સરયૂ : ઉત્તર (અવધ) પ્રદેશની એક પુરાણપ્રસિદ્ધ પવિત્ર નદી. ઋગ્વેદ અનુસાર તેના શાંત ને પવિત્ર કિનારે ઋષિઓ તપ-સાધના અને તત્ત્વચિંતન-યજ્ઞાદિ ધાર્મિક અનુષ્ઠાન કરતા હતા. મહાભારત અનુસાર હિમાલયના સ્વર્ણશિખરમાંથી ઉદ્ભવેલી ગંગાની સાત ધારાઓમાંની તે એક છે. વસિષ્ઠ ઋષિ કૈલાસ તરફ જતી ગંગાને માનસરોવરમાં લઈ આવ્યા ત્યારે અહીં આવતાં એમણે સરોવર(માન)ને તોડી નાખતાં જે વહેણ (સ્રોત) વહ્યું એ પછીથી સરયૂ નામથી પ્રસિદ્ધ થયું. ભૌગોલિક દૃષ્ટિએ હિમાલયમાંથી ઉદ્ભવી નેપાળમાં આગળ વધતાં ત્યાં તેનું નામ ‘કૌરિયાલા’ પડ્યું. અનેક નાની-મોટી નદીઓ આમાં ભળતી ગઈ. આગળ જતાં તે બે ભાગમાં વહેંચાઈ છે : પશ્ચિમવાહિની અને પૂર્વવાહિની. આગળ જતાં આ બંને પુન: એક થઈ જાય છે. આ નદીનું એક નામ ઘર્ઘરા કે ઘાઘરા પણ છે. ઉત્તરથી ગોંડા દક્ષિણમાં બારાબંકી અને ફૈજાબાદ થઈ પશ્ચિમમાં અયોધ્યાથી આગળ જતાં દક્ષિણ-પૂર્વ તરફ આગળ વધતી તે ગોરખપુર-આજમગઢ પાસે વહે છે. અયોધ્યાના કિનારે સર્વપ્રથમ સૂર્યવંશી રાજાઓની રાજધાની વસી. આ ઉપરાંત આના કિનારે ચણં અને ચિત્રરથી નામના રાજાઓની રાજધાનીઓ પણ હતી. મહારાજા સગર, રઘુ વગેરેએ આના કિનારે અશ્વમેધ યજ્ઞો કરેલ. મહારાજા દશરથના સમય દરમિયાન તેનું ગૌરવ સવિશેષ રહ્યું. ભગવાન શ્રીરામના અનુજ લક્ષ્મણજીએ આમાં દેહત્યાગ કરતાં શ્રીરામે પણ આના ગોપ્રતાર નામના તીર્થમાં આપ્તજનો સાથે ડૂબકી લગાવી સાકેત (પરમ) ધામ સિધાવ્યા. હરિવંશપુરાણાનુસાર આ નદી ધર્મ-અર્થ-કામ-મોક્ષ પ્રદાન કરનારી છે.

હસમુખ વ્યાસ