ન્યૂક્લિયર શિયાળો (Nuclear Winter) : ન્યૂક્લિયર મહાયુદ્ધને કારણે પૃથ્વી ઉપર પેદા થતી પર્યાવરણને હાનિ કરતી વિપરીત ઘટના. ન્યૂક્લિયર શિયાળાને લીધે પૃથ્વીના વાતાવરણ અને હવામાન ઉપર આફતજનક ફેરફારો થવાની શક્યતા બતાવવામાં આવી છે.

ન્યૂક્લિયર મહાયુદ્ધ દરમિયાન સમગ્ર પૃથ્વી ઉપર શહેરી વિસ્તારો અને વ્યૂહાત્મક વિસ્તારો ઉપર બૉંબમારો થાય અને તે આડેધડ પણ થાય. શહેરોનાં મકાનો માલમિલકત વગેરે ભડકે બળે, બૉંબવર્ષાને કારણે ચારે બાજુ લાગેલી આગને લીધે પૃથ્વીના સમગ્ર વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટ ફેલાઈ જાય, ધુમાડાનાં વાદળ રચાય અને એ ભેદીને સૂર્યનો પ્રકાશ અને તાપ પૃથ્વી સુધી ન પહોંચી શકે એવું બને. સૂર્યનાં કિરણોની ઉષ્મા-ઊર્જા ધુમાડાનાં વાદળોએ રચેલા આવરણમાં શોષાઈ જાય અને તેથી પૃથ્વીની સપાટીની નજીકના વાતાવરણનું તાપમાન એકદમ ઘટી જાય (સંભવત: આશરે 30° સે. જેટલું થઈ જાય), જેના કારણે સરોવરો, નદીઓ અને સમુદ્રના પાણીનું બાષ્પીભવન ન થાય અને તેથી વાદળ ન બંધાતાં વરસાદ ન થાય. પરિણામે અનાવૃષ્ટિના સંજોગો પેદા થાય. આવો ન્યૂક્લિયર શિયાળો કેટલાક મહિનાઓ કે સંભવત: થોડાંક વર્ષો સુધી પણ ચાલે. આવા સમયગાળામાં વાતાવરણને ધુમાડાના ધાબળા વડે ઢાંકી દીધું હોય તેવું પરિદૃશ્ય જોવા મળે. આથી સૂર્યનાં કિરણો રોકાઈ જતાં વાતાવરણનું તાપમાન નીચું જતાં, વરસાદની અછતને કારણે પૃથ્વી ઉપર દુષ્કાળના ઓળા ઊતરે એવી પરિસ્થિતિ સર્જાય.

ન્યૂક્લિયર શિયાળાને લીધે પૃથ્વીની ફરતે વાતાવરણમાં રહેલ સજીવોના સુરક્ષા-કવચ ઓઝોન પડની જાડાઈ ઘટી જવાનો સંભવ પણ ખરો. તેથી સજીવ-સૃષ્ટિને પણ જોખમમાં મુકાવાનું બને.

ભવિષ્યમાં થનાર વિશ્વયુદ્ધ ન્યૂક્લિયર મહાયુદ્ધ હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં વિજ્ઞાનીઓની ગણતરી છે કે ન્યૂક્લિયર મહાયુદ્ધ દરમિયાન બૉંબમારાને કારણે આશરે 50 કરોડ લોકો માર્યા જશે અને આવા યુદ્ધથી સર્જાતા ન્યૂક્લિયર શિયાળાના પરિણામે આવનારા દુષ્કાળને કારણે આશરે 4 અબજ લોકો ભૂખે મરી જશે. આવા ન્યૂક્લિયર શિયાળાથી જગતનો કોઈ દેશ નહિ બચી શકે એવી પણ વિજ્ઞાનીઓની ધારણા છે.

1970ના દાયકામાં યુ.એસ. અને તત્કાલીન યુ.એસ.એસ.આર. વચ્ચે શીતયુદ્ધ (cold war) પુરજોશમાં ચાલતું હતું. આ બંને મહાસત્તાઓએ ભયની સમતુલા (balance of terror) માટે ન્યૂક્લિયર બૉંબના ઢગલા ખડકી દીધા હતા ત્યારે ન્યૂક્લિયર મહાયુદ્ધનાં પરિણામો વિશે અનેક તર્ક-વિતર્કો ચાલતા હતા અને તદનુષંગે ન્યૂક્લિયર શિયાળાથી પેદા થતી પરિસ્થિતિ ઉપર પણ ઘણું ચિંતન કરવામાં આવ્યું હતું. તે ચિંતનને આધારે જાગૃતિ પેદા થઈ. તેને કારણે 1988માં શીતયુદ્ધ સમાપ્ત થતાં ચિંતાજનક પરિસ્થિતિમાં કંઈક અંશે રાહત પેદા થઈ. સૉલ્ટ (SALT – Strategic Arms Limitations Treaty) કરારોને લીધે ન્યૂક્લિયર મહાયુદ્ધના સંજોગો ઓછા થયા અને તેથી ભવિષ્યમાં ન્યૂક્લિયર શિયાળાને લીધે પેદા થનાર ચિંતાજનક પરિસ્થિતિ હળવી થઈ છે.

એમ. એસ. નારાયણન્

અનુ. પ્રહલાદ છ. પટેલ