સ્વિસ ભાષા અને સાહિત્ય : જર્મન સ્વાઇત્ઝર ડ્યૂટ્સ્ચ, સ્વિસ જર્મન સ્વાઇત્ઝર ટુટ્સ્ચ. આલ્મેનિક (અપર જર્મન) ભાષાઓના એક મોટા સમૂહમાંની બોલીઓના સમુદાયની ભાષા માટે તે શબ્દ વપરાય છે. રૉમંશ અને જર્મનીની આ ભાષા ઉત્તર સ્વિટ્ઝર્લૅન્ડમાં વપરાય છે. લીચ્તેન્સ્ટાઇન વૉરરલ્બર્ગ ઇલાકાના ઑસ્ટ્રિયા પ્રાંત તથા જર્મનીના બેડનવુર્ટેમ્બર્ગ અને ફ્રાન્સના આલ્સેકમાં જે બોલીઓ – ભાષા બોલાય છે તે સ્વિસ જર્મન તરીકે ઓળખાય છે. ઇટાલીમાં આલ્પ્સની દક્ષિણે આવેલા છૂટાછવાયા ગ્રામપ્રદેશોમાં આલ્મેનિક બોલીઓનો ઉપયોગ થાય છે. સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિક અને બર્નનાં પરગણાંઓમાં બોલાતી બોલીઓને ‘હાઈ આલ્મેનિક’ તરીકે ઓળખવામાં આવે છે. બેઝલ અને ઉત્તર આલ્સેકમાં બોલાતી ભાષાને ‘લો આલ્માનિક’ કહે છે.

‘સ્વિસ-જર્મન’ ઉચ્ચારમાં ‘હાઈ-જર્મન’થી જુદી પડે છે. બંનેનાં વ્યાકરણ અને શબ્દો પણ જુદાં છે. જો કે સ્વિસ-જર્મન બોલીઓમાં લખતી-બોલતી વખતે પ્રમાણભૂત હાઈ-જર્મન વપરાય છે. ધર્મ-ઉપદેશો (sermons) અને લોકોમાં અપાતાં વક્તવ્યોમાં પણ હાઈ-જર્મન વપરાય છે. ધંધો, શિક્ષણ કે સામાજિક વર્ગીકરણના ભેદભાવ વગર તેનો ઉપયોગ તમામ સ્વિસ-જર્મનો પોતાના વ્યવહારમાં કરે છે.

સાહિત્ય : સ્વિસ રાષ્ટ્રીયતા ધરાવતા અને સ્વિસ-જર્મન ભાષામાં લખતા સ્વિટ્ઝર્લૅન્ડના લોકોએ રચેલું સાહિત્ય. રૉમંશ એટલે કે રહ્યેટો–રૉમાનિક બોલીમાં રચાયેલા આ સાહિત્યમાં જર્મન, ફ્રેન્ચ કે ઇટાલીમાં પણ તે ભાષાઓમાં સ્વિસ લેખકોનાં લખાણોનો સમાવેશ કરવામાં આવે છે. સ્વિટ્ઝર્લૅન્ડના સૌથી જૂનાં લખાણો લૅટિન ભાષામાં મળી આવે છે.

જોકે અહીં સ્વિસ સાહિત્યનો ઉલ્લેખ રૉમંશ અને સ્વિસ બોલીઓમાંથી પ્રગટેલી સ્વિસ ભાષામાં લખાયેલી રચનાઓ એમ કરવામાં આવ્યો છે. રૉમંશ ભાષાનો ઉપયોગ મધ્યકાલીન યુગમાં થયો ત્યારે તેમાં ‘ઉપદેશાત્મક’ (ecclesiastical) લખાણ હતું. ધર્મસુધારણાની ચળવળે સ્વિસ સાહિત્યને નવો ઓપ આપ્યો. ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’(બાઇબલ)નો અનુવાદ 1560માં પ્રસિદ્ધ થયો. જે. એ. વલ્પિયસ અને જે. દોર્તાએ પૂર્ણ બાઇબલનો અનુવાદ 1679માં કર્યો. લોકભોગ્ય ગીતો ધાર્મિક અને રાજકીય વિષયો માટે લખાયાં. ભૌગોલિક રીતે અનેક પ્રદેશોમાં ફેલાયેલી સ્વિસ ભાષાનું રૉમંશ સાહિત્ય તાત્વિક રીતે જે તે પ્રદેશનું સાહિત્ય છે. જોકે ચૂંટેલાં ઉત્તમ કાવ્યોના સંગ્રાહક કાસ્પર દેકર્ટિન્સ, કવિઓ પીદર, લાન્સેલ, જૉન ગીદૉન અને આર્ટુર કેફિલશ્ચ તથા નવલકથાકાર ગિયાચેન માઇકલની કીર્તિ સ્થાનિક કક્ષાએથી વધુ સ્થળે વિસ્તરેલી છે.

સ્વિસ સાહિત્ય પ્રાદેશિક બોલીને લીધે પશ્ચાદભૂમાં જુદું જુદું વિકાસ પામ્યું છે. ટિસિનો બોલીમાં રચાયેલું સાહિત્ય ભક્તિભાવથી નીતરે છે; પરંતુ તે સ્થાનિક વિશેષ રહ્યું છે, પરંતુ જ્યાં જ્યાં ફ્રેન્ચ ભાષા બોલાય છે ત્યાં સ્વિસની બોલીઓનાં વળતાં પાણી થયાં છે. બોલી ત્યાં ભૂતકાળ બનતી જાય છે. જિનીવાનાં કથાકાવ્યો ઇસ્કેલેડની વિજયગાથા (1602) ગાય છે; પરંતુ ગોપબાળોનાં ‘રેન્ઝ દે વાચેઝ’ જેવાં આલ્ફોર્ન નામના વાદ્ય સાથે ગવાય છે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યાં છે.

ખાસ કરીને જર્મન ભાષા બોલાય છે તે ભાગમાં સ્વિસ બોલી સાહિત્ય વિકસ્યું છે. આનું કારણ ત્યાંની સ્થાનિક પ્રજા કોઈ પણ જાતના ભેદભાવ સિવાય ‘બોલી’નો ઉપયોગ રોજબરોજના કામમાં નિષ્ઠાથી કરે છે. સ્થાનિક કહેવતો અને લાક્ષણિક રૂઢ પ્રયોગ બોલીમાં લખાતા સાહિત્યને સ-રસ બનાવ્યે જાય છે. જોકે અંતે તો આ બધા પ્રયોગો જર્મન ભાષાના સાહિત્યની ભૂમિના સથવારે ચાલે છે. ઍડોલ્ફ ફ્રે એક એવા પ્રતિભાશાળી કવિ છે જેમણે આર્ગાઉ બોલીમાં ‘દાસ ઉંડ અન્ડર્મ રાફે’ (1891) કાવ્યસંગ્રહ અને મેનરાડ લીનેર્ટ સ્ક્વીઝ બોલીમાં કેટલાંક કાવ્યો પ્રસિદ્ધ કર્યાં છે. દરેક પરગણાને પોતાનો સ્થાનિક કવિ કે ‘મન્ડાર્ટડિચ્ટર’ હોય છે. બર્નીઝ બોલીમાં નોંધપાત્ર નવલકથાઓ લખાઈ છે. આ લેખકોમાં રુડોલ્ફ વૉન ટાવેલ અને સાઇમન ગેલરનાં નામ નોંધપાત્ર છે. આલ્બર્ટ બેક્ટોલ્ડ અને જોસેફ રીન્હોર્ટે અનુક્રમે સ્કેફહાઉસેન અને સોલોથર્ન બોલીઓમાં સ્વિસ સાહિત્ય સર્જ્યું છે. ‘સ્વિસ મેન ઑવ્ લેટર્સ’(1970)માં એલેક્સ નાટાને 12 નિબંધોનો સંગ્રહ આપ્યો છે.

વિ. પ્ર. ત્રિવેદી