ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એન.એસ.જી.)
January, 1998
ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એન.એસ.જી.) : ન્યૂક્લિયર પુરવઠો પૂરો પાડતાં 45 રાજ્યોનું જૂથ, જે અણુ-ઉત્પાદનોનો ફેલાવો અટકાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તેમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, બ્રિટન અને ચીન સભ્યો હોવા સાથે ન્યૂક્લિયર શસ્ત્રો ધરાવતા અન્ય 40 દેશો જોડાયેલા છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે ન્યૂક્લિયર શસ્ત્રો બનતાં અટકે તે માટે ન્યૂક્લિયર સાધનસામગ્રીની નિકાસ થતી રોકવી. આ જૂથના સભ્યો પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકારો સાથેનો ન્યૂક્લિયર વ્યાપાર જતો કરવો. એટલે એક તો ચોક્કસ પ્રકારની ન્યૂક્લિયર સાધનસામગ્રી વગેરેનું ગમે તે દેશને વેચાણ ન કરવું. બીજું, ન્યૂક્લિયર અંકુશની ટૅક્નૉલૉજી માન્ય રાખી સભ્ય દેશોની અંદર જ સામગ્રીની આપ-લે કરવી. આ સંદર્ભમાં એન.એસ.જી.ના સભ્ય દેશોએ પરસ્પરને ખાતરી આપી હોય છે કે તેઓ ન્યૂક્લિયર શસ્ત્રોનું ઉત્પાદન નહીં કરે. વળી, ન્યૂક્લિયર સાધનોની ભૌતિક સલામતી માટે આવશ્યક પગલાં લેશે તેમજ યોગ્ય મંજૂરી વિના તે કોઈ ત્રીજા પક્ષને આ પદાર્થો અને સાધનો રૂપાંતરિત સ્વરૂપમાં પણ આપશે નહીં. તદુપરાંત જો સંમતિપૂર્વક આ પદાર્થો અને સાધનસામગ્રીનું રૂપાંતર થાય તોપણ ઇન્ટરનૅશનલ ઍટૉમિક એનર્જી એજન્સીએ સૂચવેલા સુરક્ષા ઉપાયો હાથ ધરવામાં આવશે.
આ અંગેનું માર્ગદર્શન સભ્યોને બે ભાગમાં પૂરું પાડવામાં આવેલું છે. પહેલા ભાગમાં ન્યૂક્લિયર સામગ્રી અને ટૅક્નૉલૉજીની યાદી છે, જે ખાસ ન્યૂક્લિયર ઉપયોગ માટે તૈયાર કરાયેલી છે. તેમાં ફ્યૂઝન મટીરિયલ, ન્યૂક્લિયર રિએક્ટરો અને અન્ય સાધનોનો સમાવેશ થયો છે. આ પહેલો ભાગ 1978માં પ્રથમ વાર પ્રકાશન પામ્યો હતો.
બીજો ભાગ બેવડા ઉપયોગની વસ્તુઓ દર્શાવે છે, જેમાં બિનન્યૂક્લિયર પદાર્થો કે વસ્તુઓ સમાવેશ પામે છે; પરંતુ આ એવી વસ્તુઓ હોય છે કે જેનાં પરિણામો કાયદેસરનાં અને નાગરિકો માટેનાં હોય છે. તેમાં ન્યૂક્લિયર શસ્ત્રોનું ઉત્પાદન કરવા જેવી બાબતો આવરી લેવાય છે. મશીન-ટૂલ્સ, લેઝર વગેરે આવી બેવડા ઉપયોગની વસ્તુઓ છે. આ બીજો ભાગ 1992માં માન્ય રાખવામાં આવ્યો હતો.
આ માર્ગદર્શક ધોરણોની નિશ્ચિત સમયને અંતરે સમીક્ષા કરાય છે, જેથી સમય અને સભ્યોના વર્તનને અનુરૂપ આવશ્યક ફેરફારો કરી શકાય.
આ સંગઠન તમામ નિર્ણયો સર્વસંમતિથી લે છે. આ માટે ઊભું કરાયેલું વિયેના ખાતેનું ‘પરમેનન્ટ મિશન’ સતત સૌના સંપર્ક માટે ઉપલબ્ધ હોય છે. તે એન.એસ.જી.ના દસ્તાવેજો, મિટિંગો આવશ્યક મદદ અને અન્ય વહીવટી કામો કરે છે. સંભવિત સભ્ય દેશનું મૂલ્યાંકન તેની બિનઅનુપ્રસરણ કામગીરીના આધારે કરવામાં આવે છે.
આ તમામ વિગતોને ખ્યાલમાં રાખતાં એમ જણાય છે કે આ ગ્રૂપ વિશ્વમાં ન્યૂક્લિયર વેપાર પર સંપૂર્ણ અંકુશ ધરાવે છે.
1974માં ભારતે રાજસ્થાનના પોખરણ રણવિસ્તારમાં અણુવિસ્ફોટ કર્યો ત્યારે દુનિયા ચોંકી ઊઠી હતી. તેને ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા(વાસ્તવમાં શસ્ત્રક્ષમતા)નો પરિચય મળ્યો હતો અને અમેરિકા, સોવિયેત સંઘ, ફ્રાંસ, બ્રિટન અને ચીન – પાંચેય અગ્રણી દેશો તેથી ભડકી ઊઠ્યા હતા. વળી આ સાથે બીજી ઘટના પણ સંકળાયેલી હતી. 1998માં આ પાંચ ન્યૂક્લિયર સત્તાઓએ આ ક્ષેત્રે તેમનો ઇજારો ટકાવી રાખવા અન્ય દેશો આવાં શસ્ત્રોનું ઉત્પાદન ન કરે તે માટે ન્યૂક્લિયર નૉનપ્રોલિફરેશન ટ્રીટી (NPT) અને કૉમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી (CTBT) પર ત્રીજા વિશ્વના દેશોના હસ્તાક્ષરો કરાવી લઈને તેમનાં કાંડાં કાપી લીધાં હતાં. ભારતે કોઈ પણ પ્રકારના દબાણને વશ થયા વિના આ બંને સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નહોતા તેથી આ જૂથે ભારતને જૂથ બહાર મૂક્યું હતું. ભારત કોઈની પણ સાથે ન્યૂક્લિયર વ્યવહારમાં ઊતરી શકતું નહોતું. 6 સપ્ટેમ્બર, 2008ના રોજ આ જૂથે તેનો વિરોધ પડતો મૂકી ભારતને ન્યૂક્લિયર વેપાર માટે સર્વાનુમતે મંજૂરી આપી. આ નિર્ણય સ્પષ્ટપણે ભારતની વિદેશનીતિના ક્ષેત્રે તેમજ ન્યૂક્લિયર નીતિના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ છે. અલબત્ત, ભારતે સ્વેચ્છાએ એવી બાંયધરી આપી હતી કે તે અણુપરીક્ષણ નહીં કરવાની વિધિસર જાહેરાત કરે છે. આમ અણુબિનપ્રસરણને ભારત વરેલું હોવાની વાતની પ્રતીતિ તેણે સભ્ય દેશોની સરકારોને કરાવી હતી. આથી એનપીટી નહીં સ્વીકારવા છતાં 34 વર્ષ પછી ભારતને અણુવેપારની મંજૂરી પ્રાપ્ત થાય છે. ભારત પોતાની શરતોએ આ વિશિષ્ટ અણુક્લબમાં પ્રવેશ મેળવી શક્યું છે.
રક્ષા મ. વ્યાસ