કર્દમ : એક પ્રજાપતિ. પિતાનું નામ કીર્તિભાનુ અને પુત્રનું નામ અનેગ હતું. બ્રહ્મની છાયામાંથી કર્દમની ઉત્પત્તિ મનાય છે. કર્દમનાં લગ્ન સ્વાયંભુવ મનુની પુત્રી દેવહૂતિ સાથે થયાં હતાં, દેવહૂતિએ કપિલમુનિને જન્મ આપેલો. આ કપિલમુનિ સાંખ્યદર્શનના રચયિતા હતા. કહેવાય છે કે આવો સમર્થ પુત્ર પ્રાપ્ત કરવા માટે કર્દમ ઋષિએ વર્ષો સુધી વિકટ સાધના કરી હતી. દેવહૂતિએ નવ પુત્રીઓને જન્મ આપેલો જેમાં અનસૂયા અને અરુંધતી મુખ્ય હતાં. આ નવેય પુત્રીઓને કર્દમ ઋષિએ શ્રેષ્ઠ ઋષિઓ સાથે લગ્ન કરાવ્યા પછી પોતે વનમાં જઈને ધ્યાનમાં લીન થઈ ગયા.

પ્રવીણચંદ્ર પરીખ