સહગલ, નયનતારા (. 10 મે 1927, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : અંગ્રેજીમાં લખતાં ભારતીય લેખિકા. નામાંકિત સંસ્કૃત વિદ્વાન અને વકીલ આર. એસ. પંડિત તથા વિજયાલક્ષ્મી પંડિતની ત્રણ પુત્રીઓ પૈકીનાં વચેટ પુત્રી. તેમનું મોટાભાગનું શૈશવ અલ્લાહાબાદ ખાતેના નહેરુ પરિવારના પૈતૃક મકાન આનંદભવનમાં વીત્યું. પુણેમાં શાળાકીય શિક્ષણ લીધા પછી, મસૂરી નજીકની અમેરિકન મિશનરી શાળા

નયનતારા સહગલ

‘વૂડસ્ટૉક’માં અભ્યાસ કર્યો. માતાપિતા આઝાદીના આંદોલનના કારણે અવારનવાર જેલવાસ ભોગવતા હોવાથી તેઓ ગવર્નેસ સાથે રહ્યાં. 18 વર્ષની વયે તેઓ અમેરિકા ગયાં અને મૅસેચૂસેટ્સની વેલસ્લી કૉલેજમાંથી ઇતિહાસના વિષયમાં સ્નાતક થયાં અને ભારત આવ્યાં પછી, નવી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સાથે રહ્યાં. તેમના સમયના રાજકારણી અગ્રણીઓનો નિકટવર્તી પરિચય થવા ઉપરાંત તેમને તેમનાં માતા વિજયાલક્ષ્મી પંડિતની રાજકીય કારકિર્દીને કારણે ભારતીય વિદેશ સેવાની કાર્યવહી નિહાળવાનો લાભ મળ્યો.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અંગ્રેજી માટેના સલાહકાર બોર્ડનાં સભ્ય (1972-75); ડલાસ, અમેરિકા ખાતેની સધર્ન મેથડિસ્ટ યુનિવર્સિટીનાં નિવાસી લેખિકા; રેડિયો અને ટીવીને સ્વાયત્તતા આપવા માટેની વર્ગિઝ સમિતિનાં સભ્ય (1977-78), સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા માટેના પ્રતિનિધિમંડળનાં સભ્ય (1978), પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટિઝનાં ઉપાધ્યક્ષ (4 વર્ષ).

તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : નવલકથા માટે સિંકલેર પ્રાઇઝ (બ્રિટન) 1985, કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ 1986, કૉમનવેલ્થ રાઇટર્સ ઍવૉર્ડ (યુરેસિયા) 1987. આ ઉપરાંત વૉશિંગ્ટન ખાતેના વુડ્રો વિલ્સન ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર સ્કૉલર્સનાં ફેલો (1981-82), ઇટાલી ખાતેના ઇન્ટરનૅશનલ ઑર્ડર ઑવ્ વૉલંટિયર્સ ફૉર પીસ તરફથી ‘ડિપ્લોમા ઑવ્ ઑનર્સ’ જેવું માન પણ તેમને મળ્યું છે.

તેમની માતૃભાષા હિંદી છે પણ અંગ્રેજીમાં લખે છે. તેમનાં પ્રકાશનોમાં ‘એ ટાઇમ ટુ બી હૅપી’ (1958), ‘સ્ટૉર્મ ઇન ચંડીગઢ’ (1969), ‘એ સિચ્યુએશન ઇન ન્યૂ દિલ્હી’ (1977), ‘રિચ લાઇક અસ’ (1985), ‘મિસ્ટેકન આઇડેન્ટિટી’ (1988)  એ તમામ નવલકથાઓ; ‘પ્રિઝન ઍન્ડ ચોકલેટ કેક’ (1954) – એ આત્મકથા; ‘ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા’ (1970), ‘ઇન્દિરા ગાંધી, હર રોડ ટુ પાવર’(1982)નો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય પરિષદો તથા ભારતની અને વિદેશની અનેક યુનિવર્સિટીઓમાં તેમણે પ્રવચનો આપ્યાં છે. ‘રિચ લાઇક અસ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું 1986ના વર્ષનું પારિતોષિક મળ્યું હતું.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકમાં સાપ્તાહિક રાજકીય કટાર પણ તેઓ લખતાં હતાં. અત્યારે સ્વતંત્ર પત્રકાર અને લેખિકા તરીકે કામ કરે છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘રિચ લાઇક અસ’ ભારતીય પેટાખંડના લોકોની આશાઓ, આકાંક્ષાઓ, અસફળતાઓ અને હતાશાના વૈવિધ્યપૂર્ણ તાણાવાણાથી વણાયેલી નવલકથા છે. તેમાંનાં પ્રભાવક ચરિત્ર-ચિત્રણ, સર્જનાત્મક સંવેદના, વૈચારિક શક્તિ અને સામાજિક મૂલ્યવત્તાના કારણે તે કૃતિ સમકાલીન ભારતીય અંગ્રેજી સાહિત્યમાં મૂલ્યવાન યોગદાન તરીકે સ્વીકાર પામી છે.

મહેશ ચોકસી

બળદેવભાઈ કનીજિયા