સ્વિસ કળા : સ્વિટ્ઝર્લૅન્ડની ચિત્રકળા અને શિલ્પકળા. સોળમી સદીમાં સ્વિટ્ઝર્લૅન્ડનું એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ગઠન અને નિર્માણ થતાં જ ત્યાં લોકશાહી બંધારણ અસ્તિત્વમાં આવ્યું. વળી ત્યાં કેલ્વિનિસ્ટ (Calvinism) સંપ્રદાયના ખ્રિસ્તી અનુયાયીઓ બહુમતીમાં હતા. કેલ્વિનવાદે ભવ્ય ભભકાદાર કલાકૃતિઓનો હંમેશાં વિરોધ કર્યો છે. આમ, રાજવી આશ્રયદાતાની ગેરહાજરી અને કેલ્વિનવાદના પ્રભાવ હેઠળ સ્વિટ્ઝર્લૅન્ડમાં યુરોપના બીજા દેશોના મુકાબલે ઝાઝી કલાકૃતિઓ અસ્તિત્વમાં આવી નહિ. સ્વિસ કલાકારોએ આશ્રયની શોધમાં બીજા દેશોમાં આશ્રય શોધવો પડતો હતો અને ત્યાં જ કારકિર્દી બનાવવી પડતી હતી.

કોન્રાડ વિટ્ઝે આલેખેલા સંત ક્રિસ્ટોફર

પંદરમી સદીમાં જર્મન રેનેસાં ચિત્રકાર કોન્રાડ વિટ્ઝ (Konrad Witz) સ્વિટ્ઝર્લૅન્ડમાં બેઝલ (Basle) ખાતે સ્થિર થયા. ત્યાં તેમણે આલેખેલા ધાર્મિક ચિત્ર ‘મિરેક્યુલસ ડ્રોટ ઑવ્ ફીશીઝ’(1444)માં જિનીવા નજીકના નિસર્ગનું આબેહૂબ દર્શન થાય છે.

1515માં જર્મનીથી ચિત્રકાર હોલ્બીન (Holbein) ધ યન્ગર બેઝલ ખાતે આવી વસ્યા અને તેમણે ચર્ચની વેદી માટેનાં ધાર્મિક ચિત્રો, વ્યક્તિચિત્રો તથા ઐતિહાસિક ચિત્રો આલેખ્યાં. હોલ્બીનના સમકાલીન ચિત્રકારો મેન્યુઅલ ડૂચ અને ઉર્સ ગ્રાફે (Manuel Deutch Urs Graf) સ્વિટ્ઝર્લૅન્ડનાં ચર્ચોમાં વેદી ચિત્રો ચીતર્યાં, જેમાં માનવચહેરા ઘણા ભાવવાહી છે. સત્તરમી સદીના ઉત્તરાર્ધથી સ્વિસ ચર્ચોએ મહત્વાકાંક્ષી ધાર્મિક કલાકૃતિઓને રક્ષણ આપવું શરૂ કર્યું; પરંતુ એ વખતે પણ સ્થાનિક કલાકારો નહિ, પણ જર્મન, ઇટાલિયન અને બ્રિટિશ કલાકારો સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝળક્યા.  તેમાં સૌથી વધુ જાણીતું નામ બ્રિટનથી આવેલાં જર્મન મહિલા ચિત્રકાર એન્જેલિકા કૉફમાનનું (Angelica Kauffmann) છે. બ્રિટનથી આવેલ ઇટાલિયન ચિત્રકાર ફ્યુસેલીનાં (Fuseli) ચિત્રોમાં અગોચર મનના ભેંકાર અને બિહામણા ખૂણાઓનું બિહામણું આલેખન જોવા મળે છે. સ્વિટ્ઝર્લૅન્ડના બે સ્થાનિક ચિત્રકારો લિયોટાર્ડ અને આગાસેએ પણ નામના મેળવી. લિયોટાર્ડે રોજિંદાં ઘરગથ્થુ દૃશ્યોનાં ચિત્રો અને વ્યક્તિચિત્રો આલેખ્યાં. આગાસેએ પશુઓને આલેખ્યાં.

હોલ્બીને દોરેલાં વ્યક્તિચિત્રો

અઢારમી સદીમાં સ્વિટ્ઝર્લૅન્ડનાં હિમાચ્છાદિત આલ્પ્સ પર્વતો, જંગલો, ખળખળ વહેતાં ઝરણાં, હિમનદીઓ, ઊંડી ખીણો સ્વિસ ચિત્રકારોના માનીતા વિષય થઈ પડ્યા. સમગ્ર યુરોપમાં એ વખતે આ પ્રકારનાં નિસર્ગચિત્રો માટે વ્યાપક બજાર ઉપલબ્ધ હતું અને બીજું કે તત્કાલીન રંગદર્શી માનસ/મનોચેતનાને આ નૈસર્ગિક વિષયો બરાબર માફક આવ્યા. ઉપરાંત સ્વિસ ગ્રામજીવનનાં દૃશ્યો અને નગરદૃશ્યો પણ આલેખાવાં શરૂ થયાં. આ ચિત્રકારોમાં લૂઈ ડુક્રોસ  અને ઍલેક્ઝાન્ડર કાલામેનાં નામો મોખરે છે.

ઓગણીસમી સદીમાં બ્રિટિશ રંગદર્શી નિસર્ગ ચિત્રકાર જોસેફ માલોર્ડ વિલિયમ ટર્નરે સ્વિસ આલ્પ્સનાં આહલાદક સૌંદર્યનું આલેખન ઘણાં નિસર્ગચિત્રોમાં કર્યું. ઓગણીસમી સદીમાં બે સ્વિસ પ્રતીકવાદી ચિત્રકારો આર્નોલ્ડ બોકલિન અને ફર્ડિનાન્ડ હોડ્લરે આછેરી ભયની લાગણી જગાડતાં ગૂઢ રહસ્યમય વાતાવરણ ધરાવતાં ચિત્રો આલેખ્યાં.

વીસમી સદીમાં 1915માં ઝ્યુરિખ ખાતે દાદાવાદી જાહેરનામું બહાર પડ્યું. વીસમી સદીમાં સ્વિસ કળાએ પૉલ ક્લી (Paul Klee) અને ફ્રાન્ઝ ફેડીર (Franz Fedier) જેવા ચિત્રકારો આપ્યા. ક્લીએ પરાવાસ્તવવાદી ઢબે માનવમનની અકળ સ્વપ્નિલ સૃષ્ટિ આલેખી. ફેડીરે અમૂર્ત ચિત્રો આલેખ્યાં. સ્વિસ શિલ્પીઓ આલ્બર્ટો જિયાકોમેતી (Alberto Giacometti) અને જ્યાં ટિંગ્વેલીએ (Jean Tinguely) અમૂર્ત શિલ્પ સર્જ્યાં.

 અમિતાભ મડિયા