સ્પૅનિશ ભાષા અને સાહિત્ય : મૂળ ઇન્ડો–યુરોપિયન ભાષાકુળના ઇટાલિક ઉપકુળની રૉમાન્સ ભાષાજૂથની સ્પૅનિશ ભાષા; ઇબિરિયન દ્વીપકલ્પ, સ્પેન, અમેરિકા ખંડ અને આફ્રિકા ખંડના 25 કરોડથી વધુ માણસો દ્વારા બોલાતી અને લખાતી હતી. સ્પેનના લૅટિન લખાણોમાં ટીકા કે વિવરણ સ્વરૂપમાં સ્પૅનિશ ભાષાના નમૂના ઈ. સ.ની દસમી સદીના ઉપલબ્ધ છે. આશરે 1150માં સાહિત્યના સ્વરૂપમાં તેના ગ્રંથો મળી આવ્યા છે. ખાસ કરીને લૅટિન અમેરિકામાં કાસ્તિલિયન ભાષા તરીકે તે ઓળખાતી હતી. આ એક પ્રકારની બોલી હતી અને તેમાંથી આધુનિક સ્પૅનિશ ભાષાનો ઊગમ થયો હતો. ઉપર્યુક્ત બોલી બર્ગોસ નામના નગરમાં 9મી સદીમાં બોલાતી હતી. ઉત્તર-મધ્ય સ્પેનમાં તે જૂની કૅસ્ટિલ તરીકે ઓળખાતી હતી. મૂર પ્રજાના આક્રમણ બાદ દક્ષિણના પ્રદેશથી લઈને મધ્ય સ્પેનમાં (હવે ન્યૂ કૅસ્ટિલ) મૅડ્રિડ અને ટૉલેડો થઈને 11મી સદીમાં તે પરિપક્વ થઈ હતી. 15મી સદીના અંત ભાગમાં કૅસ્ટિલ અને લિયોનનાં રાજ્યો આરગૉન સાથે ભળી જતાં સ્પેનની રાજ્યભાષા તરીકે કાસ્તિલિયન ભાષાની પ્રતિષ્ઠા થઈ હતી. આરગૉનની પ્રાદેશિક બોલીઓ તરીકે નવારે, લિયૉન, આસ્તુરિયાસ અને સાન્તેન્દર ધીમે ધીમે વિખૂટી પડતી ગઈ અને હવે તો નગરસંસ્કૃતિથી દૂર એકલવાયા ગ્રામવિસ્તારોમાં જ ટકી છે. પોર્ટુગીઝ ભાષાની બોલી ગૅલિસિયનનો ઉત્તર-પશ્ચિમ સ્પેનમાં નહિવત્ લોકો ઉપયોગ કરે છે.

આરબોએ સ્પેન પર 12મી સદી પહેલાં કબજો મેળવેલો. તે પ્રદેશમાં વપરાતી ભાષાને મોઝારાબિક કહેતા હતા. સ્વાભાવિક રીતે જ તેમાં અરબી ભાષાના અનેક શબ્દો વપરાતા હતા.

ઇબિરિયન દ્વીપકલ્પની બહારના પ્રદેશોમાં સ્પૅનિશ ભાષાનો ઉપયોગ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં થતો રહ્યો છે. જોકે બ્રાઝિલ, કૅનરી ટાપુઓ, મૉરોક્કોના કેટલાક ભાગમાં અને ફિલિપાઇન્સમાં તેનો વપરાશ થતો ન હતો. લૅટિન –અમેરિકન સ્પૅનિશને પોતાની પ્રાદેશિક બોલીઓ છે. આ બધી બોલીઓ મુખ્યત્વે કાસ્તિલિયનમાંથી ઊતરી આવી છે. જોકે તે યુરોપની સ્પૅનિશથી બહુધા જુદી પડે છે. લૅટિન–અમેરિકન સ્પૅનિશ ‘S’ અક્ષરના ઉચ્ચારમાં કાસ્તિલિયનથી જુદી પડે છે. કાસ્તિલિયનમાં ‘S’નો ઉચ્ચાર ‘th’ જેવો કરવામાં આવે છે. કોઈ વાર અંગ્રેજીના ‘Z’ જેવો (દા. ત., અંગ્રેજીના Azure અથવા ફ્રેન્ચના Jourના J જેવો) કરવામાં આવે છે.

લૅટિનની વિભક્તિઓ સ્પૅનિશમાં નથી. જોકે સર્વનામમાં તે છે. નામમાં નર અને નારીજાતિ છે. બહુવચન માટે ‘s’ કે ‘es’નો ઉપયોગ થાય છે. વિશેષણોના અંતને નામ સાથે બદલવામાં આવે છે.

સ્પૅનિશ સાહિત્ય : સ્પેનની મુખ્ય ભાષા કાસ્તિલિયનમાં 11મી સદીથી આજદિન સુધી લખાયેલું સાહિત્ય. મધ્યયુગમાં સ્પેનનું સાહિત્ય, ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી સંસ્કૃતિઓની પ્રબળ અસર તળે રચાયું છે.

11મી અને 12મી સદીમાં કાસ્તિલિયન ભાષામાં સૌપ્રથમ ટૂંકાં ઊર્મિકાવ્યો રચાયાં. તેમને આર્કાઝ (Jarchas) કહેતા. અરબી કે યહૂદી કાવ્યોનાં પુસ્તકોમાં તેમને જોડવામાં આવતાં. સ્પેનના, એક ગામથી અન્ય ગામે ફરતાં કવિઓએ કાવ્યો રચેલાં. ઇબિરિયન દ્વીપકલ્પનાં ખ્રિસ્તી રાજ્યોમાં થયેલ સંઘર્ષ અને વિજેતા મૂર સાથેના યુદ્ધની કથા આ કાવ્યોનો મુખ્ય વિષય છે. સ્પૅનિશ મહાકાવ્યો પર જર્મની, અરેબિયા અને ફ્રાન્સની અસર સ્પષ્ટ વરતાય છે. જોકે આમાં સ્પેનના પોતાના સમયની ઐતિહાસિક ઘટનાઓ પણ દેખા દે છે. આમ વાસ્તવિકતા પણ દંતકથાઓની વચમાં દૃષ્ટિગોચર થાય છે. સ્પૅનિશ સાહિત્યનું આગવું લક્ષણ વાસ્તવિકતા પણ છે. ‘પોએમ ઑવ્ ધ સિડ’(આશરે 1140)માં મહાકાવ્યના નાયક એલ સિડનાં દુ:ખ અને વિજયની ગાથા કહેવાઈ છે. સ્પૅનિશ સાહિત્યમાં વર્ણનાત્મક શૈલીમાં લખાયેલું અને ઘટનાનું હૂબહૂ દર્શન કરાવતું આ બેનમૂન કાવ્ય છે.

13મી સદીના વિદ્વાન લેખકોએ લૅટિન ભાષામાં લખાયેલાં સંતોનાં જીવનચરિત્રો, દંતકથાઓ અને પ્રાચીન કથાઓનાં વિષયવસ્તુને ફરી વાર કાસ્તિલિયન કવિતામાં ઢાળી. આ કાવ્યપ્રવૃત્તિ ‘મેસ્ટર દ ક્લેરેશિયા’ના નામથી ઓળખાતી. મઠોમાં તે છંદોબદ્ધ રીતે લખાતી. ગોન્ઝાલો દ બર્શિયોએ પવિત્ર વાર્તાઓને કાવ્યસ્વરૂપ આપ્યું. જૂની વાર્તાઓને આનાથી જોશ અને તાજગી પ્રાપ્ત થયાં. રાજા આલ્ફોન્ઝો દસમાએ ગદ્યસાહિત્ય ખીલવવામાં પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેની રાહબરી નીચે કાયદાશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, અનુવાદકો અને તજ્જ્ઞોએ સાહિત્યનું સર્જન કર્યું. ઇસ્લામ, યહૂદી અને ખ્રિસ્તીઓ કાસ્ટિલના દરબારમાં ભેગા થઈ સાહિત્યનું કામ કરતા. પૌરસ્ત્ય સંસ્કૃતિ પશ્ચિમ યુરોપમાં આવવા લાગી. રાજા આલ્ફોન્ઝોના ભત્રીજા ડૉન વૉન મેન્યુઅલે ગદ્યમાં ‘એલ કૉન્ડે લુકેનૉર’(કાઉન્ટ લુકેનૉર, 1328–1335)ની રચના કરી.

વૉન રુઇઝનું ગદ્ય સ્પૅનિશ સાહિત્યનું ગૌરવ છે. મધ્યકાલીન સમયના આદર્શો અને શૈલીને જાળવી રાખીને તેમણે રેનેસાંમાં હવે પછી પ્રગટ થનાર લક્ષણને અહીં પોતીકી રીતે પ્રગટ કર્યું. ‘લિબ્રો બુયેન ઍમોર’ (1330, 1343; અનુ. બુક ઑવ્ ગુડ લવ, 1968) કાવ્યસંગ્રહ છે. તેમના સમકાલીન અંગ્રેજ કવિ જ્યૉફ્રે ચૉસરની જેમ અહીં હાસ્ય દ્વારા વાસ્તવિક જીવનનું દર્શન કરવામાં આવ્યું છે.

15મી સદીમાં સ્પૅનિશમાં વિપુલ સાહિત્ય રચાયું. ઇનિજિયો લોપેઝ દ મૅન્ડોઝા, માર્કેઝ દ સૅન્તિલ્લાના; વૉન દ મેના અને જૉર્જ મૅન્રિક નોંધપાત્ર કવિઓ છે. મૅન્રિકે ‘સ્ટાન્ઝાઝ ઑન્ ધ ડેથ ઑવ્ હિઝ ફાધર’ પિતાના અવસાન નિમિત્તે લખેલું પ્રશસ્તિકાવ્ય છે. આ સમય દરમિયાન કટાક્ષ અને ઐતિહાસિક લખાણો લખાયાં. સ્પૅનિશ રાજા ફર્ડિનાન્ડ પાંચમો અને ઇઝાબેલા પ્રથમના સંયુક્ત રાજશાસન (1474–1504) દરમિયાન માનવવિદ્યાઓના અભ્યાસને અને સર્જનને પ્રોત્સાહન મળ્યું. એન્તોનિયો દ નેબ્રિજા અથવા લેબ્રિજા (એલિયો એન્તોનિયો માર્તિનેઝ દ જારાવા મોટા ગજાના વ્યાકરણશાસ્ત્રી અને શબ્દકોશકાર હતા. તેમની શ્રેષ્ઠ રચના ‘ગ્રામર ઑવ્ ધ કાસ્તિલિયન લૅન્ગ્વેજ’, 1942) છે. આ સમયની ‘એમેદિસ ઑવ્ ગૉલ’ (1508) સ્ત્રીદાક્ષિણ્યની મહાન નવલકથા છે. 16મી સદીમાં આ પ્રકારની અનેક નવલકથાઓ રચાઈ. ફર્નાન્દો દ રૉજસેનીની ‘ટ્રૅજીકૉમેડી ઑવ્ કાલિસ્તો ઍન્ડ મેલિબિયા’ (1499) ખૂબ નોંધપાત્ર નવલકથા છે. જોકે મિગેલ દ સર્વાન્તિસની લખેલ ‘દૉન કિહોતે’ અત્યંત જાણીતી નવલકથા છે. રૉજસેનીની નવલકથા ‘લા સીલેસ્તિના’ સંવાદના સ્વરૂપમાં વર્ણનાત્મક અને નાટ્યશૈલીમાં રચાઈ છે. કૅલિસ્તો અને મેલિબિઆ નામના પ્રેમીઓની એ કથા છે. માનવસ્વભાવનાં અતલ ઊંડાણોમાં જઈ માનવજીવનની કરુણાંતિકાનું બયાન તેમાં અદભુત શૈલીમાં પ્રગટ થયું છે. સ્પૅનિશ સાહિત્યના સુવર્ણયુગની શરૂઆત આ કૃતિએ શરૂ કરી આપી.

રાજા ચાર્લ્સ પહેલા(1516–1556)ના સમયમાં સ્પેનની સત્તા યુરોપના મોટા ભાગ પર પથરાઈ હતી. ડચ સાક્ષર દેસીદેનસ ઈરેસ્મસના વિચારોની અસર પ્રબળ હતી. વૉન લુઇસ વાઇવેસ અને વૉન વૈદેસના ગ્રંથોનો વિશાળ વાચકવર્ગ હતો. ફ્રાન્સિસ્કન મઠગુરુ ઍન્ટોનિયો દ ગેવારા ય દ નૉરૉના પ્રસિદ્ધ ચિંતક હતા. સ્પૅનિશ પ્રબુદ્ધકાળના ઇતિહાસકારોમાં દીગો હર્તાદો દ મેન્ડોઝા અને જેસ્યુઇટ વૉન દ માનાનાનું નામ પ્રશંસનીય છે.

કાલ્પનિક ગોપબાળોનાં કાવ્યોને સાંકળતી ગોપકવિતા પ્રબુદ્ધકાળનું વિશિષ્ટ કાવ્યસ્વરૂપ છે. તે કાળને સ્પેનના સાહિત્યનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. કાવ્યમાં સૉનેટ, ઓટાવા રિમા, કૅન્ઝૉન, ટર્સેટ અને બ્લૅન્ક વર્સનો ઉપયોગ સ્પેનના કવિઓ સુપેરે કરી બતાવે છે. વૉન બોસ્કાન આલ્મોગેવર અને ગાર્સિયાસો દ લા વેગાનાં નામ કવિઓ તરીકે આગળ તરી આવે છે. સ્પેનના સાહિત્યમાં પરંપરા અને નવીનતા બંને દૃષ્ટિગોચર થાય છે. મઠવાસી સાધુ અને સાક્ષર લુઈ પૉન્સ દ લિયૉન, જે ફ્રે લુઇસ દ લિયૉન તરીકે વધુ જાણીતા હતા. તેમની કવિતામાં ખ્રિસ્તી ધાર્મિક શ્રદ્ધા સૌંદર્ય સહિત પ્રગટ થાય છે. તેમની ઓળખ સેંટ જ્હૉન ઑવ્ ધ ક્રૉસ તરીકે થઈ છે. કાર્મેલાઇટ સાધુ વૉન દ યેપેઝ ય અલવારેઝની કવિતા સ્પૅનિશ સાહિત્યમાં સૌથી વધુ વેધક અને તેજસ્વી છે. માનવપ્રેમના સંદર્ભમાં અહીં કવિ પરમાત્માનો રહસ્યમય સાક્ષાત્કાર પામવાના વિષયને કાવ્યમાં વણે છે. ફર્નાન્ડો દ હેરેટા ધૂની કે તરંગી મિજાજને અનુકૂળ એવી શૈલીનું કવિતામાં સર્જન કરે છે. આ શૈલીમાં રૂપકોનો અતિરેક થાય છે. 17મી સદીના સ્પૅનિશ સાહિત્યની તે વિશેષતા ગણાય છે. લુઇસ દ ગૉન્ગોરા ય આર્ગોત આ શૈલીનો સમર્થ કવિ છે. તેનાથી ‘ગોન્ગોરીવાદ’ શબ્દ પ્રચલિત બને છે. સ્પૅનિશ ઊર્મિકવિતાનો તે બેનમૂન કવિ છે. ફ્રાન્સિસ્કો ગૉમેઝ દ ક્વેવેદો ય વિલેગેસ પણ કવિ છે.

રહસ્યવાદી અને સંયમી લેખકોનું ગદ્યલખાણ 16મી સદીના ઉત્તરાર્ધની સિદ્ધિ ગણાય છે. મઠના સાધુ છે લુઇસ દ ગ્રૅનાડા અને કાર્મેલાઇટ સાધ્વી સેંટ ટેરેસા ઑવ્ એવિલા રહસ્યવાદનાં વિશિષ્ટ ગદ્યલેખકો છે. ફ્રાન્સિસ્કો સુઆરેઝ તે યુગના તત્વચિંતક છે.

1550ની આસપાસ સ્પૅનિશ સાહિત્યમાં પેસ્ટોરલ નૉવેલ, મૂરિશ નૉવેલ અને પિકારેસ્ક નૉવેલ નામનાં નવાં સ્વરૂપોની માંડણી થાય છે. ગોપકથા (pastoral novel) કાલ્પનિક ગોપબાળોની વાત લઈને આવે છે. ઇટાલી અને પોર્ટુગલમાં આ સ્વરૂપ સારી પેઠે પ્રયોજાયું હતું. પોર્ટુગીઝ લેખક જોર્ગ દ મૉન્ટેમેયર લિખિત ‘ધ ડાયેના’ (1559 ?) શ્રેષ્ઠ ગોપકથા છે. મૂરિશ નૉવેલ સ્પૅનિશ સાહિત્યની આગવી શોધ છે. મૂર આક્રમકોની સામે સ્પૅનિશ પ્રજાએ કરેલ યુદ્ધોની તે નવલકથા છે. ‘ધી એબેનસેરેગી’ (1598) અનામી લેખકનું સર્જન છે. ગોપકથા અને મૂરકથા બંને માનવસ્વભાવનાં આદર્શ કલ્પનો રજૂ કરે છે. ‘લેઝેરિલો ઑવ્ ટોર્મસ’ (1554) સમાજના નિરાશાજનક ચિત્રનું નિર્માણ કરે છે. 17મી સદીની શરૂઆતમાં સ્પૅનિશ સાહિત્યમાં લખાતી રખડુ અને લુચ્ચા લોકો વિશેની કથાને પિકારેસ્ક નવલકથા કહેતા. મિગેલ દ સર્વાન્તિસ સાવેદ્રાની નવલકથા ‘ધ હિસ્ટરી ઑવ્ ધ વેલોરસ ઍન્ડ વિટ્ટી નાઇટઇરેન્ટ, દૉન કિહોતે ઑવ્ ધ માંચા’ (1612–1620) પિકારેસ્ક નવલકથા છે. ‘દૉન કિહોતે’માં સ્વપ્નજગત અને વાસ્તવિકતા સાથે સંઘર્ષ થતો રહે છે. સાંકો પાન્ઝાનું પાત્ર પણ એવું જ વાસ્તવિક છે. સ્પૅનિશ સમાજનું સંપૂર્ણ દર્શન આ નવલકથામાં થાય છે. ‘દૉન કિહોતે’ની અસર પછીથી સદીઓ સુધી યુરોપ પર રહી અને તેના આધારે નવા પ્રકારની નવલકથાઓ રચાતી રહી. ‘ઍક્ઝેમ્પ્લરી નૉવેલ્સ’ (1613; અનુ. 1638), 12 લઘુનવલકથાઓ પણ સર્વાન્તિસે લખી. તેમનો ‘ધ ટ્રાવેલ્સ ઑવ્ પર્સિલેસ ઍન્ડ સિગિસ્મુન્ડા’ (1617 : અનુ. 1619) નોંધપાત્ર કૃતિ છે.

‘ધ રૉયલ પૉલિટિશિયન’ (1640; અનુ. 1700)માં દીગૉ સાવેદ્રા ય ફાજાર્દોએ આદર્શ ખ્રિસ્તી રાજવીનું ચરિત્રચિત્રણ આપ્યું છે. ક્વેવેદો રચિત ‘સ્ટ્રેન્જલી ડિસ્પ્લેડ’ (1627; અનુ. 1640) કટાક્ષ છે. સમાજના દુર્ગુણોનું તેમાં બયાન છે. બેલ્ટાઝાર ગ્રેશિયનનું દૃષ્ટાંતરૂપક ‘ધ ક્રિટિક’ (1651–1657; અનુ. 1681). માનવઅનુભવનું નિરાશાજનક અર્થઘટન છે. આ બધાં ગદ્યસર્જનો ‘કનસેપ્ટિસ્મો’ નામની શૈલીમાં લખાયાં છે; જેમાં લેખક પોતાના વિચારોને ટૂંકાંમાં ટૂંકાં વાક્યોમાં રજૂ કરે છે.

ક્વેવેદો સ્પેનના રાજકીય, સામાજિક અને આર્થિક જીવનને આબેહૂબ રજૂ કરે છે. ‘ધ ટ્રુ કેરેક્ટર્સ ઑવ્ અ કિંગ ઍન્ડ ઑવ્ અ ટાયરન્ટ’ (1635; અનુ. 1715) અને ‘ધ લાઇફ ઑવ્ માર્કસ બ્રુટસ’ (1644) તેમના અગત્યના ગ્રંથો છે.

નાટ્યક્ષેત્રે સ્પૅનિશ સાહિત્યનો સુવર્ણયુગ સૌથી છેલ્લે આવે છે. ગિલ વિસેન્ટ 16મી સદીની શરૂઆતના મહત્વના નાટ્યકાર છે. આ પોર્ટુગીઝ નાટ્યકારે સ્પૅનિશ અને પોર્ટુગીઝ ભાષામાં સાહિત્યસર્જન કર્યું છે. વૉન દ લા ક્વેવા દ લા ગેરૉઝા અને ગ્વિલેન દ કાસ્ટ્રો ય બેલિવિસ અગત્યના નાટ્યકારો છે. આમાં બેલિવિસની નોંધપાત્ર કૃતિ ‘ધી યુથફુલ ડીડ્ઝ ઑવ્ ધ સિદ’ (1618; અનુ. 1969) છે.

સ્પેનની પ્રતિભાને નાટ્યકવિ લોપ દ વેગા કાર્પિઓની જેમ કોઈ અન્ય સાહિત્યકારે ભાગ્યે જ અભિવ્યક્ત કરી હશે.

‘સ્પૅનિશ કૉમેડિયા’ ત્રણ અંકમાં રચાયેલું નાટક છે અને તેમાં ‘કૉમેડી’ અને ‘ટ્રૅજેડી’નું સંમિશ્રણ થાય છે. ગ્રીસના પ્રાચીન શિષ્ટ ગ્રંથોમાં નિર્દેશેલ નાટ્યશાસ્ત્રના નિયમોનું પાલન આ કૉમેડિયામાં થતું નથી. સાક્ષર અને નિરક્ષર ઉભયને ગમે તેવું આ નાટક હતું. લોપનાં 500 જેટલાં નાટકો ઉપલબ્ધ છે. ફ્યુન્તીઓવેજુના (1612–1614), પેરિબેનેઝ (1614–1616; અનુ. 1961) અને ‘ધ નાઇટ ઑવ્ ઑલ્મેદો (1620–1625; અનુ. 1961) નોંધપાત્ર નાટકો છે. તિર્સો દ મૉલિનાનું ‘ધ ટ્રિક્સ્ટર ઑવ્ સેવિલ ઍન્ડ હિઝ ગેસ્ટ ઑવ્ સ્ટૉન’(1630; અનુ. 1959)માં સ્પૅનિશ નાયક ડૉન વૉનનું પાત્ર આવે છે. વૉન રુઇઝ દ આલાર્કોન મેન્ડોઝાએ આ પરંપરામાં ‘કૉમેડી ઑવ્ મેનર્સ’ પ્રકારનાં નાટકો રચ્યાં. પેદ્રો કાલ્દેરૉન દ લા બાર્કા નોંધપાત્ર નામ છે. ‘લાઇફ ઇઝ ડ્રીમ’ (1635; અનુ. 1925) જીવનના દૈવી અને ક્ષણભંગુર  એવાં બંને પાસાંને રજૂ કરે છે. ગ્રામીણ નાટકના માનમરતબાવાળા વિષયને લઈને તે રચાયું છે. સુવર્ણયુગનું સૌથી વધુ રસપ્રદ સર્જન તે ‘ઑટો સેક્રામેન્ટલ’ છે; જે કોઈ રૂપકને લઈ ધાર્મિક નાટક નિમિત્તે પ્રગટ થયું છે. કાલ્ડેરૉનનું ‘ધ મેયર ઑવ્ ઝેલામિયા’ (1642; અનુ. 1906) ગ્રામીણ નાટકના સુંદર અને પૂર્ણ નમૂનારૂપ છે.

17મી સદીમાં સ્પેન રાજકીય અને આર્થિક રીતે અસ્ત પામ્યું. કલાસર્જનમાં પણ તેની ગતિ લગભગ સ્થગિત થઈ ગઈ. વૉર ઑવ્ ધ સ્પૅનિશ સક્સેશન (1701–1714) અને ફર્સ્ટ બૉર્બોન સમ્રાટોના શાસન (1700–1759) દરમિયાન આ પતનનો સમય ચાલુ રહ્યો. માત્ર મઠસાધુ બેનિટો જેરોનિમો ફિજૂ ય મૉન્ટેનેગ્રો પોતાના જમાનાના અજ્ઞાન અને સાંકડી મનોવૃત્તિ વિરુદ્ધ સ્વાતંત્ર્ય, બુદ્ધિમત્તા અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા પ્રભાવક નિબંધકાર છે.

સ્પૅનિશ રાજા ચાર્લ્સ ત્રીજાના શાસન (1759–1788) દરમિયાન ફ્રાન્સની અસર તળે જીવન પ્રત્યેના નવા અભિગમનો અને કલામાં નવશિષ્ટ સ્વરૂપોનો મહિમા થયો. નિકોલસ ફર્નાન્ડીઝ દ મોરાટિન અને તેમના પુત્ર લિયાન્દ્રો ફર્નાન્ડીઝ દ મોરાટિન સાહિત્યકારો હતા. ‘વ્હેન ધ ગર્લ્સ સે યસ’ (1805) લિયાન્દ્રોનું સુપ્રસિદ્ધ નાટક છે. રામૉન દ લા ક્રૂઝ સ્પૅનિશ પરંપરામાં હાસ્યપ્રધાન એકાંકી નાટકને જીવંત રાખે છે.

નિકોલસ, લિયાન્દ્રો, ગૅસ્પર મેલ્કોર દ જૉવેલાનોઝ, વૉન મેલૅન્ડેઝ વાલ્દેઝ, જૉસ દ કાદાલ્ઝો ય વાઝ્કેઝ નોંધપાત્ર કવિઓ છે. કાદાલ્ઝો નાટ્યકાર અને નિબંધકાર પણ હતા. તેમના નિબંધોએ ‘મૉરોક્કન લેટર્સ’ (1793) અઢારમી સદીના ઉત્તરાર્ધમાં વિવાદાસ્પદ લખાણની સ્પૅનિશ પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં ધિંગી મદદ કરેલી.

ઓગણીસમી સદીની શરૂઆતમાં મૅન્યુઅલ જૉસે ક્વિન્ટાના જેવા કવિઓએ શિષ્ટ સાહિત્યની સાથે સાથે રોમૅન્ટિક પરંપરા પણ જાળવી રાખી હતી.

સ્પેનના સુવર્ણયુગની અસર અન્ય દેશોના રોમૅન્ટિક કવિઓ પર થઈ હતી. સ્પૅનિશ નાટકમાં એન્જેલ દ સાવેદ્રા જેવા નાટ્યકારોએ રોમૅન્ટિક પ્રણાલિકા દાખલ કરી હતી. ‘દૉન આલ્વારો ઑર ધ ફૉર્સ ઑવ્ ડેસ્ટિની’ (1835) આ શૈલીનું જાણીતું નાટક હતું. આ ઉપરાંત જૉસ ઝોરિલ્લા ય મોરાત, જૉસ દ એસ્પ્રોનેદા અને ગુસ્તાવો એદોલ્ફો બેકર સ્પૅનિશ કવિઓનાં નામ જાણીતાં છે. મારિયાનો જૉસ દ લારા ગદ્ય અને પદ્ય તથા નાટકો લખતા.

19મી સદીના ઉત્તરાર્ધમાં સ્પેનના સાહિત્યમાં વાસ્તવિક નવલકથા ખૂબ જાણીતી બની. બેનિતો પૅરેઝ ગેલ્દોઝનું નામ નવલકથાકાર તરીકે ખાસ નોંધપાત્ર છે. તેમણે 46 ઐતિહાસિક નવલકથાઓ ‘નૅશનલ એપિસોડ્ઝ’(1873–1879 અને 1897–1912)ની રચના કરી. તેમણે સ્પૅનિશ સમકાલીન ઇતિહાસનું નવલકથાની રીતે અર્થઘટન કરી આપ્યું. ‘દોના પર્ફેક્ટા’ (1876; અનુ. 1880) અને ‘ફોર્ટુનાટા ઍન્ડ જેસિન્ટા’ (1886–87) તેમની નોંધપાત્ર કૃતિઓ છે.

સ્પેનના અન્ય ભાગોને અન્ય નવલકથાઓમાં રજૂ કરવામાં આવ્યા છે. જૉસ મારિયા દ પર્સેદા, પેદ્રો આન્તોનિયો દ એલાર્કોન, વૉન વેલેરા ય આલ્કેલા ગેલિયાનો અને કાઉન્ટેસ એમિલિયા પાર્દો બાઝાન નોંધપાત્ર લેખકો છે. નવલકથાકારો આમેન્દો પેલેસિયો વાલ્દેઝ અને વિન્સેન્ત બ્લાસ્કોઇબાનેઝ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા હતા. માર્સેલિનો મેનેન્દેઝ ય પેલેયો સ્પૅનિશ સાહિત્યના ઇતિહાસકાર અને વાસ્તવિક પ્રકારની નવલકથાઓના સર્જક હતા.

વીસમી સદીમાં સ્પૅનિશ સાહિત્યકારો માટેનો કપરો સમય આવ્યો. જોકે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ તે સાહિત્યકારો સ્પેનમાં પરત આવી શક્યા હતા. સ્વરૂપની અગત્ય પર વધુ ભાર મુકાતાં વૉન રામૉન જિમેનેઝની ઊર્મિકવિતા ખૂબ લોકપ્રિય થઈ. 1956ના સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર તેમને એનાયત થયો હતો. જૉસ ઑર્ટેગા ય ગાસેત ચિંતક નિબંધકાર હતા. રામૉન પૅરેઝ દ આયેલા કવિ, નવલકથાકાર અને વિવેચક હતા. ગેબ્રિયલ મિરો નવલકથાકાર અને નિબંધકાર છે. રામૉન ગૉમેઝ દ લા સેમા અને યુજેનિયો દ’ ઑર્સ, સાલ્વેદોર દ મેદારિયાગા ય રૉજો અને ગ્રેગોરિયો મેરાનૉન તથા રામૉન મેમેન્દેઝ પિદાલ સાહિત્યકારો તરીકે વિશેષ જાણીતા છે. ‘ધ જનરેશન ઑવ્ 1927’ તરીકે જાણીતું એક કવિવૃન્દ પોતાની આગવી ભાત પાડે છે. આ વૃંદના સૌથી મોટા કવિ અને નાટ્યકાર ફેદેરિકો ગાર્સિયા લોર્કા છે. અન્ય નામોમાં જૉર્જ ગુલેન, રાફેલ આલ્બર્ટિ અને વિસેન્ત ઍલેક્ઝાન્દ્રેનાં નામ નોંધપાત્ર છે. ગુલેને ‘કેન્તિકોઝ’ (1928, 36, 45 અને 50) અને ‘ક્લેમોર’ (3 ગ્રંથો  1963) કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ કર્યા છે. 1939માં ગુલેનને દેશનિકાલ થવું પડ્યું હતું. તેમની કવિતામાં સ્વાભાવિક રીતે જ નિરાશાવાદ પ્રગટે છે. ઍલેક્ઝાન્દ્રેને 1977ના સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. અન્ય કવિઓ ઉપર તેમની પ્રબળ અસર થઈ છે. ‘એન્વિરોનમેન્ટ’ (1928), ‘આન્તોલોજિયા ટોટલ’ (1975) તેમના કાવ્યસંગ્રહો છે. ‘ધ જનરેશન ઑવ્ 1936’ તરીકે ઓળખાતા કવિવૃંદમાં જર્મન બ્લેબર્ગ, કાર્મન કોન્દે, લુઇસ ફેલિપ વિવેન્કો, વૉન પાનેરો, લિયૉનાલ્ડો પૅનેરો, લુઇઝ રોઝાલેસ કેમેકો, દિઓનિસો રિદ્રુજો અને માઇકેલ હર્નાન્દેઝ જાણીતા કવિઓ છે. હર્નાન્દેઝનો ‘ધ રિલેન્ટલેસ લાઇટનિંગ’ (1936)એ સવિશેષ જાણીતો કાવ્યસંગ્રહ છે. 1936ના આ કવિવૃંદમાં ધાર્મિક શ્રદ્ધાની અભિવ્યક્તિ છે.

1936ના કવિઓ પછીના નવ કવિઓમાં રાફેલ મોરાલ્સ, વિન્સેન્ત ગેઑસ, કાર્લોસ બોસોનો, બ્લાસ દ ઑતેરો, ગેબ્રિયલ સેલાયા, વિક્ટોરિયાનો કેમ્રેર, જૉસ હીરૉ, યુનેનિયો દ નૉરા અને જોસ મારિયા વેલ્વેર્દનાં નામ જાણીતાં છે.

સમકાલીન સ્પૅનિશ સાહિત્યમાં સૌથી લોકપ્રિય સાહિત્યસ્વરૂપ નવલકથા છે. વૉન આન્તોનિયોની નવલકથાઓ ‘ધ અક્સર’ (1948) અને ‘બૅન્ક્રપ્ટ’ (1957) છે. મૅક્સ ઑબેની ‘ધ ટ્રુ હિસ્ટરી ઑવ્ ધ ડેથ ઑવ્ ફ્રાન્સિસ્કો ફ્રાન્કો’ (1960) સ્પેનના આંતરવિગ્રહ વિષય પર લખાયેલી નવલકથા છે. ફ્રાન્સિસ્કો આયેલાની ‘ડેથ એઝ અ વે ઑવ્ લાઇફ’ (1958; અનુ. 1964) પણ જાણીતી નવલકથા છે. કેમિલો જૉસ સેલાની ‘ધ ફેમિલી ઑવ્ પૅસ્કુઅલ ડુઆર્ટે’ (1942 : અનુ. 1946) અને કાર્મેન લાફેરેતની ‘નેદા’ (1944; અનુ. 1958) નોંધપાત્ર નવલકથાઓ છે.

આઇગ્નેસિયો ઑગસ્તી અને જૉસ મારિયા ગિરોનેલ્લા જાણીતા નવલકથાકારો છે. ગિરોનેલ્લાની નવલકથા ‘ધ સાયપ્રેસીસ બીલિવ ઇન ગૉડ’ (1953; અનુ. 1955) કુટુંબસંઘર્ષની મહાકથા છે. માઇકેલ દેલિબસની કૃતિઓ ‘ધ સાયપ્રસ શૅડો ઇઝ લૉન્ગ’ (1947) અને ‘ફાઇવ અવર્સ વિથ મારિયો’ (1966) જાણીતી નવલકથાઓ છે. આના મારિયા મેતુતનાં સુપ્રસિદ્ધ લખાણોમાં ‘ધ રિટાર્ડેડ ચિલ્ડ્રન’ (1956) અને ‘ફર્સ્ટ મેમરી’ (1959), ‘ધ વન ડે ઑવ્ ધ વીક’ (1962) છે. વૉન ગૉયલિઝોલોની નવલકથાઓ ‘ધ યન્ગ એસેસિન્સ’ (1952; અનુ. 1959) અને ‘ચિલ્ડ્રન ઑવ્ કૅઓસ’ (1955; અનુ. 1958) નવલકથાઓનાં નામ જાણીતાં છે. આ સમયના સૌથી જાણીતા નવલકથાકાર તરીકે રામૉન સેન્ડર છે. તેમણે ‘મિસ્ટર વિટ ઍમન્ગ ધ રેબેલ્સ’ (1935; અનુ. 1937), ‘ક્રૉનિકલ ઑવ્ ધ ડૉન’ (1937; અનુ. 1942) અને ‘રેક્વીમ ફૉર અ સ્પૅનિશ પેઝન્ટ’ (1962) નવલકથાઓ લખી છે. 1946માં સેન્ડર અમેરિકાના નાગરિક બન્યા હતા. સ્પૅનિશ આંતરવિગ્રહ માટે તેમણે ‘ધ નિમ્ફ્ઝ’ (1976) અને ‘ધ નાઇટ ધૅટ આઇ એરાઇવ્ડ ઍટ ધ કાફે ગિજૉન’ (1977) લખ્યાં. એમાં અડધી સ્મરણગાથા છે તો અડધી સામાજિક કથા છે.

સમકાલીન નાટ્યકારોમાં ‘ઍલેક્ઝાન્દ્રે કેસોના’(એલેઝાન્દ્રો રોદરિગ્ઝ આલ્વેરેઝનું તખલ્લુસ – 1903–1965)ની શ્રેષ્ઠ કૃતિ ‘ટ્રીઝ ડાય ઍટ ધ રૂટ’ (1949) છે. ઍન્ટોનિયો બ્યુરો વાલેજોની નાટ્યકૃતિ ‘સ્ટૉરી ઑવ્ અ સ્ટેરકેસ’ (1949) અને આલ્ફોન્ઝો સાસ્ત્રેની ‘ધ કનડેમ્ન્ડ સ્ક્વૉડ’ (1953; અનુ. 1953) અને આલ્ફોન્ઝો પાસોની ‘સેન્ટ્સ અગેઇન્સ્ટ અ સ્કાઉન્ડ્રેલ’ (1959) જાણીતી નાટ્યકૃતિઓ છે.

નિબંધપ્રકારમાં જુલિયન મારિયાસનું નામ સ્પૅનિશ આંતરવિગ્રહ પછી જાણીતું થયું છે. સાહિત્યવિવેચનમાં કેટલાંક જાણીતાં નામોમાં અમેરિકો કાસ્ટ્રો, દામાસો આલૅન્ઝો, પેદ્રો લેન એન્ત્રેલ્ગો, જૉસ ફેરેતર મોરા, મારિયો ઝેમ્બ્રાનો, જૉસ લુઇસ આરાન્ગુરેન, ફાન્સિસ્કો આયેલા, ગીલેર્મો દિઆઝ પ્લાઝા, રિકાર્ડો ગુલૉન અને ગીલેર્મો દ તોરે આધુનિક સ્પૅનિશ સાહિત્યમાં જાણીતાં નામો છે.

વિ. પ્ર. ત્રિવેદી