સ્મિથ, જૉન (જ. 9 ઑગસ્ટ 1965, ડેલ સિટી, ઑક્લહૉમા, યુ.એસ.) : અમેરિકાના કુસ્તીબાજ. તેઓ અમેરિકાના સૌથી સફળ આંતરરાષ્ટ્રીય ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ બની રહ્યા અને 1988 તથા 1992માં તેઓ ઑલિમ્પિક વિજયપદકોના વિજેતા બન્યા તેમજ 1987, 1989–91માં ફેધરવેટ(62 કિગ્રા.)માં વિશ્વ વિજયપદકના વિજેતા બન્યા.
જૉન સ્મિથ
કુસ્તીનો પ્રારંભ તેમણે 6 વર્ષની વયે કર્યો અને ઑક્લહૉમા રાજ્યમાં એનસીએએ ચૅમ્પિયનશિપમાં 2 વખત વિજેતા બન્યા. તેમનો મહત્વનો સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વિજય તે 1986ની ગુડવિલ ગૅમ્સ. 1990માં તેમણે આ વિજયપદક જાળવી રાખ્યું તથા 1987 અને 1991માં પૅન-અમેરિકન ચૅમ્પિયન પણ બન્યા. 1986થી 1990 દરમિયાન, તેમનો આંતરરાષ્ટ્રીય રેકર્ડ 1503નો હતો. 1990માં સલિવન ઍવૉર્ડ જીતનાર તેઓ પ્રથમ અને એકમાત્ર કુસ્તીબાજ બની રહ્યા.
મહેશ ચોકસી