હચિન્સન, જ્હૉન (જ. 7 એપ્રિલ 1884, બ્લિન્ડબર્ન; અ. 2 સપ્ટેમ્બર 1972, લંડન) : ખ્યાતનામ અંગ્રેજ વનસ્પતિવિજ્ઞાની, વર્ગીકરણવિજ્ઞાની (taxonomist) અને લેખક. તેમનો જન્મ બ્લિન્ડબર્ન, વૉર્ક ઓન-ટાઇન, નૉર્થમ્બરલૅંડ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમણે ઉદ્યાનકૃષિવિદ્યાકીય (horticultural) તાલીમ નૉર્થમ્બરલૅંડ અને ડુરહામમાંથી મેળવી અને 1904માં ક્યૂમાં શિખાઉ માળી તરીકે નિયુક્ત થયા. તેમની વર્ગીકરણવિદ્યાકીય અને ચિત્રણની કુશળતાઓ ઝડપથી ધ્યાનમાં આવતાં 1905માં વનસ્પતિ-સંગ્રહાલય(herbarium)માં નિયુક્તિ મળી. ભારતીય વિભાગના મદદનીશમાંથી ઉષ્ણકટિબંધીય આફ્રિકા માટે મદદનીશ તરીકે અને પછી 1915–1919 ભારતીય વનસ્પતિવિજ્ઞાન માટે કાર્ય કર્યું. ત્યાર બાદ 1936 સુધી આફ્રિકીય વિભાગનો હવાલો તેમની પાસે રહ્યો. 1936માં તેમની નિયુક્તિ મ્યુઝિયમ ઑવ્ બૉટની, ક્યૂ ગાર્ડનના સંરક્ષક તરીકે થઈ. 1948માં તેઓ નિવૃત્ત થયા; પરંતુ તેમણે સપુષ્પ વનસ્પતિઓના જાતિવિકાસ (phylogeny) પર કાર્ય ચાલુ રાખ્યું અને ‘સપુષ્પ વનસ્પતિઓની પ્રજાતિઓ’ના બે ખંડો પ્રકાશિત કર્યા.
જ્હૉન હચિન્સન
તેમને 1934માં યુનિવર્સિટી ઑવ્ સૅન્ટ એન્ડ્રુઝ દ્વારા એલએલ.ડી.(Doctor of Laws)ની માનદ પદવી પ્રાપ્ત થઈ. તેમણે ઉદ્યાનકૃષિવિદ્યામાં કરેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને 1944માં વિક્ટોરિયા મેડલ (ઉદ્યાનકૃષિવિદ્યા) એનાયત થયો. 1947માં તેઓ રૉયલ સોસાયટીના સભ્ય તરીકે ચૂંટાયા. 1968માં લિનિયન મેડલ અને મૃત્યુના થોડાક સમય પૂર્વે ઑફિસર ઑવ્ બ્રિટિશ એમ્પાયર (O.B.E.) બન્યા. તેમની સ્મૃતિમાં પ્રજાતિનું નામ હચિન્સોનિયા રાખવામાં આવ્યું. તેમના ઘણા સહકાર્યકરો અને મિત્રો તેમને ‘હચ’ તરીકે ઓળખતા હતા. વનસ્પતિ વર્ગીકરણવિજ્ઞાનમાં પણ તેમને ‘હચ’ તરીકે ઉલ્લેખવામાં આવ્યા. તેમના સમકાલીન વનસ્પતિવિજ્ઞાનીઓમાં તેઓ સપુષ્પ વનસ્પતિઓની પુષ્પીય રચનાના જ્ઞાન બાબતે સર્વોત્કૃષ્ટ હતા.
20મી સદી દરમિયાન હૂકર અને એંગ્લર તથા પ્રૅન્ટલની આવૃતબીજધારીઓ(angiosperms)ની વર્ગીકરણ પદ્ધતિને ખૂબ વ્યાપક સ્વીકૃતિ મળી હતી. આ પદ્ધતિઓમાં આમૂલ પરિવર્તન કરી તેમણે નવી સંવર્ધિત વર્ગીકરણ પદ્ધતિ આપી. તેમણે આવૃતબીજધારી વનસ્પતિઓને શાકીય (herbaceous) અને કાષ્ઠીય (woody) એમ બે મુખ્ય વિભાગોમાં વર્ગીકૃત કરી.
હચિન્સને દક્ષિણ આફ્રિકાના બે વિસ્તૃત પ્રવાસો કર્યા; ‘એ બૉટનિસ્ટ ઇન સાઉથ આફ્રિકા’માં તેની વિગતવાર માહિતી પ્રસિદ્ધ થઈ હતી. તેમણે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ પ્રવાસ ઑગસ્ટ 1928થી એપ્રિલ 1929 અને બીજો પ્રવાસ જૂન 1930થી સપ્ટેમ્બર 1930 સુધી કર્યો હતો. તેમણે અભ્યાસ માટે ઉત્તરમાં છેક બ્લૅક તાંગાનિકા સુધી મુલાકાત લીધી હતી.
હચિન્સને લગ્ન કર્યાં હતાં અને તેમની પુત્રી દક્ષિણ આફ્રિકામાં રહેતી હતી. તેઓ નવરાશના સમયે કાફલામાં પત્ની સાથે ઇંગ્લૅન્ડના ગ્રામીણ પ્રદેશમાં રખડવા જતા હતા અને વન્ય પુષ્પોનું વર્ણન કરતા હતા અને ચિત્રો દોરતા હતા.
તેમનાં નોંધપાત્ર પ્રકાશનોમાં ‘કૉમન વાઇલ્ડ ફ્લાવર્સ’ (1945), ‘મૉર કૉમન વાઇલ્ડ ફ્લાવર્સ’ (1948), ‘અનકૉમન વાઇલ્ડ ફ્લાવર્સ’ (1950), ‘બ્રિટિશ વાઇલ્ડ ફ્લાવર્સ’ (1955), ‘ધી સ્ટૉરી ઑવ્ પ્લાન્ટસ્’ (આર. મૅલ્વિલ સાથે), ‘એ બૉટનિસ્ટ ઇન સાઉથ આફ્રિકા’ (લંડન, 1946), ‘ફ્લોરા ઑવ્ વેસ્ટ ટ્રૉપિકલ આફ્રિકા’ (ડૉ. જ્હૉન મેક્ઇવેન ડેલ્ઝિયેલ સાથે), ‘ધ ફૅમિલીઝ ઑવ્ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ અરેન્જ્ડ અકૉર્ડિંગ ટુ એ ન્યૂ સિસ્ટિમ બેઇઝ્ડ ઑન ધેર પ્રૉબેબલ ફાઇલોજેની ખંડ-I ડાઇકોટિલેડોન્સ’; ‘ધ જનરા ઑવ્ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ’ (ઑક્સફર્ડ, ખંડ-1, 1964; ખંડ-2 1967; ખંડ-3 મરણોત્તર); ‘ઇવૉલ્યુશન ઍન્ડ ફાઇલોજેની ઑવ્ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ’ (1969).
હચિન્સનનું મુખ્ય પ્રદાન આવૃતબીજધારીઓનો જાતિવિકાસીય અભ્યાસ છે. તેમના મતે આવૃતબીજધારીઓનો એક જાતિવિકાસી (monophyletic) ઉદભવ થયો છે. તેમના મૂળભૂત જાતિવિકાસી સિદ્ધાંતો; થોડાક જ ઘણા મહત્વના અપવાદો બાદ કરતાં, બેસીના સિદ્ધાંતો સાથે સામ્ય દર્શાવે છે. આવૃતબીજધારીઓના પ્રારંભિક ઉપવિભાગોમાં શાકીય પ્રતિનિધિઓ (રાનેલ્સ) ઉદવિકાસની એક રેખા(હર્બેસી)નું થડ બનાવે છે અને કાષ્ઠીય પ્રતિનિધિઓ (મેગ્નોલિયેલ્સ) બીજી રેખા(લિગ્નોસી)નું થડ બનાવે છે. તેમની સંશોધિત વર્ગીકરણ પદ્ધતિ 22 સિદ્ધાંતો પર આધારિત છે. આ સિદ્ધાંતો બેસીના સિદ્ધાંતો સાથે તુલનીય છે.
મોર્ટલૅક કબ્રસ્તાનમાં તેમની અંતિમવિધિ દરમિયાન તેમના રૉયલ બૉટનિકલ ગાર્ડન, ક્યૂના સહકાર્યકરોએ દક્ષિણ આફ્રિકાનાં વન્ય પુષ્પોનો બનેલો હાર ચઢાવ્યો હતો.
બળદેવભાઈ પટેલ