકડાના ડંડા ઉપર એક છેડાથી બીજા છેડા સુધી ઘોડાના વાળને ખેંચી ધનુ તૈયાર કરવામાં આવે છે. તંતુ (તાર) ઉપર તે આગળ-પાછળ ઘસવામાં આવે છે. ધનુનું તાર ઉપર ઘર્ષણ થતાં કંપનો સર્જાય છે, જે વાદ્યના કાય (દેહ) વડે વિવર્ધિત થાય છે. ઘણાંખરાં ધનુર્વાદ્યોને ચાર તાર હોય છે. પ્રત્યેક તાર જુદા જુદા તારત્વ સાથે કાર્ય કરે છે. બીજા તારત્વ પેદા કરવા સંગીતકાર આંગળીઓ વડે તારને નીચે તરફ દબાવીને ટૂંકાવે છે. આ ક્રિયાને stopping કહે છે. ઘણાંખરાં ધનુર્વાદ્યો તારત્વના ઊતરતા ક્રમ અને કદના ચઢતા ક્રમમાં હોય છે; જેમ કે, વાયોલિન અને વાયોલા. આ વાદ્યો સિમ્ફની વૃંદવાદન (orchestra) માટે હાર્દરૂપ છે.

કર્ષિત તંતુવાદ્ય : અહીં તારને આંગળી વડે કર્ષણ આપી અથવા ઊંચકીને વગાડવામાં આવે છે. ગિટાર (સિતાર જેવું વિલાયતી વાદ્ય) એ કર્ષિત તંતુવાદ્યોના પ્રકારમાં મુખ્ય અને મહત્ત્વનું છે. તેને છથી બાર તાર હોય છે. હાર્પ એ પણ આ પ્રકારનું વાદ્ય છે, જે 47 સુધી તાર ધરાવે છે. આ વર્ગમાં બીજાં વાદ્યો  બજો, લ્યૂટ, મેન્ડોલિન, સિતાર વગેરેનો સમાવેશ થાય છે. ધનુર્વાદ્યોને વગાડવાની રીતને pizzicato કહે છે.

આકૃતિ 2 : સુષિર વાદ્યો

સુષિર વાદ્યો : આ પ્રકારનાં વાદ્યોને મુખ વડે કાર્યાન્વિત કરવામાં આવે છે. શ્વાસ ફૂંકીને હવાના સ્તંભને કંપિત કરવામાં આવે છે. તેના બે મુખ્ય પ્રકાર છે :

એક, સૅક્સોફોન(saxophone)ની શોધ પહેલાં આ પ્રકારનાં વાદ્યો લાકડાનાં બનાવેલાં હતાં; પણ હાલમાં તે ધાતુ કે બીજા દ્રવ્યમાંથી બનાવવામાં આવે છે. આવાં વાદ્યોમાં વગાડનાર મુખિકા (mouthpiece) દ્વારા ફૂંક મારે છે. આવાં બીજાં કેટલાંક વાદ્યોમાં જેવાં કે – ફલ્યૂટ અને પિકોલોમાં વાદ્યને તેની બાજુ ઉપર રાખેલાં છિદ્રો (કાણાં) આગળથી હોઠ વડે બજાવવામાં આવે છે. સુષિર વાદ્યોમાં એનો વગાડનાર છિદ્રો અથવા ચાંપ ઉપર આંગળીઓ રાખીને તારત્વનું નિયંત્રણ કરે છે. આંગળીઓ વડે તે હવાના સ્તંભને ટૂંકાવી કે લંબાવી શકે છે.

બ્રાસવાદ્યો (brasses) : (જુઓ આકૃતિ 3) વાદ્યની મુખિકા આગળ વગાડનાર તેનો હોઠ દબાવીને ફૂંક મારતાં તે સ્વરપટ્ટીની જેમ કંપિત થાય છે. હોઠને દબાવતાં કે ઢીલો મૂકતાં જુદા જુદા તારત્વ સાથેનો ધ્વનિ પેદા થાય છે. આવાં બીજાં કેટલાંક વાદ્યોમાં વાલ્વ વડે તારત્વ ઉપર નિયંત્રણ રાખી શકાય છે; જ્યાં નળીને ટૂંકાવતાં કે લંબાવતાં નળીની અંદરની હવાને કંપિત કરવામાં આવે છે. વૃંદવાદનમાં મુખ્ય બ્રાસવાદ્યો – ફ્રેન્ચ હૉર્ન, ટ્રમ્પેટ, ટ્રૉમ્બોન અને ટુબા (tuba) છે. ફ્રેન્ચ હૉર્ન અને ટ્રમ્પેટ ઉચ્ચ (high) તારત્વ ધરાવે છે, જ્યારે ટ્રૉમ્બોન અને ટુબા નિમ્ન (low) તારત્વ ધરાવે છે. ટ્રૉમ્બોનમાં વાલ્વને બદલે સ્લાઇડ હોય છે; વગાડનારો સ્લાઇડને અંદર બહાર ખેંચી તારત્વનું નિયંત્રણ કરે છે. બીજાં બ્રાસવાદ્યો જેવાં કે બૅરિટોન હૉર્ન તથા સૌસાફોન (sousaphone) બૅંડમાં હોય છે.

આકૃતિ 3 : બ્રાસવાદ્યો (brasses)

આકૃતિ 4 : આઘાતવાદ્યો

આઘાતવાદ્ય (પટવાદ્ય) : (જુઓ આકૃતિ 4.) તેને હલાવીને અથવા હાથ કે દંડી (દંડો) મારીને ધ્વનિ પેદા કરાય છે. ડ્રમ (ઢોલ) એ આ પ્રકારનું સામાન્ય વાદ્ય છે. ઘણાંખરાં પશ્ચિમી (western) ડ્રમ ભિન્ન ભિન્ન તારત્વ પેદા કરતાં નથી. ઝાઇલોફોનને ધાતુ કે લાકડાના શ્રેણીબદ્ધ સળિયા હોય છે, જે વિવિધ તારત્વ પેદા કરે છે.

કૂંચીપટલ (keyboard) વાદ્ય : તેમાં શ્રેણીબદ્ધ કૂંચીઓ હોય છે, જે પ્રયુક્તિ સાથે યાંત્રિક રીતે જોડેલી હોય છે અને તે સ્વર પેદા કરે છે. સંગીતકાર કૂંચી દબાવીને ધ્વનિ પેદા કરે છે. જાણીતાં કૂંચીપટલ વાદ્યોમાં પિયાનો, હર્પ્સીકૉર્ડ (harpsichord), પાઇપ-ઑર્ગનનો સમાવેશ થાય છે. પિયાનો ઉપરની કૂંચીઓ નાની નાની હથોડીઓને સક્રિય બનાવે છે. પાઇપ-ઑર્ગન ઉપરની કૂંચીઓ દબાવતાં પાઇપનાં છિદ્રો ખૂલે છે, જે હવાના સ્તંભને કંપિત કરે છે. કેટલાક વાદકો પગ વડે પૅડલ દબાવીને કાર્યાન્વિત કરે છે.

ઇલેક્ટ્રૉનિક વાદ્યો : તેમાં વિદ્યુત વડે ધ્વનિ પેદા કરવામાં આવે છે અને ઇલેક્ટ્રૉનિક પદ્ધતિએ તેનું વિવર્ધન કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક ગિટાર સર્વસામાન્ય ઇલેક્ટ્રૉનિક વાદ્ય છે. સામાન્ય ગિટાર કરતાં તે ઊંચા અને ભિન્ન ભિન્ન સ્વરો પેદા કરે છે. ઇલેક્ટ્રિક ગિટાર, ઇલેક્ટ્રિક પિયાનો અને ઇલેક્ટ્રૉનિક ઑર્ગન વગેરેનો રૉક (rock) સંગીતમાં ઉપયોગ થાય છે. જટિલ ઇલેક્ટ્રૉનિક સંયોજક(synthesizer)નો મૌલિક ધ્વનિ પેદા કરવા માટે ઉપયોગ થાય છે. કેટલાંક સિન્થેસાઇઝર કમ્પ્યૂટર વડે ચલાવાય છે.

સંગીતનાં તત્ત્વો (elements of music) :

(1) સ્વર (note) જે નિશ્ચિત તારત્વનો સંગીતમય ધ્વનિ છે.

(2) તાલબદ્ધતા (rhythm) : તે રીત છે જે ગીત રચનાર (composer) સમય સાથે સ્વર મિલાવે છે.

(3) મધુર સૂર (સ્વર) (melody) જે ગીત રચનાર તારત્વ અને તાલબદ્ધતાનો સમન્વય કરે છે.

(4) સંવાદિતા (સૂરમેળાપ) (harmony) : બે કે વધુ સ્વરોને એક સાથે નાદિત (sounding) કરવાની રીતને સંવાદિતા કહે છે. ઘણાંખરાં પશ્ચિમનાં વાદ્યો સ્વરને એકસાથે ધ્વનિરત કરવાનો ખ્યાલ ધરાવે છે.

પ્રહલાદ છ. પટેલ