સહગલ, મનમોહન (જ. 15 એપ્રિલ 1932, જલંધર, પંજાબ) : હિંદી લેખક. તેમણે ફિલૉસૉફી અને હિંદીમાં એમ.એ.; તથા બી.ટી.; પીએચ.ડી. અને ડી.લિટ.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ યુજીસી પ્રૉજેક્ટ પર કાર્ય કરતી પંજાબી યુનિવર્સિટીના હિંદી વિભાગમાં પ્રાધ્યાપક અને વડા રહ્યા.
તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં તેમણે હિંદીમાં 50થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘બદલાતી કરવટેં’ (1967); ‘માનવ ચલા ગયા’ (1979); ‘અન્ના પાસવાન’ (1986) તેમની લોકપ્રિય નવલકથાઓ છે. ‘ગુરુ ગ્રંથસાહબ : એક સાંસ્કૃતિક સર્વેક્ષણ’ (1971), તેમનો પંજાબીમાંથી હિંદી અનુવાદ (1989) છે. ‘ઉપન્યાસકાર જિનેન્દ્ર : મૂલ્યાંકન ઔર મૂલ્યાંકન’ (1976); ‘મધ્યકાલીન હિંદી-સાહિત્ય – પંજાબ કા સંદર્ભ’ (1985) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. ‘સંપૂર્ણ ટીકા ગુરુગ્રંથ સાહેબ’ ભાષ્યગ્રંથ છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ બાળકો માટેનો ગ્રંથ છે. તેમણે શૈક્ષણિક વિષયો પર પણ ગ્રંથો લખ્યા છે. વળી તેમણે અંગ્રેજીમાંથી કેટલાક ગ્રંથોને હિંદી તથા પંજાબીમાં અનૂદિત કર્યા છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1983-84ના વર્ષનો શિરોમણિ સાહિત્યકાર ઍવૉર્ડ; 1993માં સૌહાર્દ પુરસ્કાર તેમજ ગતિશીલ સાહિત્ય પરિષદ પતિયાળા દ્વારા ‘સાહિત્યમનીષી’નો ખિતાબ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા