કર્નાડ, ગિરીશ રઘુનાથ (જ. 19 મે 1938, માથેરાન, મહારાષ્ટ્ર, અ. 10 જૂન 2019, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડભાષી નાટ્યલેખક તથા ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. જન્મ મહારાષ્ટ્રમાં પણ ઉછેર કર્ણાટકમાં અને માતૃભાષા પણ કન્નડ. ધારવાડની કર્ણાટક કૉલેજમાંથી 1958માં ગણિત અને આંકડાશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. રોડ્સ શિષ્યવૃત્તિ મળતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી ત્યાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. 1960માં ભારત પાછા ફરી ચેન્નાઇમાં ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં મૅનેજર તરીકે છ વર્ષ કામગીરી સંભાળી. 1974-75માં પુણેના ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના નિયામક તરીકે જોડાયા અને એ મહત્ત્વની રાષ્ટ્રીય તાલીમ સંસ્થામાં બે વર્ષ ફરજ બજાવી. 1976થી 1978 કર્ણાટક સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 1988-93 દરમિયાન રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષનો હોદ્દો સંભાળ્યો.
તેમની તખતાની કારકિર્દીનો પ્રારંભ થયો નાટ્યલેખનથી. તેમના સર્વપ્રથમ નાટક ‘યયાતિ’(1961)ને અદભુત સફળતા સાંપડી. ત્યારપછી ‘તુઘલક’ (1964), ‘હયવદન’ (1971), ‘અંજુમલ્લિગે’ (1977) તથા ‘હિટ્ટીના હૂંજા’ (1980) જેવી નાટ્યકૃતિઓમાંથી તેમને સફળ તથા પ્રતિભાશાળી નાટ્યકાર તરીકે દેશવ્યાપી ખ્યાતિ સાંપડી. કન્નડ ભાષામાં લખાયેલાં તેમનાં નાટકોના હિંદી, મરાઠી તથા ગુજરાતી ઉપરાંત અંગ્રેજી વગેરે અન્ય ભાષામાં પણ ભાષાંતર થઈને પ્રયોગો થયા. એ પૈકી ‘તુઘલક’ તથા ‘હયવદન’ પુષ્કળ ભજવાયાં અને ચકચાર પણ પેદા કરી ગયાં.
નાટ્યલેખકના કહેવા પ્રમાણે ‘તુઘલક’નું કથાવસ્તુ તથા તેની નાટ્યમાવજત માટેની પ્રેરણા તત્કાલીન ધંધાદારી કર્ણાટકી રંગભૂમિનાં નાટકોમાંથી મળ્યાં છે. તેની સર્વપ્રથમ રજૂઆત દિલ્હીની ‘નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા’ના ઉપક્રમે ત્યારના તે સંસ્થાના દિગ્દર્શક ઇબ્રાહીમ અલકાઝીએ કરી હતી અને તેની ઐતિહાસિક પશ્ચાદભૂમિકા લક્ષમાં લઈને આ નાટ્યપ્રયોગ દિલ્હીના પુરાણા કિલ્લાનાં ખંડેરોમાં રજૂ કરાયો હતો. આમ લખાવટ તથા ભજવણી એમ બંને દૃષ્ટિએ કર્નાડની આ કૃતિ સીમાચિહનરૂપ બની રહી. ત્યારપછી તો ભારતની વિવિધ ભાષાઓમાં તેના અનેક પ્રયોગો થયા છે.
શહેરી ઉછેર તથા વિદેશનિવાસ અને અભ્યાસ નિમિત્તે કર્નાડની સાંસ્કૃતિક ભૂમિકામાં પાશ્ચાત્ય તથા શહેરી સભ્યતાનો વિશેષ પ્રભાવ હતો. છતાં નાટ્યક્ષેત્રના અભ્યાસી અને સર્જક તરીકે તેમણે પારંપરિક લોકનાટ્ય વિશે ખૂબ જિજ્ઞાસા અને રસ દાખવ્યાં છે. આથી જ તેમના ‘હયવદન’ નાટકમાં તેમણે કર્ણાટકની પ્રાદેશિક નાટ્યશૈલી યક્ષગાનમાંથી પ્રેરણા મેળવી છે. આ નાટક પણ પ્રેક્ષકપ્રિય નીવડી દેશ-વિદેશમાં ભજવાતું રહ્યું છે. તેમનાં નાટકોમાં માનવ-ચિત્તનું તથા માનવજીવનના સામાજિક સંદર્ભોનું વિશ્લેષણ હોય છે. જરૂર પડ્યે તે ‘યયાતિ’ અને ‘હયવદન’ની જેમ પૌરાણિક કથાનકનો આધાર પણ લે છે અને નવું અર્થઘટન પ્રયોજે છે. તે એક નવી નાટ્યશૈલીના પ્રવર્તક બન્યા છે. એમાં તેમણે સાંપ્રત સામાજિક-આર્થિક યથાર્થતાના નિરૂપણ માટે તળપદી લોકનાટ્યશૈલી તથા અતિઆધુનિક સંવેદનાઓનો સમન્વય સિદ્ધ કર્યો છે.
નાટકોની વ્યાપક સફળતાથી પ્રેરાઈને તે ફિલ્મ તરફ વળ્યા. 1971ના શ્રેષ્ઠ ચિત્રના રાષ્ટ્રીય પારિતોષિકને પાત્ર ઠરેલી ફિલ્મ ‘સંસ્કાર’માં પટકથા લખવા ઉપરાંત તેમણે નાયકની ભૂમિકા પણ અદા કરી. ત્યારપછી ‘નિશાંત’ તથા ‘મંથન’ જેવી હિન્દી ફિલ્મોમાં અભિનેતા તરીકે નામના મેળવી. 1971માં બી. વી. કારંથ સાથે તેમણે ‘વંશવૃક્ષ’ ચિત્રનું સહનિર્દેશન કર્યું. ‘સંસ્કાર’ ઉપરાંત ‘ભૂમિકા’, ‘કોન્ડુરા’ તથા ‘કલિયુગ’ જેવી ઉચ્ચ કક્ષાની ફિલ્મો માટે તેમણે પટકથા લખી છે. સ્વતંત્ર ફિલ્મસર્જક તરીકે 1973માં તેમણે ‘કાડુ’નું નિર્માણ કર્યું. 1979માં તેમણે તૈયાર કરેલી ‘ઓનડાનોન્ડુ કાલાદાલ્લિ’ને શ્રેષ્ઠ કન્નડ ચિત્ર તરીકે રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું. 1984માં ‘ઉત્સવ’ અને 1990માં તેમણે હિન્દુ ભક્તિમાર્ગ તથા ઇસ્લામના સૂફીવાદ ઉપર અત્યંત સંવેદનશીલ દસ્તાવેજી ચિત્ર ‘ધ લૅમ્પ ઇન ધ નિશ’ બનાવ્યું. 1999માં ‘કરુણુહગ્ગાદિતિ’ ચિત્રોનું નિર્દેશન કર્યું.
ગિરીશ કર્નાડે બધી મળીને 14 જેટલી ફિલ્મોનું દિગ્દર્શન કરેલું. એમણે કેટલીક ટેલિવિઝનની ધારાવાહિક શ્રેણીઓમાં પણ અભિનય કરેલો. તેમાંની ‘માલાગુડી ડેઇઝ’ અત્યંત પ્રસિદ્ધ થયેલી. એમણે ફિલ્મ ‘ઉત્સવ’નું હિન્દી ઉપરાંત અંગ્રેજીમાં પણ સર્જન કરેલું છે.
1972માં તેમને નાટ્યલેખનના ક્ષેત્રે સંગીત-નાટક અકાદમીનો એવૉર્ડ મળ્યો. આ ઉપરાંત ‘યયાતિ’ માટે કર્ણાટક રાજ્ય સરકારનો તથા ‘હયવદન’ માટે ભારતીય નાટ્યસંઘનો કમળાદેવી પુરસ્કાર પણ મળ્યો હતો. શ્રેષ્ઠ દિગ્દર્શન બદલ 1971માં રાષ્ટ્રપતિ ઍવૉર્ડ તથા 1973માં રજત ચંદ્રકના તે વિજેતા બન્યા હતા. 1974માં તેઓ ‘પદ્મશ્રી’નું બહુમાન પામ્યા હતા. 1987–88માં તે શિકાગો યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ફુલબ્રાઇટ સ્કૉલર રહ્યા. 1988–93નાં પાંચ વર્ષ માટે સંગીત-નાટક અકાદમીના અધ્યક્ષ રહ્યા. 1992માં તેમને ‘પદ્મભૂષણ’નું સન્માન અર્પણ કરાયું. 1998માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો.
વિનોદાબાઈ
ગોવર્ધન પંચાલ
પીયૂષ વ્યાસ