સ્પૅનિશ કળા
January, 2009
સ્પૅનિશ કળા : સ્પેનની ચિત્રકળા અને શિલ્પકળા. સ્પેનનો કળા-ઇતિહાસ લાંબો છે. પ્રાગૈતિહાસિક સમયની – 25,000 વરસોથી પણ વધુ પ્રાચીન ચિત્રકૃતિઓ ધરાવતી આલ્તામીરા ગુફાઓથી સ્પેનની કળાયાત્રાનો આરંભ થાય છે; પણ એ પછી સ્પેનના કળા-ઇતિહાસમાં ત્રેવીસેક હજાર વરસનો ગાળો (gap) પડે છે. ત્યાર બાદ ઈસવી સનનાં પ્રારંભિક વરસો દરમિયાન રોમન સામ્રાજ્યના પ્રતાપે રોમન શૈલીની કલાકૃતિઓ અહીં અસ્તિત્વમાં આવેલી, પણ તેમાંથી આજે માત્ર જૂજ જ બચી જવા પામી છે. રોમન સામ્રાજ્યના અંત પછી પાંચમીથી સાતમી સદી દરમિયાન જર્મનીથી અહીં આવેલી વિલિગૉથ પ્રજાએ અહીં સામ્રાજ્ય સ્થાપી કાયમી વસવાટ શરૂ કર્યો; છતાં અહીં એ સમયની કોઈ કલાકૃતિ જળવાઈ શકી નથી.
711માં ઉત્તર આફ્રિકાથી આવેલા મુસ્લિમ આરબોએ સમગ્ર સ્પેન અને પોર્ટુગલ પર સત્તા જમાવતાં તે બાકીના યુરોપથી અલગ પડી ગયું અને તેની પર આફ્રિકાની મુસ્લિમ–મૂર સંસ્કૃતિની અસર પડી અને તે ઇસ્લામના ગાઢ પ્રભાવ હેઠળ આવ્યું. 914થી ઉત્તર અને પશ્ચિમ યુરોપનાં ખ્રિસ્તી રાજ્યોએ સ્પેન પર આક્રમણો કરવાં શરૂ કર્યાં અને 1492 સુધીમાં તેમણે સમગ્ર સ્પેનને મુસ્લિમ આરબ–મૂર સત્તામાંથી મુક્ત કર્યું. 711થી 1492 સુધીનાં લગભગ આઠસો વરસની સ્પૅનિશ કળા મૂર કળા નામે ઓળખાઈ; પરંતુ આ આઠ સદી દરમિયાન મુસ્લિમ ધર્મને લગતી કળા ઉપરાંત ખ્રિસ્તી અને યહૂદી ધર્મો માટેની કળા પણ સ્પેનમાં સર્જાઈ હતી જ; કારણ કે સ્પેનમાં મુસ્લિમ સત્તા હોવા છતાં મોટા ભાગની પ્રજા ખ્રિસ્તી અને યહૂદી હતી. અલ્હેમ્બ્રા–ગ્રૅનેડા ખાતેના ભવ્ય સિંહની મૂર્તિઓ (1354–1391) તથા યહૂદી પોથી-ચિત્રો (940–945) મૂર સત્તાકાળ હેઠળ સર્જાયેલી બિન-મુસ્લિમ કળાનાં ઉત્તમ ઉદાહરણ છે.
મૂર સત્તાકાળ દરમિયાન કોર્ડોબાની ગ્રેટ મૉસ્ક પર ઇસ્લામિક શૈલીમાં ફૂલપાંદડી ભૌમિતિક શૈલીમાં કોતરકામ થયું; પરંતુ સાથે સાથે માદિનાત-અલ્-ઝારા(Madinat-al-Zahra)માં મુસ્લિમ ધર્મને લગતાં એવાં ચિત્રો પણ ચીતરાયાં, જેમાં માનવઆકૃતિઓ પણ છે. (આ ચિત્રો આજે નષ્ટપ્રાય છે. મધ્યયુગમાં સ્પેનમાં ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મો દ્વારા આશ્રિત કલામાં માનવ-આકૃતિઓનું આલેખન સમાંતર રીતે થતું રહ્યું.)
કૅરોલિનિયન રેનેસાંના એક અગ્રણી વિદ્વાન એલ્ચિન(વચ્ચે)ને દર્શાવતું ચિત્ર
અસ્તુરિયાસ પ્રાંતમાં ઓવીડો (Oviedo) ખાતે રાજા આલ્ફોન્ઝો બીજા માટે બાંધેલા ચર્ચ જુલિયાન દ લોસ પ્રાદોસમાં આશરે 812થી 842 સુધીમાં આલેખવામાં આવેલાં ખ્રિસ્તી ભીંતચિત્રોમાં ફ્રાન્સના કૅરોલિનિયન (Carolingian) સામ્રાજ્યની રોમાનેસ્ક (Roma-nesque) શૈલી સાથે આરબ શૈલીનો સમન્વય જોઈ શકાય છે.
બારમી સદીમાં સ્પેનમાં પહેલી વાર સાન ઇસિદ્રો કેથીડ્રલમાં સ્પષ્ટ રોમાનેસ્ક શૈલીનાં શિલ્પ સર્જાયાં. ફ્રાંસથી સ્પેનના સાન્તિયાગો દે કૉમ્પોસ્તેલા સુધીના તીર્થાટન-માર્ગ પર સેંટ ડોમિન્ગો દે સિલોસ જેવાં સંખ્યાબંધ દેવળોમાં રોમાનેસ્ક શૈલીમાં શિલ્પ કંડારાયાં. કેટેલોનિયાનાં દેવળોમાં ભીંતચિત્રોની સ્થાનિક મૌલિક શૈલી વિકસી. ઉપરાંત કેસ્તિલેના રાજા આલ્ફોન્ઝો દસમાની પનાહ હેઠળ ત્યાં પણ એક સ્થાનિક મૌલિક ચિત્રશૈલીનો વિકાસ થયો. ‘કૅન્ટિગાસ દે સાન્તા મારિયા’ જેવી પોથીઓમાં આ સ્થાનિક શૈલીમાં ચિત્રો આલેખાયાં. તેમાં શિકાર, બુલફાઇટ, ઉજાણી, ખૂનામરકી જેવા ધર્મેતર વિષયોની સાથે ખ્રિસ્તી ધાર્મિક ચમત્કારોના પ્રસંગોનું નિરૂપણ છે.
ચૌદમી અને પંદરમી સદી દરમિયાન ભૌતિક સમૃદ્ધિ વધી અને પરિણામે નવાં ખ્રિસ્તી દેવળોના બાંધકામ સાથે જૂનાં દેવળોમાં શિલ્પ અને ચિત્ર દ્વારા નવા શણગાર કરવામાં આવ્યા. તત્કાલીન યુરોપમાં પ્રવર્તમાન ગૉથિક શૈલીને પ્રતાપે સ્પેનમાં સ્પૅનિશ-ગૉથિક શૈલી અસ્તિત્વમાં આવી, જે ફ્રૅંકો-ગૉથિક, ઇટાલો-ગૉથિક, ફ્લૅમિશ-ગૉથિક, જર્મન-ગૉથિક અને બ્રિટિશ-ગૉથિક જેવી બીજી પ્રાદેશિક યુરોપિયન શૈલીઓની સમકક્ષ ગણાઈ. સ્પેનના રાજવી યુગલ ફર્ડિનાન્ડ અને ઇસાબેલા(રાજ્યકાળ : 1474–1516)નાં સંતાનોના લગ્નસંબંધો બર્ગન્ડી અને વિયેનાના રાજવીઓનાં સંતાનો સાથે થયા અને વળી સમગ્ર પશ્ચિમ યુરોપ સાથે સ્પેનનો વેપાર વિકસ્યો તેથી યુરોપની અન્ય પ્રાદેશિક ગૉથિક શૈલીઓનો પ્રભાવ પણ સ્પૅનિશગૉથિક શૈલીએ ઝીલ્યો. બાર્સેલોનામાં 1346થી 1356 સુધીમાં ચિત્રકાર ફેરર બાસાએ ચીતરેલ ભીંતચિત્રોમાં ઇટાલિયન ગૉથિક-રેનેસાં-ચિત્રકાર જિયોત્તો(Giotto)નો પ્રભાવ સ્પષ્ટ છે. સ્પેનમાં ચર્ચે વેદીચિત્રોને ખાસ મહત્વ આપ્યું જણાય છે. આ ચિત્રો ઘણી વાર ચિત્ર અને શિલ્પના મિશ્રણ જેવાં ઊપસેલાં ત્રિપરિમાણી અને બહુરંગી છે. ચૌદમી-પંદરમી સદીમાં બોરાસા, માર્તોરેલ, દાલ્મો, જોમ સેરા, બાકો અને હુગેટ જેવા ચિત્રકારોએ વેદીચિત્રો સર્જવામાં સ્પેનના કેટેલોનિયા, વાલેન્શિયા અને તારાગોના પ્રાંતોમાં નામના મેળવી. વળી, બાકીના પશ્ચિમ યુરોપિયન દેશોથી વિપરીત ઇટાલીની જેમ સ્પેન પણ દક્ષિણમાં કર્કવૃત્તથી નજીક હોવાથી ઇટાલીની જેમ સ્પેનમાં તડકો લગભગ બારેમાસ ઉપલબ્ધ હોય છે. તેથી બાકીના યુરોપિયન દેશોમાં આકાશમાં રહેલા આછાપાતળા સૂર્યપ્રકાશને ચર્ચમાં લઈ આવવા કાચની મોટી બારીઓ પ્રયોજાઈ. તેવી બારીઓ ઇટાલી અને સ્પેનમાં પ્રયોજાઈ નહિ. (કારણ કે આ બે દેશમાં તેમની જરૂર નહોતી.) તેથી પશ્ચિમ યુરોપના બાકીના દેશોથી વિપરીત ઇટાલીમાં અને સ્પેનમાં ચર્ચની અંદર રંગીન કાચ વડે ચિત્રો સર્જાયાં નહિ.
ચિત્રકાર જુઆન જુઆનેસે આલેખેલું ચિત્ર : ‘ધ લાસ્ટ સપર’
પંદરમી સદીના ઉત્તરાર્ધમાં સ્પૅનિશ કળા ઉપર ઉત્તર યુરોપનો પ્રભાવ વધ્યો; તેમાં પણ ખાસ કરીને ફ્લૅન્ડર્સ અને ઇટાલીનો. બાર્મેહો (Barmejo), ગાલેગો, ઇન્ગ્લેસ, પેદ્રો બેરુગટે, મૅકિપ, વાર્ગાસ, યાનેઝ, માચુકા, જુઆન જુઆનેસ (Juan Juanes), મોરાલેસ અને આલેહો ફર્નાન્ડિઝ (Alejo Fernandez) જેવા ચિત્રકારોમાં આ પ્રભાવ સ્પષ્ટ છે.
સોળમી અને સત્તરમી સદીનો સમય સ્પૅનિશ કળાનો સુવર્ણયુગ ગણાયો છે. આ બસો વરસની સ્પૅનિશ કળામાં કૅથલિક ધર્મશ્રદ્ધા એકમાત્ર વિષય બની રહે છે. ઇટાલી અને પશ્ચિમ યુરોપના અન્ય દેશોથી વિપરીત સ્પેનમાં આ રેનેસાં-યુગમાં ધર્મનિરપેક્ષ (secular) કળા પાંગરી નહિ, કારણ કે સ્પેનમાં રાજદરબારોએ અને ચર્ચે માત્ર ધાર્મિક કળાને આશ્રય આપ્યો. ઇટાલીથી તોરિજિયાનો ફાન્ચેલી જુની અને વિજાર્ની જેવા શિલ્પીઓ સ્પેન આવી ચર્ચ અને કબ્રસ્તાનોમાં ધાર્મિક શિલ્પો કંડારી ગયા તો એ સાથે ઓર્દોનેઝ, બેકેરા, ડિયેગો દ સિલો જેવા સ્પૅનિશ ચિત્રકારો અને શિલ્પીઓ ઇટાલી જઈ કલાસર્જન કરી આવ્યા અને પછી સ્પેનમાં સ્થિર થયા. મૂળ ગ્રીસનો ચિત્રકાર એલ ગ્રેકો ઇટાલીમાં વેનિસ ખાતે કલાઅભ્યાસ કરીને તોલેડો આવી વસેલો; છતાં એનાં ચિત્રોમાં વેનેશિયન શૈલીના મધુર રંગો નહિ, પણ અંધારી પશ્ચાદભૂમાં તીવ્ર ઝળહળાટથી ચળકતા ઘેરા ભડક રંગો અને પીંછીના ખરબચડા લસરકા જોવા મળે છે. એલ ગ્રેકોની માફક જ રિબાલ્ટા અને ઝુર્બારાનનાં ચિત્રોમાં તીવ્ર મનોભાવોની ઉત્કટ અભિવ્યક્તિ થયેલી જોવા મળે છે. એથી વિપરીત પાકેહો-(Pacheeo)નાં ચિત્રોનું વાતાવરણ હળવું છે.
ઝુર્બારાનનું ચિત્ર : ‘ધ બર્થ ઑવ્ વર્જિન’
રેનેસાંના પ્રારંભથી જ ઇટાલીમાં ધાર્મિક શિલ્પ સૌંદર્યલક્ષી આદર્શોનું વાહન બન્યું હતું; પરંતુ સ્પેનમાં તે ઊંડા ભક્તિભાવની અભિવ્યક્તિથી આગળ વિકાસ પામી શક્યું નહિ. પરિણામે તીવ્ર યાતનાથી પીડાતા લોહી નીગળતા ક્રાઇસ્ટ અને ચોધાર આંસુ સારતી રોતલ મેરીની જોતાં દયા ઊપજે તેવી મૂર્તિઓનું વ્યાપક ચલણ સ્પેનમાં રહ્યું. ચર્ચની અંદર તેમજ બહાર શોભાયાત્રાઓમાં આવી જ મૂર્તિઓની પ્રતિષ્ઠા થતી. શિલ્પીઓ પેદ્રો રોલ્ડાન (Pedro Roldan), માર્તિનેઝ મોન્તાનેઝ (Martinez Montaes), જુઆન મેસા તથા મોસા બંધુઓનાં આવી મૂર્તિઓ ઘડવા-કંડારવામાં અગ્રણી નામો છે.
સ્પૅનિશ રાજવીઓએ ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર તિશ્યોં(Titian)નાં ચિત્રોની મોટા પાયે આયાત કરી. તિશ્યોંને આદર્શ માની સાન્ચેઝ કોએલો (Sanchez Coello) મોર, સોફોનિસ્ફા, ઍન્ગ્વિસોલા, પાન્તોહા ક્રૂઝ, નેવેરાટે (Navarrete) અને લુઈસ કાર્વાહાલે (Carvajal) રાજવીઓ, દરબારીઓ, શ્રીમંત વેપારીઓ તથા ચર્ચના પાદરીઓનાં વ્યક્તિચિત્રો આલેખ્યાં.
સ્પેનમાં પદાર્થચિત્રણા(still life)ની શરૂઆત તોલેડો ખાતે સાન્ચેઝ કોટાને(Sanchez Cotan) 1602માં કરી. 1619થી મૅડ્રિડમાં પણ હામેને પદાર્થચિત્રો ચીતરવાં શરૂ કર્યાં.
વેલાસ્ક્વેથનું ચિત્ર : ‘લા મેનિના’
રાજા ફિલિપ બીજાએ 1560 પછી સ્પેનની રાજધાની મૅડ્રિડમાં ખસેડી. એની પનાહ હેઠળ વેલાસ્ક્વેથ (Velazquez) અને કાનો જેવા ચિત્રકારો પાંગરી શક્યા. સોળમી સદીના અંતમાં મુરિલ્યો, વાલ્દેસ લીલ, પેરેડા અને હેરેરા જેવા ચિત્રકારોએ તીવ્રોત્કટ ધાર્મિક ભક્તિભાવ નિરૂપતાં ચિત્રો સર્જ્યાં.
નિર્દોષ સ્પેનવાસીઓની ફ્રેન્ચ લશ્કર દ્વારા થતી ક્રૂર હત્યાને આલેખતું ગોયાનું ચિત્ર
1700માં હેબ્સ્બર્ગ વંશના છેલ્લા રાજાનું મૃત્યુ થતાં ફ્રેંચ બૂર્બોં વંશનો ફિલિપ ચોથો રાજા બન્યો. ફિલિપ ચોથાએ માત્ર ઇટાલિયન અને ફ્લૅમિશ ચિત્રકારોને રાજદરબારમાં સ્થાન આપ્યું. સ્પેનનો મૂળ વતની ચિત્રકાર ગોયા છેક 1775 પછી દરબારમાં માનભર્યું સ્થાન મેળવી શક્યો. 1824માં તેનો દેશનિકાલ થયો ત્યાં સુધીમાં અમાનવીય રાજકીય દમન, ચર્ચના ઇન્ક્વિઝિશન મારફત આચરવામાં આવતી ક્રૂર હિંસા અને હત્યા, ગરીબોની દયનીય વ્યથા, માનસિક બીમારની કરુણ લાચારી જેવા મુદ્દાઓને એક આધુનિક કલાકારની માફક તેણે ચિત્રોમાં વાચા આપી. આમ ગોયા સમગ્ર વિશ્વનો પ્રથમ આધુનિક ચિત્રકાર બની રહ્યો. સામંતશાહીથી વિપરીત, સમગ્ર માનવજાતની ચિંતા કરનાર તે વિશ્વનો પ્રથમ ચિત્રકાર છે. હજી સુધી વિશ્વના કોઈ પણ ખૂણે બીજા કોઈ પણ ચિત્રકારે કે શિલ્પીએ દલિતો અને પીડિતો માટે – કચડાતી-રિબાતી માનવજાત માટે આટલો જોરદાર બુલંદ અવાજ ઉઠાવ્યો નહોતો.
બૂર્બોં રાજવંશના સત્તાકાળ દરમિયાન 1752માં સ્પેનમાં ચિત્ર અને શિલ્પ માટેની પહેલી એકૅડેમી ‘સાન ફર્નાન્ડો એકૅડેમી’ મૅડ્રિડ ખાતે સ્થાપવામાં આવી. બાઈયુ, માયેલા જેવા સ્પૅનિશ અને બહારથી આવેલા ત્યાપોલો (Tiepolo), જિયાકિન્તો (Giaquinto), લૂ અને મેન્ગ્સ જેવા ચિત્રકારોએ આ એકૅડેમીમાં તત્કાલીન યુરોપમાં પ્રવર્તમાન ‘નિયૉક્લાસિકલ’ (નવપ્રશિષ્ટ) નામે ઓળખાતી સુષ્ઠુ શૈલીને પ્રતિષ્ઠિત કરી.
અઢારમી સદીમાં સ્પૅનિશ શિલ્પીઓએ લાકડું છોડી આરસમાં શિલ્પ કોતરવાં શરૂ કર્યાં અને પહેલી વાર પારેટ અને મેલેન્ડેઝ જેવા ચિત્રકારોએ નિસર્ગ દૃશ્યો આલેખવાં શરૂ કર્યાં.
ઓગણીસમી સદીમાં મેડ્રાઝોએ શિલ્પી તરીકે મોટું નામ કાઢ્યું. એસ્ક્વિવેલે મૅડ્રિડમાં વ્યક્તિચિત્રો ચીતર્યાં. ચિત્રકારો ફોર્ટુની ઈ માર્સાલ (Fortuni y Marsal), કાસાડો દેલ એલિસાલ (Casado del Alisal) અને ફ્રાન્સિસ્કો લેમેયરે સ્પેનના ઇતિહાસમાંથી પ્રસંગો પસંદ કરી રાષ્ટ્રીય અસ્મિતાની પ્રતિષ્ઠા કરતાં ચિત્રો આલેખ્યાં. ખ્રિસ્તીઓ દ્વારા યહૂદીઓ પર થયેલા અત્યાચારો અને ખ્રિસ્તી ધર્મપ્રચાર માટેનાં યુદ્ધો(ક્રુઝેડો)નાં વરવાં પાસાં પણ તેમણે આલેખ્યાં. ચિત્રકાર સોરોલાએ નિસર્ગચિત્રો ઉપરાંત સ્પૅનિશ લોકકથાઓનું આલેખન કર્યું.
બાર્સેલોનામાં રુસિનોલ, રામોન કાસાસ, નોનેલ અને પાબ્લો પિકાસો જેવા ચિત્રકારોએ આધુનિક ફ્રેંચ પ્રભાવવાદનાં મંડાણ કર્યાં. 1900માં પિકાસોએ પૅરિસ જઈ મોટી નામના મેળવી અને ઘનવાદની સ્થાપના કરી. આ ઉપરાંત મારિયા બ્લૅન્કાર્ડ, ઝૂલોયાગા, જુઆન ગ્રીસ, સાલ્વાડૉર ડાલી અને મીરો જેવા ચિત્રકારોએ અભિવ્યક્તિવાદ, પરાવાસ્તવવાદ, ઘનવાદ જેવા આધુનિક પ્રવાહોમાં કલાસર્જન કર્યું. શિલ્પી જુલિયો ગોન્ઝાલેઝે ધાતુમાંથી શિલ્પ કંડાર્યાં. ચિત્રકારો અને શિલ્પીઓ મોડેસ્ટ કુઈહાર્ટ (Modest Cuixart), મૅનોલો મિલારેસ, ઍન્તોનિયો સૌરા, રફાયેલ કાનોગાર, લુઈસ ફેઈટો, ઍન્તોની ટાપીસ, એદુઆર્દો ચિલિડા, એન્તોનિયો લોપેઝ વગેરેએ આધુનિક કલામાં મોટું યોગદાન આપ્યું છે.
અમિતાભ મડિયા