સ્વીટ પીઝ (મીઠા વટાણા) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lathyrus odoratus Linn. (ગુ. મીઠા વટાણા, અં. Sweet peas) છે. તે આરોહી (climber), આછા રોમ ધરાવતી, એકવર્ષાયુ અને સિસિલીની મૂલનિવાસી (native) વનસ્પતિ છે. તેનાં આકર્ષક અને સુવાસિત પુષ્પો માટે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. પર્ણો પિચ્છાકાર (pinnate); પર્ણિકાઓ સામાન્યત: 2; અંડાકાર (oval) કે લંબચોરસ (oblong); 2.5થી 5.0 સેમી. લાંબી; ઉપરની પર્ણિકાઓ સૂત્ર(tendril)માં પરિણમેલી હોય છે. પુષ્પો 1થી 4, કલગી (receme) સ્વરૂપે ગોઠવાયેલાં; રંગે સફેદ, પીળાં, ગુલાબી, જાંબલી અથવા વાદળી હોય છે. શિંગ આશરે 5 સેમી. લાંબી અને રોમિલ (pubescent) હોય છે અને બીજ અનેક, ગોળાકાર તથા ભૂખરાં બદામી હોય છે.
મીઠા વટાણા તેના પુષ્પના રંગની વિવિધતા, સુંદરતા, સુવાસ અને કર્તિત પુષ્પ (cut flower) તરીકેના ઊંચા મૂલ્ય માટે સૌથી લોકપ્રિય પુષ્પો ધરાવતી વનસ્પતિઓ પૈકી એક ગણાય છે. આ વનસ્પતિ હલકી ફળદ્રૂપ મૃદામાં અને ખુલ્લા સૂર્યપ્રકાશમાં થાય છે. મેદાનોમાં બીજનું વાવેતર સપ્ટેમ્બરમાં અને પહાડી પ્રદેશમાં જૂન–જુલાઈમાં કરવામાં આવે છે.
સ્વીટ પીઝ (મીઠા વટાણા)
બીજને સીધાં જમીનમાં 2.5 સેમી. ઊંડે, 7થી 8 સેમી.ના અંતરે વાવવામાં આવે છે. અંકુરણ થયા પછી વચ્ચે વચ્ચે ઊગેલાં બીજ કાઢી નાખી 15.0 સેમી.ના અંતરે છોડ રાખવામાં આવે છે. છોડ વેલ-સ્વરૂપ ધરાવે છે, તેથી તેને ટેકાની ખાસ જરૂર પડે છે. આશરે 15.0 સેમી. જેટલો છોડ ઊંચો થાય ત્યારે તેને ટેકો આપવામાં આવે છે. છોડ લગભગ 20 સેમી. ઊંચો થાય ત્યારે ઉપરની ડૂંખ તોડી નાખતાં નવી ફૂટથી છોડ ભરાઈ જાય છે. બે હરોળ વચ્ચે 40થી 50 સેમી. અંતર રાખવામાં આવે છે. બીજ રોપ્યા પછી ત્રણેક માસમાં પુષ્પનિર્માણ થાય છે. ચીમળાયેલાં પુષ્પો અને ફળોનો નિકાસ કરવાથી પુષ્પનિર્માણની ક્રિયા ઉત્તેજાય છે. ક્યૂપિડ સ્વીટ પી નામની વામન જાત આરોહણ કરતી નથી અને તે રંગ માટેનાં કેટલાંક સ્વરૂપો ધરાવે છે. તે કૂંડાંઓમાં અને ક્યારીઓની ધાર પર ઉગાડવામાં આવે છે.
પુષ્પ શિયાળામાં આવ્યા પછી 2થી 3 માસ સુધી પુષ્પનિર્માણ ચાલુ રહે છે. દરિયાકિનારાની નજીક મીઠા વટાણાના છોડ સારી રીતે થતા નથી. દરિયાની સપાટીથી મધ્યમ ઊંચાઈએ આ છોડ સુંદર રીતે ખીલી ઊઠે છે. ઑસ્ટ્રેલિયન જાતનાં પુષ્પો ઘણાં સુંદર હોય છે.
પુષ્પમાં જોવા મળતાં રંજકદ્રવ્યોમાં મુખ્ય ઍન્થોસાયનિન છે. નારંગી–લાલ પુષ્પોમાં પેલારગોનિડિન,
3–મૉનોસાઇડ અને પેલારગોનિડિન 3, 5–ડાઇમૉનોસાઇડ; ઘેરાં લાલ અને ગુલાબી પુષ્પોમાં સાયનિડિન અને પિયોનિડિન ડાઇગ્લાયકોસાઇડ; લાલ દારૂના રંગવાળાં પુષ્પોમાં ડેલ્ફિનિનનું મિશ્રણ, સાયનિડિન અને પેલારગોનિડિન ડાઇગ્લાયકોસાઇડ; જાંબલી, પીળાશ પડતાં કિરમજી અને વાદળી પુષ્પોમાં મેલ્વિડિન
3, 5–ડાઇમૉનોસાઇડ અને ડેલ્ફિનિન 3, 5–ડાઇમૉનોસાઇડ હોય છે. તેમાં ઍન્થોઝેન્થિન પણ હોય છે. પુષ્પના રંગમાં વિવિધતા ઍન્થોસાયનિન અને ઍન્થોઝેન્થિનના પ્રમાણમાં રહેલા તફાવતોને આભારી છે. કેટલાક કિસ્સાઓમાં આ વિવિધતા પુષ્પમાં ઍન્થોસાયનિન અને બીજના આવરણમાં લ્યૂકો ઍન્થોસાયનિનના ઉપચયન(oxidation)ની માત્રા પર આધાર રાખે છે.
પુષ્પો મીઠી સુવાસ ધરાવે છે; જે નારંગીનાં પુષ્પો સાથે સામ્ય ધરાવે છે. તેઓ અલ્પ પ્રમાણમાં બાષ્પશીલ તેલ ધરાવે છે. તેની સુવાસ મિથાઇલ ઍન્થ્રેનિલેટની સૂચક છે. અત્તરનું એનફ્લુરેજ (enfleurage) પદ્ધતિ દ્વારા નિષ્કર્ષણ થઈ શકે છે.
તેનાં બીજમાં કુલ N 5.2 %, પ્રોટીન N 4.7 % અને એમિનો N 0.12 % હોય છે. તેઓ વિટામિન ‘એ’નો સારો સ્રોત ગણાય છે.
ઉંદરના ખોરાકમાં મીઠા વટાણાનાં બીજ આપતાં તેમને ઉગ્ર કંકાલીય વિકૃતિઓ, પ્રાજનનિક નિષ્ફળતા, મહાધમની(aorta)નું વિદારક ઍન્યુરિઝમ (dissecting aneurism) અને સંધિવા થાય છે. મનુષ્યમાં થતા લેથિરિઝમ(lathyrism)નાં ચિહનો કરતાં આ ચિહનો જુદાં હોય છે. વિષાળુ ઘટક β-(r-L ગ્લુટેમિલ)-એમિનો પ્રોપિયોનાઇટ્રાઇલ (C8H13O3N3, ગ.બિં. 193થી 194° સે.) છે. તેની સાંદ્રતા 58થી 160 મિગ્રા./100 ગ્રા. હોય છે. તેનું નિષ્કર્ષણ ઠંડા પાણીમાં કે 30 % આલ્કોહૉલ દ્વારા કરવામાં આવે છે. નિષ્કર્ષિત ચૂર્ણ વિષાળુ હોતું નથી.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ