સરમુખત્યારશાહી : સરકારનું એક સ્વરૂપ જેમાં કોઈ એક વ્યક્તિ, સમિતિ કે વ્યક્તિઓનું જૂથ સંપૂર્ણ સત્તા ધરાવે છે. પ્રાચીન રોમના સામ્રાજ્યમાં ‘ડિક્ટેટર’ નીમવાની પ્રથા હતી. રોમની સેનેટ ‘કાઉન્સેલ’ને બરતરફ કરવા કાનૂની ધોરણે ‘ડિક્ટેટર’ને નીમતી અને તેને સર્વોચ્ચ સત્તા સોંપવામાં આવતી. આ ‘ડિક્ટેટર’ જે તે વિસ્તારની કટોકટી હલ કરવા અમર્યાદ સત્તા ધારણ કરી પરિસ્થિતિનો નિવેડો લાવતો.
રોમન સામ્રાજ્યની ઉપર્યુક્ત સ્થિતિમાંથી ‘ડિક્ટેટર’ – સરમુખત્યાર શબ્દ આવ્યો છે. એકાધિકારવાદી ધોરણે ચાલતા રાજ્યને આથી સરમુખત્યારશાહી તરીકે રાજ્યશાસ્ત્રમાં ઓળખવામાં આવે છે. સરમુખત્યારશાહી સંપૂર્ણ રાજાશાહી (absolute monarchy) જેવી શાસનવ્યવસ્થા છે. તેમાં શાસક બનનાર સરમુખત્યારની સત્તા પર કોઈ પણ પ્રકારની કાનૂની મર્યાદા હોતી નથી, તેની સત્તા સંપૂર્ણ હોય છે. સરકાર કે સરકારી તંત્ર સંપૂર્ણપણે તેના અંકુશ નીચે હોય છે. સત્તા દ્વારા, સત્તાની બીક બતાવીને આવો શાસક લોકો સાથે કામ પાડે છે. જરૂરિયાત ઊભી થાય ત્યારે સત્તાના નામે ત્રાસ અને દમનનો કોરડો વીંઝી તે એકહથ્થુ સત્તા ભોગવે છે. કુટુમ્બ, ધર્મ, સંસ્કાર વગેરેથી આગળ વધી વ્યક્તિની અંગત બાબતોમાં હસ્તક્ષેપ કરી શાસક મુનસફી અનુસાર શાસન ચલાવે છે. અહીં સ્વતંત્રતા, અધિકારો કે લોકોની ઇચ્છાને કોઈ સ્થાન હોતું નથી. એકમાત્ર શાસકના કરિશ્માતી-નેતૃત્વ હેઠળ ઔપચારિક રીતે મોટાભાગના લોકોને સાથે રાખી તે કામ કરે છે.
આ સરમુખત્યારો હિંસા, બળ કે રાજકીય યુક્તિ-પ્રયુક્તિથી કાનૂની કે ગેરકાનૂની માર્ગોએ સત્તા હાંસલ કરી સમગ્ર રાજ્યતંત્ર પર કબજો જમાવે છે. તેમાં વિરોધીઓ કે વિરોધપક્ષોને કોઈ સ્થાન હોતું નથી. જરૂરિયાત ઊભી થાય તો વિરોધ અને વિરોધીઓ – બંનેને સખત હાથે કચડી નાંખી, જબરદસ્તી કે જોરજુલ્મ દ્વારા તેમને ચૂપ કરી દેવાય છે. સત્તા ટકાવી રાખવા બળપ્રયોગ કરવાની રસમ કોઈ પણ સરમુખત્યારશાહી માટેનો સ્વાભાવિક રસ્તો હોય છે. ચૂંટણીઓને તિલાંજલિ આપી નાગરિક સ્વાતંત્ર્ય કે પ્રેસ-સ્વાતંત્ર્યનો અંત લાવી દેવામાં આવે છે. લોકશાહી દેશો કટોકટીમાંથી પસાર થતા હોય ત્યારે સહેલાઈથી સરમુખત્યારશાહીમાં સરકી જાય છે.
એ જ રીતે કોઈ દેશ પર વિદેશી સત્તા વિજય મેળવે ત્યારે ત્યાં સરમુખત્યાર સ્થાપી દેવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધના અરસામાં પોલૅન્ડ, ચેકોસ્લોવેકિયા અને એવા અન્ય દેશો પર આ જ રીતે સ્ટાલિને સરમુખત્યારશાહી સ્થાપી દીધી હતી. 1922માં ઇટાલીમાં બેનિટો મુસોલિની અને 1933માં જર્મનીમાં એડૉલ્ફ હિટલર અને 1939માં સ્પેનમાં જનરલ ફ્રાંકો આ જ રીતે સત્તા પર ચડી બેઠા હતા. ફાસી અને નાઝી પક્ષો હોવા છતાં ત્યાં પણ મુસોલિની અને હિટલર એમ એક વ્યક્તિનું ચલણ રહેતું. તેઓ પક્ષનું સંચાલન પણ ધારાધોરણ વિના પોતાની ઇચ્છા મુજબ કરતા.
સરમુખત્યારશાહીનો વૈચારિક આધાર સર્વસત્તાવાદમાં રહેલો છે; જેમાં રાજ્યને એક પરમ સંસ્થા તરીકે સ્વીકારી, વ્યક્તિના ભોગે રાજ્યનો મહિમા માન્ય રાખવામાં આવે છે. ફિખ્તે, ઇમોન્યુએલ કાન્ટ અને ટ્રિટસ્કે જેવાના વિચારોમાંથી સરમુખત્યારશાહીને અનુમોદન પ્રાપ્ત થાય છે. વ્યક્તિઓનું જીવન સંપૂર્ણપણે રાજ્ય-અવલંબિત હોય છે. તેથી રાજ્ય મુખ્ય સંસ્થા તરીકેનું અને વ્યક્તિઓ કે નાગરિકો ગૌણ સ્થાન ધરાવે છે. નાઝીવાદ, ફાસીવાદ અને અમુક અંશે સામ્યવાદ પણ પક્ષ-આધારિત સરમુખત્યારશાહીઓ છે; જેમાં શાસક અને પક્ષ હેઠળ સમાજજીવન અંગેની તેમજ વ્યક્તિઓ અંગેની તમામ પ્રવૃત્તિઓ સમાવી લેવામાં આવે છે. આમ સરમુખત્યારશાહી સમાજ અને વ્યક્તિઓ પર સંપૂર્ણ સત્તા ધરાવતી શાસનવ્યવસ્થા છે. (જુઓ સર્વસત્તાવાદ.)
રક્ષા મ. વ્યાસ