સ્વિટ્ઝર્લૅન્ડ

January, 2009

સ્વિટ્ઝર્લૅન્ડ

યુરોપના મધ્યભાગમાં આવેલો નાનો ભૂમિબંદિસ્ત, સમવાયતંત્રી દેશ. ભૌગોલિક સ્થાન : તે 45° 45´થી 47° 45´ ઉ. અ. અને 6° 00´થી 10° 30´ પૂ. રે. વચ્ચેનો 1,355 ચોકિમી.ના આંતરિક જળવિસ્તાર સહિત કુલ 41,284 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ તેના ખૂબ જ સુંદર, રમણીય હિમાચ્છાદિત પર્વતો તેમજ સ્વાતંત્ર્યપ્રેમી લોકો માટે જાણીતો છે.

સ્વિટ્ઝર્લૅન્ડ  રાજકીય નકશો

તેની ઉત્તરમાં જર્મની, પૂર્વમાં ઑસ્ટ્રિયા, દક્ષિણમાં ઇટાલી તથા પશ્ચિમમાં ફ્રાન્સ આવેલા છે. તેને દરિયાકિનારો મળેલો નથી. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 343 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 222 કિમી. જેટલું છે. મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલું બર્ન તેનું પાટનગર છે તથા મધ્ય-ઉત્તર ભાગમાં આવેલું ઝુરિક (વસ્તી : 12 લાખ, 1999 મુજબ) તેનું મોટામાં મોટું શહેર છે.

ભૂપૃષ્ઠ–જળપરિવાહ : સ્વિટ્ઝર્લૅન્ડનું સમગ્ર ભૂપૃષ્ઠ પર્વતો અને ઉચ્ચપ્રદેશોથી બનેલું છે. તેને મુખ્ય ત્રણ ભૂમિવિભાગોમાં વહેંચી શકાય : (1) જુરા પર્વતો, (2) સ્વિસ ઉચ્ચપ્રદેશ અને (3) સ્વિસ આલ્પ્સ. જુરા પર્વતો અને સ્વિસ આલ્પ્સનો પહાડી વિસ્તાર દેશનો આશરે 65 % ભૂમિભાગ આવરી લે છે, તેમની વચ્ચે આવેલા ઉચ્ચપ્રદેશમાં દેશની આશરે 80 % વસ્તી રહે છે.

જુરા પર્વતો : આ વિભાગમાં સાંકડા ખીણપ્રદેશોથી અલગ પડતી સમાંતર ડુંગરધારોની શ્રેણીઓ વિસ્તરેલી છે. આ ડુંગરધારો દેશની પશ્ચિમ સીમા પર પથરાયેલી છે, જે અહીંથી વિસ્તરીને ફ્રાન્સ તરફ ચાલી જાય છે. સ્વિટ્ઝર્લૅન્ડની હદમાં આવેલી આ ઊંચી પર્વતમાળામાં 1,682 મીટરની ઊંચાઈ ધરાવતું મૉન્ટ તેન્દ્રે શિખર આવેલું છે. કાંડાં ઘડિયાળો બનાવવાનો સ્વિટ્ઝર્લૅન્ડનો મહત્વનો ગણાતો ઉદ્યોગ આ જુરા પર્વતવિભાગમાં વિકસેલો છે. પશુપાલન સહિત દૂધ-ઉત્પાદનના તથા જંગલપેદાશોના ઉત્પાદનના અન્ય ઉદ્યોગો પણ અહીં જ આવેલા છે.

સ્વિસ ઉચ્ચપ્રદેશ : આ વિભાગ પણ અસમતળ મેદાનો સહિત પહાડી પ્રદેશોથી બનેલો છે. સમુદ્રસપાટીથી તે 370થી 670 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. દસહજાર વર્ષ અગાઉના હિમયુગ દરમિયાન અહીં અસ્તિત્વ ધરાવતી હિમનદીઓમાંથી પછીના કાળમાં હિમગલનને કારણે ઘણાં સરોવરો તૈયાર થયેલાં છે, તે પૈકી કૉન્સ્ટન્સ સરોવર અને જિનીવા સરોવર મુખ્ય છે. સ્વિટ્ઝર્લૅન્ડનો સમૃદ્ધ ખેતપ્રદેશ, મોટાં શહેરો તેમજ ઔદ્યોગિક મથકો આ વિભાગમાં આવેલાં છે.

સ્વિસ આલ્પ્સ : યુરોપમાં આવેલા વિશાળ પર્વતસંકુલની સ્વિસ સ્વિટ્ઝર્લૅન્ડનો ભૂપૃષ્ઠ નકશો આલ્પ્સ ગિરિમાળા આ વિભાગમાં આવેલી છે.

તે સ્વિટ્ઝર્લૅન્ડનો આશરે 60 % ભૂમિભાગ આવરી લે છે. અહીં દેશના 20 %થી ઓછા લોકો વસે છે. સમુદ્રસપાટીથી 1,070 મીટરની નિમ્નતમ ઊંચાઈના સ્તર સુધી અહીં હિમનદીઓ પથરાયેલી છે. વર્ષના ત્રણથી પાંચ મહિના માટે અહીં હિમાચ્છાદન રહે છે. અહીંનો ઘણોખરો ભાગ જંગલોથી છવાયેલો છે, જંગલોને કારણે હિમનદીઓના જથ્થાઓની સરકી જવાની ક્રિયા અટકે છે, તેમ છતાં ક્યારેક હિમપ્રપાત થાય છે ખરા.

રહાઇન અને રહોન નદીઓની ઉપરવાસની ખીણો સ્વિસ આલ્પ્સને ઉત્તર હારમાળા અને દક્ષિણ હારમાળામાં વિભાજિત કરે છે. આ હારમાળાઓમાં બર્નીઝ, લિપોન્ટાઇન, પેનાઇન અને રિહ્ટિયન આલ્પ્સ જેવી ગિરિમાળાઓ આવેલી છે. તેમનાં અલગ પડી આવતાં શિખરો, ઊબડખાબડ ડુંગરધારો અને ઊભા ઢોળાવવાળાં કોતરોએ મનોહારી સ્થળદૃશ્યો રચ્યાં છે. પર્વતોમાંથી વહેતી અહીંની નદીઓએ જળધોધનાં નિર્માણ કરેલાં છે, તે પૈકી બર્નીઝ આલ્પ્સમાં 604 મીટરની ઊંચાઈએથી ખાબકતો ગેઇસબાક (Giessbach) ધોધ મોટામાં મોટો ગણાય છે. 4,634 મીટરની ઊંચાઈ ધરાવતું મૉન્ટે રોઝાનું ડ્યુફોરસ્પિટ્ઝ શિખર સ્વિટ્ઝર્લૅન્ડનું સર્વોચ્ચ શિખર છે. સ્વિસ આલ્પ્સનાં સુંદર સ્થળશ્યો નિહાળવા દુનિયાભરના પ્રવાસીઓની અવરજવર ચાલુ રહે છે.

નદીઓ : સ્વિસ આલ્પ્સનો પહાડી પ્રદેશ યુરોપની જળપરિવાહ રચનાનો મુખ્ય જળવિભાજક બની રહેલો છે. નદીઓનું ઉદભવસ્થાન અહીં રહેલું છે, તે જળપુરવઠો પૂરો પાડે છે અને અહીંથી નીકળતી નદીઓ વિકેન્દ્રિત જળપરિવાહ રચે છે. રહાઇન અને રહોન નદીઓ આલ્પ્સનાં એકબીજાથી માત્ર 25 કિમી.ના અંતરથી અલગ પડતાં સ્થાનોમાંથી નીકળે છે. રહાઇન ઉત્તર તરફ વહીને ઉત્તર સમુદ્રને મળે છે, જ્યારે રહોન ભૂમધ્ય સમુદ્રને મળે છે. ડેન્યૂબ (તેની સહાયક નદી ઇન સહિત) કાળા સમુદ્રમાં ઠલવાય છે. પો નદી (તેની સહાયક નદી ત્રિસિનો સહિત) ઍડ્રિયાટિક સમુદ્રને મળે છે.

ત્રિસિનો દેશના દક્ષિણ ભાગમાં આવેલું લશ્કરી છાવણીનું મથક અને વસાહત

આબોહવા : સ્વિટ્ઝર્લૅન્ડના જુદા જુદા ભાગોનું ભૂપૃષ્ઠ જુદી જુદી ઊંચાઈ ધરાવતું હોવાથી અહીં તાપમાનનું વૈવિધ્ય જોવા મળે છે. તેમ છતાં અહીં સામાન્યપણે ઊંચાઈના દરેક 300 મીટરના સ્થાનભેદે તાપમાન આશરે 2° સે. જેટલું ઘટે છે. વધુ ઊંચાઈવાળાં સ્થળોમાં જલવર્ષા અને હિમવર્ષાનું પ્રમાણ વધે છે. ઍટલટિક મહાસાગર પરથી આવતા ભેજવાળા પવનોને આ પર્વતો રોકે છે; તેમાંનો ભેજ નીચાણવાળા ભાગોમાં એકઠો થાય છે, તેને પરિણામે તે વિસ્તારોમાં ભેજછાયું વાતાવરણ રહે છે અને ધુમ્મસ જામે છે. ક્યારેક તો વાદળોના સમુચ્ચયોથી આખોય ઉચ્ચપ્રદેશ છવાઈ જાય છે, એટલું જ નહિ કેટલાક ભાગોમાં તો વર્ષના લાગલાગટ ચાર મહિના સુધી ધુમ્મસ જામેલું રહે છે.

મધ્યના ઉચ્ચપ્રદેશમાં તેમજ પર્વતોના ખીણભાગોમાં જાન્યુઆરીનું તાપમાન સરેરાશ 1° સે.થી 2° સે. જેટલું રહે છે. શિયાળા દરમિયાન નીચેના ધુમ્મસવાળા સ્તરથી ઉપર તરફ હવામાન સૂકું અને સૂર્યપ્રકાશવાળું રહે છે. ઉનાળા દરમિયાન ઉચ્ચપ્રદેશીય વિભાગ હૂંફાળો અને સૂર્યપ્રકાશવાળો રહે છે; જોકે પ્રચંડ વાવાઝોડાં પણ આવી જાય છે. ઉનાળામાં ઉચ્ચપ્રદેશનું સરેરાશ તાપમાન 18° સે.થી 21° સે. જેટલું રહે છે. અહીંના ખીણવિસ્તારોમાં ક્યારેક અસહ્ય ગરમીનો માહોલ પણ પ્રવર્તે છે. વધુ ઊંચાઈવાળા પહાડી ઢોળાવો ઠંડા રહે છે. ઇટાલીનાં મેદાનો તરફનો ત્રિસિનોનો કૅન્ટૉન વિભાગ ઉનાળા દરમિયાન ગરમ અને શિયાળામાં સમધાત રહે છે.

મધ્યના ઉચ્ચપ્રદેશમાં સરેરાશ વાર્ષિક વૃષ્ટિ(જલવર્ષા, હિમવર્ષા, ભેજનાં અન્ય સ્વરૂપો)નું પ્રમાણ 1,000થી 1,140 મિમી. જેટલું રહે છે. ખીણપ્રદેશોમાં વરસાદ ઓછો પડે છે. ઊંચાઈવાળા કેટલાક ભાગોમાં વાર્ષિક 2,500 મિમી. જેટલો વરસાદ પડે છે. 1,800 મીટરથી વધુ ઊંચાઈ પર વર્ષના ઓછામાં ઓછા છ માસ સુધી ભૂમિ હિમાચ્છાદિત રહે છે.

સ્વિસ આલ્પ્સની ખીણોમાં ઉપરથી નીચે તરફ ફોહન(Foehn) નામે ઓળખાતો સૂકો, ગરમ દક્ષિણી પવન ફૂંકાય છે. તે કારણે તાપમાન અને હવાના દબાણમાં ઝડપી ફેરફારો ઉદભવે છે, જેને પરિણામે લોકો અસહ્ય ઉકળાટ અનુભવે છે. આ પરિસ્થિતિ હેઠળ પહાડી ઢોળાવો પરનો બરફ પીગળવાની સામાન્ય મોસમ આવે તે પહેલાં જ પીગળી જાય છે, એટલું જ નહિ ક્યારેક હિમપ્રપાત થવાના સંજોગોનું નિર્માણ પણ કરે છે.

કુદરતી સંપત્તિ : ભારે ઉદ્યોગો જેના પર આધારિત હોય છે એવાં કોલસો, પેટ્રોલિયમ, લોહઅયસ્ક તેમજ અન્ય ખનિજો સ્વિટ્ઝર્લૅન્ડમાં મળતાં નથી. અહીંનું મોટા ભાગનું ભૂપૃષ્ઠ વધારે પડતું ઊંચું છે અથવા ખાબડખૂબડ ભૂમિવાળું છે, તેથી સારી ખેતપેદાશો લઈ શકાતી નથી. અહીંની આબોહવા ઘઉં કે ફળો માટે તો નહિ; પરંતુ ઢોરની ખાદ્યપેદાશો કે ઘાસ ઉગાડવા માટે અનુકૂળ છે. સ્વિટ્ઝર્લૅન્ડના કુલ વિસ્તારની માત્ર 10 % ભૂમિ જ, વિશેષે કરીને ઉચ્ચપ્રદેશની ભૂમિ ખાદ્યકૃષિપાકોનું ઉત્પાદન લેવા માટે ઉપયોગી છે. દેશનો 40 % વિસ્તાર મેદાનો કે ચરિયાણની ભૂમિથી છવાયેલો છે, તે માત્ર ઉનાળાની મોસમમાં જ ઉપયોગમાં લેવાય છે. 25 % ભૂમિ પર જંગલસંપત્તિ છે; પરંતુ હવાના પ્રદૂષણથી જંગલમાંનાં ઘણાં વૃક્ષો નાશ પામ્યાં છે; આથી અહીંની સરકારે જંગલનો વધુ નાશ થતો રોકવા નિયંત્રણો મૂક્યાં છે.

સ્વિટ્ઝર્લૅન્ડની મોટામાં મોટી કુદરતી સંપત્તિ તેની વેગીલી નદીઓ છે. નદીઓ પર જળવિદ્યુતમથકો ઊભાં કરી મોટા ભાગની વીજઊર્જા મેળવવામાં આવે છે. દેશની વધતી જતી ઊર્જામાગને પહોંચી વળવા માટે પાંચ અણુઊર્જામથકો વિકસાવાયાં છે.

ખેતી : દેશ માટે જરૂરી ખાદ્યકૃષિપેદાશોનું ઉત્પાદન માત્ર 60 % જેટલું જ લઈ શકાય છે, બાકીના 40 %ની આયાત કરવી પડે છે. આ કારણે ખેડૂતો તેમજ અન્ય લોકો પશુપાલનની પ્રવૃત્તિ કરે છે. તેમાંથી સ્વિટ્ઝર્લૅન્ડને 75 % જેટલી આવક મળી રહે છે, દૂધ-ઉત્પાદનનો તેમાં સમાવેશ થઈ જાય છે. મોટા ભાગનાં દુધાળાં ઢોરને ઉનાળા દરમિયાન ઊંચા પર્વતઢોળાવોનાં ગોચરો પર અને શિયાળામાં ખીણનાં ગોચરો પર લઈ જવાય છે. દૂધ-ઉત્પાદનનો મોટો ભાગ નિકાસ માટે ચીઝ તૈયાર કરવામાં વાપરવામાં આવે છે. ખેડૂતો ઘેટાં-બકરાં, ડુક્કર તેમજ મરઘાં-બતકાં પણ ઉછેરે છે.

અહીંનાં ખેતરોનાં કદ માત્ર 3 હેક્ટર જેવડાં નાનાં હોય છે; તેથી ખેડૂતો તેમાંથી શક્ય એટલી વધુ ઊપજ મેળવવાની પૂરતી કાળજી લે છે. મુખ્ય ખેતપેદાશોમાં ફળો, ઘઉં તથા અન્ય ધાન્ય અને બટાટાનો સમાવેશ થાય છે. દ્રાક્ષનું વાવેતર જિનીવા, લુગાનો અને મૅગીઓર જેવાં સરોવરોની નજીક કરવામાં આવે છે. ત્રિસિનો કૅન્ટૉનમાં ઑલિવનાં વૃક્ષો ઉગાડાય છે.

ઔદ્યોગિક ઉત્પાદનવેપાર : ઔદ્યોગિક ઉત્પાદન કરતા દુનિયાના મહત્વના દેશોમાં સ્વિટ્ઝર્લૅન્ડની પણ ગણના થાય છે. અહીંનું ઔદ્યોગિક ઉત્પાદન, આયાત કરવામાં આવતા કાચા માલના પ્રક્રમણ પર આધારિત છે. તૈયાર થતા માલની કિંમત શક્ય એટલી ઓછી રહે, તેની હેરફેર માટે ઓછો ખર્ચ આવે અને તે નાના કદનો તેમજ મૂલ્યવાન હોય, માલ બનાવનારા કારીગરો નિષ્ણાત અને ચોકસાઈ રાખનારા હોય, તેની પૂરતી કાળજી લેવાય છે. કાંડા ઘડિયાળો આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમાં માલના ખર્ચની કિંમત મજૂરીના ખર્ચ કરતાં વીસગણી ઓછી રહે છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં બનાવાતાં ઘડિયાળો પૈકી 95 %ની નિકાસ થાય છે.

આ ઉપરાંત અહીં જનરેટર અને અન્ય વીજસાધનો, ઉદ્યોગો માટેનાં યંત્રો, યાંત્રિક ઓજારો, ચોકસાઈવાળાં સાધનો, પરિવહન-સામગ્રી, રસાયણો, કાગળ, ચીઝ અને ચૉકલેટ સહિતની પ્રક્રમિત ખાદ્યપેદાશો તથા રેશમ અને કાપડનું પણ ઉત્પાદન લેવાય છે.

આ દેશમાં નાનાં કે મધ્યમ કદનાં કારખાનાં આવેલાં છે; અહીં જથ્થાબંધ માલ તૈયાર થતો નથી, તેને બદલે નાના કદનો પરંતુ ઊંચી ગુણવત્તાવાળો માલ બનાવાય છે. દેશમાં જળવિદ્યુત ઊર્જા-ઉપલબ્ધિનું વિતરણ સારી રીતે થયેલું છે. આ બધાં કારણોથી અહીંના એકમો નાનાં નગરો કે ગામડાંઓમાં પણ વિકસેલા છે. જળવિદ્યુતમથકો આવા એકમોને વીજપુરવઠો પૂરો પાડે છે તથા રેલમાર્ગો દ્વારા માલની હેરફેર થાય છે. અહીં ઊર્જા-ઉપલબ્ધિ માટે કોલસો ઉપયોગમાં લેવાતો નથી અને તેથી ધુમાડો કે પ્રદૂષણ ફેલાતાં નથી.

દુનિયાભરના દેશો સાથે સ્વિટ્ઝર્લૅન્ડનો વેપાર ચાલે છે, તેમ છતાં તેનો મુખ્ય વેપાર પશ્ચિમી યુરોપીય દેશો અને યુ.એસ. સાથે થાય છે. આ દેશમાં નિકાસ કરતાં આયાત વધુ થાય છે. આ ખાધ પૂરી કરવા પ્રવાસન, બૅંકિંગ અને વીમામાંથી તથા પરદેશી લોકોને કે પેઢીઓને અપાતી પરિવહનસેવામાંથી આવક મેળવી લેવાય છે. દેશમાં ચાલતા વિશિષ્ટ ઉદ્યોગો ખૂબ નફો મેળવે છે. દેશ પાસે પોતાના નિવાસીઓને પૂરી પાડી શકે તેના કરતાં નોકરીઓ વધુ છે, તેથી અહીં 20 % વિદેશી શ્રમિકોની સેવા પણ લેવાય છે. આ બધાં કારણોથી અહીંનું જીવનધોરણ ઊંચું છે અને દેશ વૈભવશાળી બની રહ્યો છે.

દેશમાં ઉપલબ્ધ સેવાપ્રકારોમાં સામાજિક અને અંગત સેવાઓ, નાણાકીય, વીમો, મિલકતો, સરકારી સેવાઓ, પરિવહન, સંદેશાવ્યવહાર, ઉપભોક્તા ચીજવસ્તુઓના જથ્થાબંધ તેમજ છૂટક વેપારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાંધકામ અને ઉત્પાદનને લગતા ઉદ્યોગો તથા ખેતી અને જંગલ-આધારિત સંપત્તિનો પણ સમાવેશ કરી શકાય. આ સંદર્ભમાં જોતાં તેની ટકાવારી આ પ્રમાણે ગોઠવી શકાય : વિવિધ સેવાપ્રકારો – 62 %, ઉદ્યોગો – 34 % અને ખેતી – 4 %. ઉપર્યુક્ત સેવાપ્રકારો, ઉદ્યોગો, ખેતી તેમજ અન્ય આર્થિક ક્ષેત્રોમાં કુલ 32,13,000 જેટલા લોકો રોકાયેલા છે.

બૅંકિંગ (બૅંકસેવા) : બૅંકસેવા એ આ દેશની એક વિશિષ્ટ સેવા છે, તેથી તેને અહીં ઉદ્યોગક્ષેત્રની સેવા ગણવામાં આવે છે. અહીંની સ્વિસ બૅંકો દુનિયાના ઘણા દેશોના લોકોની થાપણો સ્વીકારે છે. આ દેશ નિષ્પક્ષ રહેતો હોવાથી અહીંની બૅંકો ખૂબ જ સલામત ગણાય છે. જે તે ખાતાંને અપાતો નંબર માત્ર તેનો ખાતેદાર અને ગણ્યાગાંઠ્યા બૅંક અધિકારીઓ જ જાણતા હોય છે, તેથી જે તે ખાતાનું/ખાતેદારનું અંગત ભવિષ્ય ખાનગી રહે છે. સ્વિસ કાયદા હેઠળ, બૅંકનો નોકરિયાત આ ગોપનીયતાનું ઉલ્લંઘન કરે તો તે દંડ અને જેલની સજાને પાત્ર ગણાય છે. તેમ છતાં ગુનેગારી-ફોજદારી દાવાઓની જરૂરી તપાસ અર્થે આ ગોપનીયતાનો ભંગ કરવાની મંજૂરી મળી શકે છે.

પરિવહન : સામાન્યપણે પહાડી પ્રદેશમાં સફર કરવાનું કપરું ગણાતું હોય છે; પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડનું પરિવહન-માળખું એવું સરસ રીતે વિકસેલું છે કે તેમાં મુસાફરને મુશ્કેલી નડતી નથી. અહીંનું લગભગ સમગ્ર રેલમાળખું સરકાર-હસ્તક છે. અહીંનાં ઘણાં રેલબોગદાં આલ્પ્સને વીંધીને પસાર થાય છે; તે પૈકી લૉશબર્ગ, સેંટ ગોથાર્ડ અને સિમ્પ્લોન બોગદાં મુખ્ય છે; 198 કિમી. લાંબું સિમ્પ્લોન રેલબોગદું દુનિયાનાં લાંબાં રેલબોગદાં પૈકીનું એક ગણાય છે.

ગ્લેશિયર એક્સ્પ્રેસ, ગ્રોબેન્ડન

સ્વિટ્ઝર્લૅન્ડની પાકી સડકો અને ધોરી માર્ગો પહાડી પ્રદેશોમાં પણ સફરની સુવિધા પૂરી પાડે છે; પરંતુ ઊંચા પહાડી ઘાટોમાંથી જતા માર્ગો વર્ષના થોડા મહિના માટે જ ચાલુ રહે છે. ઉનાળા સિવાય તે વપરાશ યોગ્ય રહેતા નથી. 1964માં ખુલ્લો મુકાયેલો 5.6 કિમી. લાંબો ગ્રેટ સેંટ બર્નાર્ડ બોગદા માર્ગ આલ્પ્સને વીંધીને જતો સર્વપ્રથમ મોટર-ટ્રાફિક માર્ગ હતો. તે સ્વિટ્ઝર્લૅન્ડ–ઇટાલીને સાંકળતો માર્ગ છે. 16.32 કિમી. લાંબો સેંટ ગોથાર્ડ બોગદા માર્ગ દુનિયાનો લાંબામાં લાંબો મોટર-ટ્રાફિક બોગદા-સડક માર્ગ ગણાય છે.

રહાઇન નદી સ્વિટ્ઝર્લૅન્ડના એકમાત્ર બંદર બૅસેલને ઉત્તર સમુદ્ર સાથે જોડે છે. મોટાં માલવાહક જહાજો બૅસેલ સુધી પહોંચી શકે છે. બૅસેલ ખાતેથી દર વર્ષે 73 લાખ મેટ્રિક ટન જેટલા માલની હેરફેર થતી રહે છે.

જિનીવા અને ઝુરિક ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈમથકો આવેલાં છે. સ્વિટ્ઝર્લૅન્ડની ખાનગી માલિકીની એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈસેવા ‘સ્વિસ-ઍર’ આશરે 40 જેટલા દેશોની ઉડાન ભરે છે.

સંદેશાવ્યવહાર : સ્વિટ્ઝર્લૅન્ડમાંથી અંદાજે 90 જેટલાં વર્તમાનપત્રો બહાર પડે છે. વધુ ફેલાવો ધરાવતાં દૈનિકોમાં દર બ્લિક, ટેગ્સ ઍન્ઝાઇગર ઝુરિક અને ન્યૂ ઝ્યુર્કર ઝાઇતંગ(ત્રણે ઝુરિકમાંથી)નો સમાવેશ થાય છે. દેશનાં મોટા ભાગનાં વર્તમાનપત્રો જર્મન ભાષામાં, કેટલાંક ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષામાં પ્રગટ થાય છે. દૈનિક ન હોય એવાં કેટલાંક રોમૅન્શ (Romansh) ભાષામાં પણ નીકળે છે.

સરકારી અંકુશ હેઠળનાં નિગમો રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ અહીંની ત્રણ અધિકૃત ભાષાઓમાં અને કેટલાક કાર્યક્રમોનું પ્રસારણ રોમૅન્શમાં પણ થાય છે. આ ઉપરાંત, ખાનગી માલિકીનાં રેડિયોમથકો પણ સ્વિટ્ઝર્લૅન્ડમાં છે. લગભગ બધાં જ સ્વિસ કુટુંબો ઓછામાં ઓછો એક રેડિયો અને એક ટેલિવિઝન સેટ ધરાવે છે. તાર, ટપાલ અને ટેલિફોન સેવાઓ સરકાર હસ્તક છે.

પ્રવાસન : ઓગણીસમી સદીના પ્રારંભથી ઘણા પ્રવાસીઓ સ્વિટ્ઝર્લૅન્ડના પ્રવાસે આવતા રહ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, દર વર્ષે 1.1 કરોડ પ્રવાસીઓ આ દેશના પ્રવાસે આવે છે. અહીં પ્રવાસીઓની સુવિધા જાળવતી હોટલો અને ધર્મશાળાઓ હજારોની સંખ્યામાં હશે. ડેવોસ અને સેન્ટ મોરિત્ઝ સહિતનાં રમતગમતનાં કેન્દ્રો રજાઓ ગાળવા આવનારા સહેલાણીઓ માટે ખુલ્લાં રહે છે. સ્કિઇંગની રમત અહીં ખૂબ જ લોકપ્રિય છે. જ્યાં વૃક્ષો ઊગી શકતાં નથી એટલી ઊંચાઈએ મોટા ભાગના સ્કી-પથ ઉપયોગમાં લેવાય છે. ઉનાળા દરમિયાન, પર્વત-આરોહણ માટે ભોમિયા પ્રવાસીઓની સાથે જાય છે. ઘણા પ્રવાસીઓ અહીંની સ્વાસ્થ્યપ્રદ, સ્વચ્છ, સૂકી હવાનો લાભ લેવા તેમજ આલ્પ્સનું સૌંદર્ય માણવા માટે આવે છે. આ ઉપરાંત જિનીવા તેમજ બીજાં સરોવરોમાં જળક્રીડા માણવાનું પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષણ રહે છે.

વસ્તી–લોકો : 2006 મુજબ, સ્વિટ્ઝર્લૅન્ડની વસ્તી આશરે 75,33,000 જેટલી છે. તે પૈકીના આશરે 1 લાખથી વધુ લોકો વિદેશમાં જન્મેલા છે. 33 % લોકો ઇટાલીમાંથી આવીને વસેલા છે. ફ્રાન્સ, જર્મની અને સ્પેનનાં ઘણાં લોકજૂથ પણ અહીંનાં નિવાસી બનેલાં છે. બીજા કોઈ પણ યુરોપીય દેશની સરખામણીમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં વસતા વિદેશીઓની ટકાવારી ઊંચી છે. વળી સ્વિટ્ઝર્લૅન્ડનું અર્થતંત્ર તેની વસ્તીના પ્રમાણ કરતાં વધુ ઝડપથી વિકસ્યું હોવાથી નવી ઊભી થયેલી નોકરીઓ વિદેશી શ્રમિકોથી ભરવામાં આવી છે.

સ્વિટ્ઝર્લૅન્ડમાં એક લાખથી વધુ વસ્તીવાળાં પાંચ શહેરો આવેલાં છે. વસ્તીની સંખ્યાના ઊતરતા ક્રમ મુજબ તેમાં ઝુરિક, બેસેલ, જિનીવા, બર્ન અને લ્યુસર્નનો સમાવેશ થાય છે; જોકે તે પૈકી એક પણ શહેર પાંચ લાખથી વધુ વસ્તીવાળું નથી. બીજાં લગભગ એકસો જેટલાં એવાં શહેરો પણ છે, જેમની વસ્તી 10,000થી વધુ છે. આશરે 40 % જેટલી સ્વિસ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

ભાષા : સ્વિસ બંધારણ મુજબ દેશમાં ત્રણ સત્તાવાર (અધિકૃત) ભાષાઓ – જર્મન, ફ્રેન્ચ અને ઇટાલિયન  ઉપયોગમાં લેવાય છે. રાષ્ટ્રજોગ પસાર થતા કાયદા પણ આ ત્રણે ભાષાઓમાં બહાર પડે છે. ‘ધ ફેડરલ ટ્રિબ્યૂનલ’ સ્વિટ્ઝર્લૅન્ડની મોટી અદાલત ગણાય છે, તેમાં આ ત્રણે ભાષાજૂથનું પ્રતિનિધિત્વ ધરાવતા ન્યાયાધીશોનો સમાવેશ કરવાનો રહે છે.

ચાર રાષ્ટ્રભાષાઓમાં ઉપરની ત્રણ ઉપરાંત રોમૅન્શ ભાષાનો સમાવેશ થાય છે. રોમૅન્શ ભાષા લૅટિન કુળની ભાષા છે. તે માત્ર પહાડી ખીણોમાં જ બોલાય છે. દેશની વસ્તીના માત્ર એક ટકા લોકો જ આ ભાષાનો ઉપયોગ કરે છે.

દેશની વસ્તીના 70 % લોકો જર્મન ભાષા, 20 % લોકો ફ્રેન્ચ ભાષા અને 10 % લોકો ઇટાલિયન ભાષા બોલે છે. અહીંનાં સ્થળોનાં નામોનાં પાટિયાં જે તે જગાની ભાષામાં લખેલાં હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી નડે છે, જે પૂછપરછથી અથવા ભોમિયા દ્વારા હલ થઈ જાય છે.

ધર્મ : સ્વિટ્ઝર્લૅન્ડમાં ધર્મપાલન માટે સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રવર્તે છે. 50 % વસ્તી રોમન કૅથલિક અને 45 % વસ્તી પ્રોટેસ્ટંટ છે. અહીંનાં 26 કૅન્ટૉન પૈકી 15 કૅન્ટૉનમાં કૅથલિકની અને 11 કૅન્ટૉનમાં પ્રોટેસ્ટંટની બહુમતી છે.

શિક્ષણ : કૅન્ટૉનના સ્થાનભેદે ફરજિયાત શિક્ષણ માટેનું વય જુદું જુદું હોવા છતાં મોટે ભાગે 6થી 14 વર્ષનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત રખાયું છે, કૅન્ટૉનના સ્થાન મુજબ શિક્ષણનું માધ્યમ રાખેલું છે. આ ઉપરાંત બીજી પણ એક રાષ્ટ્રભાષા શીખવાની રહે છે. યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરવાનું આયોજન કરનારા વિદ્યાર્થીઓને ત્રણ પ્રકાર(ગ્રીક અને લૅટિન, આધુનિક ભાષાઓ, ગણિત અને વિજ્ઞાન)ની માધ્યમિક શાળા પૈકી એકની પસંદગી કરવાની હોય છે. બીજા વિદ્યાર્થીઓને અમુક કક્ષાનો અભ્યાસ પૂરો કર્યા બાદ હંગામી નોકરીની સાથે સાથે જે તે વ્યવસાયલક્ષી સંસ્થામાં પણ અભ્યાસ કરવાનો રહે છે. અન્ય લોકો પોતાની કારકિર્દીનું લક્ષ્ય હાંસલ કરવા પુખ્તવયના લોકો માટેના શિક્ષણના વર્ગો પણ ભરે છે.

સ્વિટ્ઝર્લૅન્ડમાં સાત યુનિવર્સિટી આવેલી છે, તે ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટેની વિવિધ સંસ્થાઓ પણ છે. 1460માં સ્થપાયેલી બેસેલ યુનિવર્સિટી અહીંની જૂનામાં જૂની યુનિવર્સિટી છે. આશરે 16,000 વિદ્યાર્થીઓ ધરાવતી ઝુરિક યુનિવર્સિટી અહીંની મોટી યુનિવર્સિટી ગણાય છે. અહીંની બધી જ યુનિવર્સિટીઓ જાહેર સંસ્થાઓ છે; તેમાં વિદ્યાર્થીઓએ શુલ્ક ભરવાનું હોતું નથી.

કલા–સાહિત્ય–સંગીત : ઘણુંખરું સ્વિસ સાહિત્ય જર્મન ભાષામાં લખાયેલું છે. જોહાના સ્પિરીનું ‘હાઈડી’ (Heidi) અને વાઇસ (Wyss) કુટુંબનું ‘ધ સ્વિસ ફૅમિલી રોબિન્સન’ જેવી બે બાળસાહિત્યની કૃતિઓ ખૂબ જાણીતી છે. 19મી સદીમાં અહીં થઈ ગયેલા જાણીતા મુખ્ય લેખકોમાં જેરીમિયાસ ગૉથેલ્ફ, ગૉઠફ્રાઇડ કેલર અને કૉનરાડ ફર્ડિનાન્ડ મેયરનો સમાવેશ થાય છે. 1919માં સાહિત્ય માટેનું નોબેલ પ્રાઇઝ કાર્લ સ્પિટેલરને તેના મહાકાવ્ય તેમજ અન્ય લખાણો માટે આપવામાં આવેલું. પછીના વીસમી સદીના લેખકોમાં મૅક્સ ફ્રિશ અને ફ્રિડરિખ ડ્યુરેનમૅટને મૂકી શકાય, જેમનાં નાટકો ઘણા દેશોમાં ભજવાયેલાં. ચાર્લ્સ ફર્ડિનાન્ડ રૅમુઝે ફ્રેન્ચ ભાષામાં નવલકથાઓ લખેલી છે.

1916માં ઝુરિકમાં દાદાઇઝમ (Dadaism) તરીકે ઓળખાતા કલા-આંદોલન(The Art Movement)નો આરંભ થયો. વીસમી સદીના ખ્યાતનામ સ્વિસ કલાકારોમાં ચિત્રકાર પૉલ ક્લી અને શિલ્પકાર આલ્બર્ટો જિયાકૉમેટી તેમજ જ્યાં ટિંગ્વેલીનાં નામ ખૂબ જાણીતાં છે. આધુનિક સ્થાપત્યમાં લા કાર્બુઝિયે વિશિષ્ટ પ્રતિષ્ઠા હાંસલ કરી છે.

ઘણાંખરાં સ્વિસ શહેરો સિમ્ફની ઑરકેસ્ટ્રા ધરાવે છે. કન્ડક્ટર અર્નેસ્ટ ઍન્સર્મેન્ટ(Ernest Anserment)ના માર્ગદર્શન હેઠળ ઑરકેસ્ટ્રા દ લા સુઇસ રોમનડે ઑવ્ જિનીવા જગપ્રસિદ્ધ છે. લ્યુસેર્નમાં થતો વાર્ષિક સંગીત મહોત્સવ હજારો સંગીતચાહકોને આકર્ષે છે. અહીંનાં લગભગ દરેક નગર અને ગામમાં ગાયકવૃંદ છે, જે ત્યાંના સ્થાનિક ઉત્સવ માટે સપ્તાહે એક વાર તૈયારી કરે છે તેમજ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ગીતસ્પર્ધા માટે પણ તૈયારી કરે છે. અહીં બૅન્ડ સંગીત તથા લોકનૃત્યો તેના રંગબેરંગી રાષ્ટ્રીય પહેરવેશમાં ભજવવાનું ખૂબ જ પ્રચલિત છે. વળી કેટલાક પર્વતઆરોહકો આલ્પેનહૉર્ન નામથી જાણીતું સંગીતનું વાદ્ય વગાડીને મનોરંજન મેળવે છે.

હૉર્નુસેન નામની રમત

રમતો : સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતો અહીંના લોકોને વિવિધ રમતો રમવાની તક પૂરી પાડે છે. અહીં આશરે ત્રીજા ભાગના નિવાસીઓ સ્કીની રમત જાણે છે તથા પર્વતોમાં રમી શકાતી વિવિધ જાતની રમતો રમે છે અને માણે છે. સ્વિસ લશ્કરી પદ્ધતિ દ્વારા ચાલતી અને તેની આવડતનો આગ્રહ રાખતી લક્ષ્ય વીંધવાની કલા અહીં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. લક્ષ્ય વીંધવાની સ્પર્ધા અહીં વારંવાર યોજાતી રહે છે. દેશની અન્ય મનપસંદ રમતોમાં સાઇકલ, નૌકા, અખાડાની કસરત, સૉકર, તરણ અને કુસ્તીનો સમાવેશ કરી શકાય. બેઝબોલને સમકક્ષ હૉર્નુસેન (hornussen) નામની રમત બે ટુકડીઓ દ્વારા રમાય છે. બૅટધર 2.4 મીટર લાંબા બૅટથી લાકડાની તકતીને ફટકારે છે, બીજી ટુકડીના ક્ષેત્રરક્ષકે (fielder) તેને લાકડાના રૅકેટથી ઝીલી લેવાની હોય છે.

ઇતિહાસ : આજના સ્વિટ્ઝર્લૅન્ડના પ્રદેશમાં ઈશુ ખ્રિસ્તના સમય પહેલાં હેલ્વેટિયન નામના સેલ્ટિક જાતિના લોકો વસતા હતા. ઈ. પૂ. 58માં જુલિયસ સીઝરના રોમન લશ્કરે તેમને જીતી લીધા. હેલ્વેટિયા નામથી ઓળખાતો આ પ્રદેશ રોમન પ્રાંત બન્યો. પાંચમી સદી સુધીમાં, ઍલીમેનિયન અને બર્ડિગાલિયન નામની બે જર્મન જાતિઓ અહીં આવીને વસી. ફ્રેન્ક નામના જર્મન લોકોએ છઠ્ઠી સદીના પ્રારંભમાં આ જાતિઓને હરાવી. પછીથી ફ્રેન્ક સામ્રાજ્ય વિસ્તર્યું અને શાર્લેમાન(Charlemagne)ના શાસન હેઠળ શક્તિશાળી બન્યું; પરંતુ નવમી સદી દરમિયાન નબળું પડીને તેનું પતન થયું.

962માં પવિત્ર રોમન સામ્રાજ્યના ઉદય સાથે આજનું મોટા ભાગનું સ્વિટ્ઝર્લૅન્ડ તેનો એક ભાગ બની રહેલું, તેનો બાકીનો કેટલોક પ્રદેશ બર્ગન્ડી સામ્રાજ્યનો ભાગ બન્યો, આ પ્રદેશ પણ 1033માં રોમન સામ્રાજ્ય હેઠળ ગયો. તે વખતે સ્વિટ્ઝર્લૅન્ડ ઘણા પ્રાદેશિક ટુકડાઓ, નગરો અને ગામડાંથી બનેલું હતું; તેના ઉપર સ્થાનિક ઉમરાવોનું શાસન ચાલતું હતું; પરંતુ અમુક વિભાગો સીધેસીધા રોમન સમ્રાટ હસ્તક હતા.

સ્વાતંત્ર્યસંઘર્ષ : 13મી સદી સુધીમાં હૅબ્સબર્ગ કુટુંબે સ્વિટ્ઝર્લૅન્ડના ઘણાખરા ભાગ પર અંકુશ જમાવી દીધેલો. આજનાં કૅન્ટૉન(રાજ્યો)ના સ્વતંત્ર વિચારસરણીવાળા કેટલાક લોકોને હૅબ્સબર્ગ કુટુંબ સત્તાશાળી બનતું જતું જોઈ ડર પેઠો કે તેમની સ્વતંત્રતા જોખમાશે. 1273માં હોલી રોમન સામ્રાજ્ય પર શાસન કરનાર રુડોલ્ફ પહેલો સર્વપ્રથમ હૅબ્સબર્ગ હતો. તેણે બે વિસ્તારો પોતાના અંકુશ હેઠળ લેવાની શરૂઆત કરી. 1291માં સ્વિટ્ઝર્લૅન્ડનાં બે કૅન્ટૉને તેમની સ્વતંત્રતા માટે લડી લેવાનો નિર્ણય કર્યો. આ માટે તેમણે નજીકના પ્રદેશને મદદમાં રહેવા આમંત્રણ પણ આપ્યું. આ ત્રણ રાજ્યોના અગ્રેસરોએ 1291ના ઑગસ્ટમાં વાટાઘાટો કરી, રક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમણે પોતાનાં રાજ્યોની સ્વતંત્રતા જાહેર કરી તથા કોઈ પણ વિદેશી શાસક સામે ભેગા મળીને પ્રતિકાર કરવાનાં વચન આપ્યાં. આમ સ્વિટ્ઝર્લૅન્ડના સમવાયતંત્રનાં પગરણ મંડાયાં. આ સમવાયતંત્રને સ્વિઝ (Schwyz) રાજ્ય પરથી સ્વિટ્ઝર્લૅન્ડ નામ અપાયું.

હૅબ્સબર્ગ કુટુંબે ઑસ્ટ્રિયા પર શાસન કર્યું અને સ્વિસ લોકોએ ઑસ્ટ્રિયાનાં દળો સામે વારંવાર સ્વાતંત્ર્ય માટે યુદ્ધો ખેલ્યાં. 1315માં સ્વિસ ખેડૂતોએ મોરગાર્ટન ખાતે પોતાનાથી દસગણા ઑસ્ટ્રિયનને ઘેરો ઘાલીને હરાવ્યું. 1332 અને 1353ના ગાળા દરમિયાન બીજાં પાંચ સ્વિસ કૅન્ટૉન સમવાયતંત્રમાં ભળ્યાં. ત્યાર પછી તો સ્વિસ લોકોએ 1386માં અને 1388માં ફરીફરીને ઑસ્ટ્રિયન દળોને હરાવ્યાં. ઑસ્ટ્રિયા સાથેનાં યુદ્ધો નાટકીય ઘટનાઓવાળાં પણ રહ્યાં. સ્વિસ યુદ્ધવીરો વિશે ઘણી વાર્તાઓ પણ રચાઈ.

સ્વાતંત્ર્ય અને વિસ્તરણ : 15મી સદીના ગાળામાં સ્વિટ્ઝર્લૅન્ડ એક મજબૂત લશ્કરી સત્તા બની રહ્યું. વધુ ભૂમિ હાંસલ કરવા યુદ્ધો ખેલાતાં રહ્યાં અને પ્રદેશો જિતાતા ગયા. 1476 અને 1477 દરમિયાનની ત્રણ લડાઈઓમાં બર્ગંડીના ડ્યુક ચાર્લ્સને હરાવ્યો. 1499માં પવિત્ર રોમન સામ્રાજ્યના હૅબ્સબર્ગ શાસક મૅક્સમિલિયન પહેલાનાં દળોને કચરી નાખ્યાં.

આમ સ્વિટ્ઝર્લૅન્ડ સંપૂર્ણ સ્વતંત્ર બન્યું, પરંતુ 1648 સુધી તેને સત્તાવાર રીતે માન્યતા મળી ન હતી. 1512 અને 1513માં સ્વિસ દળોએ ઉત્તર ઇટાલીમાંથી પણ ફ્રેન્ચ દળોને હાંકી કાઢ્યાં. જિતાયેલા પ્રદેશો સ્વિસ કાબૂ હેઠળ રહ્યા અને વિસ્તરણ થતું રહ્યું.

1515માં ઇટાલી ખાતે ફ્રેન્ચોએ સ્વિટ્ઝર્લૅન્ડને હરાવ્યું; તેથી વિસ્તરણની નીતિ પર પુનર્વિચારણા કરી, તટસ્થતાની નીતિ અપનાવી અને હવે પછી ક્યારેય વિદેશી યુદ્ધોમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું.

1481થી 1513ના ગાળા દરમિયાન બીજાં પાંચ કૅન્ટૉન સ્વિસ સમવાયતંત્રમાં ભળ્યાં, કુલ 13 રાજ્યો થયાં. દરેક રાજ્યને સ્વતંત્ર દેશની જેમ પોતાની પસંદગી મુજબનો વહીવટ કરવાની છૂટ હતી. કેટલાંક રાજ્યો કૃષિઆધારિત લોકશાહીથી, કેટલાંક સમૃદ્ધ કુટુંબો દ્વારા તો કેટલાંક હુન્નરકારોનાં જૂથ દ્વારા નભતાં હતાં. સમવાયતંત્રમાં કેન્દ્ર સરકાર ન હતી. દરેક કૅન્ટૉનના પ્રતિનિધિઓ એસેમ્બ્લી ખાતે ચર્ચા માટે મળતા રહેતા; પરંતુ એસેમ્બ્લીને કોઈ સત્તા-અધિકારો ન હતા.

ધાર્મિક ગૃહયુદ્ધો : 16મી સદીની શરૂઆતમાં ધાર્મિક સુધારા પ્રસર્યા. પ્રોટેસ્ટંટ પંથના એક અગ્રેસરે ઝુરિક ખાતે ઉપદેશો શરૂ કર્યા, બીજાએ જિનીવાને પ્રોટેસ્ટંટ ધર્મપંથનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવ્યું. ધાર્મિક સુધારાઓથી સ્વિટ્ઝર્લૅન્ડ કૅથલિક અને પ્રોટેસ્ટંટ પંથની બે લશ્કરી છાવણીઓમાં વહેંચાઈ ગયું. 1529, 1531, 1656 અને 1712માં બંને વચ્ચે સંઘર્ષો થતા રહ્યા, એક પણ પંથ કાબૂ મેળવવામાં સફળ રહ્યો નહિ.

ફ્રેન્ચ અંકુશ : 1798માં, ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, ફ્રેન્ચ લશ્કરે સ્વિટ્ઝર્લૅન્ડમાં પ્રવેશ કરી દેશ પર કબજો જમાવી દીધો. ફ્રેન્ચોએ હેલ્વેટિક પ્રજાસત્તાકની રચના કરી અને નવી સ્વિસ સરકારને મધ્યસ્થ સત્તા સોંપી. સ્વિસ કૅન્ટૉનો (રાજ્યો) આ સરકાર હેઠળના વહીવટી જિલ્લા બની રહ્યા. આ પ્રકારના રાજકીય ફેરફારથી સ્વિસ પ્રજામાં ગૂંચવણો અને અસંતોષ વ્યાપ્યાં. નેપોલિયને અહીંનાં 13 રાજ્યોની 1803માં પુન:સ્થાપના કરી તથા ત્યાંના જ પ્રદેશોમાંથી બીજાં 6 રાજ્યો રચ્યાં. તેણે કેન્દ્રીય સત્તામાં ઘટાડો કરીને રાજ્યોને સ્વાયત્ત બનાવીને વધુ સત્તા આપી.

સમવાયતંત્ર 1815માં ફરીથી રચાયું. મધ્યસ્થ સરકારને થોડી વધુ સત્તા મળી. વિયેનાની કૉંગ્રેસે તેમજ બધી જ યુરોપિયન સત્તાઓએ સ્વિસ-તટસ્થતાને માન્ય રાખી. ત્યારથી આજ સુધી સ્વિટ્ઝર્લૅન્ડે રાજકીય તટસ્થતા જાળવી રાખી છે. 1848માં આ દેશે નાનો-શો આંતરવિગ્રહ ખેલ્યો. પરિણામે 1848નું બંધારણ અસ્તિત્વમાં આવ્યું.

1848નું નવું બંધારણ સ્વીકારવામાં આવ્યું. આ બંધારણમાં બે ગૃહોવાળી સમવાયતંત્રીય લોકશાહી રાખવા સૂચન હતું. ધાર્મિક સ્વાતંત્ર્ય તેમજ વ્યક્તિસ્વાતંત્ર્ય અપાયાં. અલબત્ત, બંધારણમાં તેની ઓળખ સમૂહતંત્ર તરીકે આપવામાં આવી હતી.

1863માં સ્વિસ ધંધાદારી અને લેખક જીન હેન્રી ડુનાન્ટે જિનીવામાં ‘રેડ ક્રૉસ’ની સ્થાપના કરી. સ્વિટ્ઝર્લૅન્ડના ધ્વજના બે રંગોને ઊલટાસૂલટી કરી એવા જ નવા ધ્વજની નકલ કરીને રેડ ક્રૉસ માટે અપનાવાયો.

રાજકીય : પ્રથમ વિશ્વયુદ્ધ 1914માં શરૂ થતાં સ્વિટ્ઝર્લૅન્ડે તરત જ તે માટે પોતાની તટસ્થતા જાહેર કરી દીધી. લડતા દેશોએ આ નીતિને માનપૂર્વક સ્વીકારી. 1920માં નવી સ્થપાયેલી લીગ ઑવ્ નેશન્સ(યુદ્ધ રોકવા માટેનો સંઘ)નું મુખ્ય મથક જિનીવા નક્કી થયું. સ્વિટ્ઝર્લૅન્ડ આ સંઘનું સભ્ય બન્યું.

1945માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ થતાં સ્થપાયેલા યુનાઇટેડ નેશન્સ(UN)માં આ દેશ જોડાયો નહિ. તેને લાગ્યું કે તે સભ્ય થાય અને ક્યારેક સભ્ય રાષ્ટ્રોએ ક્યાંય લશ્કરી ટુકડી મોકલવી પડે તો તેની તટસ્થતાની નીતિનો ભંગ કર્યો ગણાય. જિનીવા UN માટેનું મુખ્ય મથક બન્યું, સ્વિટ્ઝર્લૅન્ડ UNની વિશિષ્ટ એજન્સીઓમાં જોડાયું પણ ખરું.

સ્વિટ્ઝર્લૅન્ડમાં સ્ત્રીઓ માટે રાજકીય હક્કો મેળવવાની ચળવળે ઘણો વિકાસ સાધ્યો છે. 1958માં બેસેલ સર્વપ્રથમ શહેર હતું જ્યાં સ્થાનિક ચૂંટણીઓમાં સ્ત્રીઓને મત આપવા દેવાયા હતા. વિશ્વના અન્ય દેશોની તુલનામાં ઘણે મોડેથી છેક 1971માં રાષ્ટ્રીય ચૂંટણીમાં સ્ત્રીઓને મતાધિકાર અપાયો હતો. સાંસદીય ગૃહોમાં, સરકારી સંસ્થાઓમાં અને સમવાયતંત્રમાં તેમને પ્રતિનિધિત્વ અપાયેલું. 1981માં મતદારોએ સ્ત્રીઓને સમાન હક્કો મળે તે માટેના સુધારાને બહાલી આપી. 1984ના ઑક્ટોબરમાં, ફેડરલ કાઉન્સિલમાં ઇલિયાસબેથ કૉપની પ્રથમ સ્ત્રી તરીકે ચૂંટણી પણ થઈ.

1979માં સ્વિટ્ઝર્લૅન્ડનાં 22માંથી 23 રાજ્યો થયાં, બર્નના ભાગરૂપ એક પ્રદેશને છૂટો પાડી જુરા કૅન્ટૉન અલગ કરાયું. બર્નનો મોટો ભાગ જર્મનભાષી પ્રોટેસ્ટંટોનો છે; પરંતુ તેનો એક ભાગ જે ફ્રેન્ચભાષી કૅથલિકનો હતો તેનું જુરા કૅન્ટૉન રચવામાં આવ્યું છે.

1 જાન્યુઆરી, 2000થી એટલે કે એકવીસમી સદીના પ્રારંભથી તેણે નવું બંધારણ સ્વીકાર્યું. અલબત્ત, એપ્રિલ 1999માં આ બંધારણ પ્રજાના લોકમત દ્વારા માન્યતા મેળવી ચૂક્યું હતું. આ દેશ પોતાને પ્રજાસત્તાક તરીકે ઓળખાવે છે અને સમગ્ર વિશ્વભરમાં લોકમત અને ઇનિશ્યેટિવ (ઉપક્રમ) જેવી પ્રત્યક્ષ લોકશાહીની નીતિરીતિઓ ત્યાં અસરકારક રીતે કામ કરે છે. વળી બંધારણીય રીતે ત્યાં સર્વોચ્ચ સત્તા મતદાતાને આપવામાં આવી છે. એનો અર્થ એ છે કે 18થી વધુ વયના નાગરિકને પુખ્તવયમતાધિકાર દ્વારા મતદાનનો અધિકાર મળ્યો છે. આ મતદાતા ક્રિયાશીલ રહીને રાજકીય નિર્ણયોમાં ભાગીદાર બને છે. મતદાન દ્વારા પ્રતિનિધિઓ ચૂંટવા ઉપરાંત તે બંધારણીય સુધારાઓ, કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય સંધિ અંગે પણ મતદાન કરી શકે છે. લોકમત અને ઇનિશ્યેટિવ (ઉપક્રમ) સ્વિટ્ઝર્લૅન્ડની રાજકીય લાક્ષણિકતાઓ છે. સામાન્યતયા 50,000 મતદારોની માંગ યા આઠ કૅન્ટૉનોની માંગથી વિવિધ પ્રશ્નો પરત્વે લોકમત આપવામાં આવે છે. એવી રીતે એક લાખ મતદારોની માંગથી ઇનિશ્યેટિવ આપવામાં આવે છે. સાધારણ અંદાજ મુજબ પ્રત્યેક વર્ષે 3થી 4 લોકમત લેવાય છે, જેમાં મતદાતાઓ ‘હા’ કે ‘ના’માં તેમનો અભિપ્રાય આપે છે.

પ્રત્યેક દેશની જેમ સ્વિટ્ઝર્લૅન્ડ પણ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રનાં અંગો દ્વારા કામ કરે છે. તેની ધારાસભા ફેડરલ ઍસેમ્બલી, કારોબારી ફેડરલ કાઉન્સિલ – એગ્ઝિક્યુટિવ અને ન્યાયતંત્ર ફેડરલ ટ્રિબ્યૂનલ નામથી ઓળખાય છે.

ફેડરલ ઍસેમ્બલી (ધારાસભા) : તેની ઍસેમ્બલી બે ગૃહો ધરાવે છે. નૅશનલ કાઉન્સિલ તેનું નીચલું ગૃહ અને કાઉન્સિલ ઑવ્ સ્ટેટ્સ તેનું ઉપલું ગૃહ છે. નૅશનલ કાઉન્સિલ પ્રજા દ્વારા સીધી ચૂંટણીથી 4 વર્ષ માટે ચૂંટાય છે. તેમાં કુલ 200 સભ્યો હોય છે, જે કૅન્ટૉનની વસ્તીના પ્રમાણને આધારે નક્કી થયા હોય છે. આ માટેનું લઘુતમ ધોરણ એ છે કે પ્રત્યેક કૅન્ટૉન યા અર્ધ કૅન્ટૉન 1 પ્રતિનિધિ ચૂંટીને મોકલે. પ્રતિનિધિને ‘ડેપ્યુટી’ શબ્દથી ત્યાં ઓળખવામાં આવે છે. તેમને વેતન અને ભથ્થાં સમવાય સરકારના નાણાભંડોળમાંથી ચૂકવાતાં હોય છે. 3 સપ્તાહની એક એવી ચાર બેઠકો પ્રત્યેક વર્ષ દરમિયાન મળે છે. વધારામાં ખાસ સંજોગો માટે અસાધારણ બેઠક પણ યોજી શકાય છે. કાઉન્સિલ ઑવ્ સ્ટેટ્સ ઉપલા ગૃહ તરીકે કૅન્ટૉનોનું પ્રતિનિધિત્વ કરે છે. 23 કૅન્ટૉનમાંથી કૅન્ટોન દીઠ 2 એમ કુલ 46 પ્રતિનિધિઓનું બનેલું આ ગૃહ છે. પ્રતિનિધિનાં વેતન અને ભથ્થાં પ્રત્યેક કૅન્ટૉન તેનાં ધારાધોરણો અનુસાર ચૂકવે છે. એવી જ રીતે પ્રતિનિધિઓની મુદત અને ચૂંટણીપદ્ધતિ પણ જે તે કૅન્ટૉને નક્કી કર્યાં હોય છે. આથી આ અંગે કોઈ એકસૂત્રતા જોવા મળતી નથી.

સ્વિસ ફેડરલ ઍસેમ્બલી અર્ધ-વ્યવસાયી (સેમિ-પ્રૉફેશનલ) સંસદ છે. દર ચાર વર્ષે પુખ્તવયમતાધિકારના ધોરણે ચૂંટણી યોજાય છે અને પ્રતિનિધિ(ડેપ્યુટી)ની ચૂંટણી કરવામાં આવે છે.

ફેડરલ કાઉન્સિલ (કારોબારી) : સ્વિસ કારોબારી આ નામથી ઓળખાય છે. તે સર્વોચ્ચ વહીવટી સત્તા ધરાવતું ઘટક છે, જે કુલ સાત સભ્યોનું બનેલું હોય છે. મુખ્ય કારોબારી તરીકે વડાપ્રધાન કે રાજ્યના વડાનો હોદ્દો ધરાવતું કોઈ સ્થાન તેમાં નથી. આથી તેને સામૂહિક કારોબારી (collegium) તરીકે ઓળખવામાં આવે છે. કારોબારીના આ સભ્યો સમવાય સરકારમાં કે કૅન્ટૉનોમાં અન્ય કોઈ હોદ્દો ન ધરાવતા હોય તે આવશ્યક છે. તેઓ પોતાના કોઈ વ્યવસાયમાં પણ ન રોકાયેલા હોવા જોઈએ. ડેપ્યુટી તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતો કોઈ પણ નાગરિક કાઉન્સિલના સભ્ય બનવાને લાયક ગણાય છે.

તેની રચના ધારાસભાનાં બંને ગૃહો સંયુક્ત બેઠક દ્વારા સાત સભ્યોને ચૂંટીને કરે છે. તેઓ ચાર વર્ષની મુદત માટે ચૂંટાય છે. આ સાત સભ્યોમાંથી કોઈ એક સભ્યને એક વર્ષ માટે ફેડરલ કાઉન્સિલના પ્રમુખ ચૂંટે છે. બીજા વર્ષે બીજો પ્રમુખ – એમ આ હોદ્દો ચક્રાકારે ફરતો રહે છે. આમ ફેડરલ કાઉન્સિલના પ્રમુખ કોઈ સમિતિના અધ્યક્ષ જેવી કામગીરી બજાવતા હોય છે. તેમને પ્રમુખ તરીકે કોઈ જ વિશેષ સત્તા હોતી નથી, બીજા શબ્દોમાં પ્રમુખ ‘સમાનોમાં સૌપ્રથમ’થી વિશેષ મહત્વનું પદ કે સત્તા ધરાવતા નથી. પ્રમુખની સાથે ઉપપ્રમુખને ચૂંટવાની પ્રથા છે. સામાન્યતયા પ્રમુખ હોદ્દો છોડે ત્યારે ઉપપ્રમુખને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવે છે. તે સમયે ફરી પાછા નવા ઉપપ્રમુખ ચૂંટાય છે, જેને ભાવિ પ્રમુખ ગણી શકાય. આ હોદ્દેદારો(પ્રમુખ–ઉપપ્રમુખ)ને તુરત જ ફરી એ જ સ્થાને ચૂંટી શકાતા નથી.

કાઉન્સિલનું સાત સભ્યોનું બનેલું જૂથ વહીવટી બાબતોને લાગેવળગે છે ત્યાં સુધી ‘એકમાત્ર સત્તામંડળ’ તરીકે વર્તે છે. પ્રમુખ કોણ છે તે ત્યાંના નાગરિકોની દૃષ્ટિએ મહત્વની બાબત નથી. રાજધાનીના શહેર બર્નમાં જ કાઉન્સિલની બેઠકો યોજાય છે. 1999માં રુથ ડ્રાઇફ્સ સૌપ્રથમ મહિલા પ્રમુખ ચૂંટાયાં હતાં. 2007માં મિશેલિન કાલ્મી રે પ્રમુખ તરીકે ચૂંટાનાર બીજાં મહિલા હતાં.

2002માં સ્વિટ્ઝર્લૅન્ડે તટસ્થતાની નીતિનો ત્યાગ કર્યો અને યુનોમાં જોડાવાનું પસંદ કર્યું. તે પછીથી તેણે સીમિત ધોરણે કેટલાંક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સભ્ય તરીકે જોડાવાની શરૂઆત કરી.

ગિરીશભાઈ પંડ્યા

રક્ષા મ. વ્યાસ