કરાચી : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ સૌથી મોટું શહેર, બંદર ને તેની પૂર્વ રાજધાની. તે સિંધુના ત્રિકોણાકાર પ્રદેશથી વાયવ્યે અરબી સમુદ્રને કિનારે 24o 5′ ઉ. અ. અને 67o પૂ. રે. ઉપર આવેલું છે. તે કિયામારી અને મનોરા ટાપુઓ અને ઑઇસ્ટર બાધક ખડકો(reef)ને કારણે વાવાઝોડાં તથા સમુદ્રી તોફાનોથી રક્ષાયેલું કુદરતી બંદર છે. જે સમુદ્રસપાટીથી 30 મી.ની ઊંચાઇએ આવેલું છે. તેનો શહેરી વિસ્તાર 591 ચોકિમી. અને મેટ્રોપૉલિટન વિસ્તાર 1450 ચોકિમી. છે.
તેની આબોહવા ગરમ છે. ઉનાળામાં જુલાઈનું તાપમાન સરેરાશ 30o સે. રહે છે. શિયાળામાં જાન્યુઆરીમાં તે 16o સે. રહે છે. સરેરાશ 200 મિમી. વરસાદ પૈકી મોટાભાગનો વરસાદ જૂન-જુલાઈમાં અને થોડો વરસાદ ડિસેમ્બરમાં પડે છે.
કરાચીનો મુખ્ય પાક ચોખા, કઠોળ, કપાસ, ઘઉં અને બાજરી છે. અહીં સુતરાઉ અને રેશમી કાપડની મિલો; દવા, રસાયણ, પ્લાસ્ટિક, કાગળ, જહાજો, યંત્રો, સિમેન્ટ, સિરેમિક, ધાતુઉદ્યોગ, ખાદ્ય અને પીણાં બનાવવાના ઉદ્યોગ વિકસ્યા છે. શેતરંજી, ગાલીચા, ફર્નિચર, માટી અને ધાતુનાં વાસણો બનાવવાના કુટીર કે ગૃહઉદ્યોગો પણ વિકસ્યા છે. શહેરથી 25 કિમી. અંતરે આવેલા પેરેડાઇઝ પૉઇન્ટ નજીક અણુ-ઊર્જામથક સ્થપાયું છે.
આઝાદી પૂર્વે અહીંથી કાચો માલ, અનાજ, રૂ, ચામડાં, તેલીબિયાં વગેરેની નિકાસ થતી હતી. આઝાદી પછી ઉદ્યોગો વિકસતાં તાંબું અને અન્ય ધાતુઓ, કોલસો, ચા, કૉફી, પેટ્રોલિયમ-પેદાશો, શણની બનાવટો અને શણ, યંત્રો, ખાંડ વગેરે આયાત થાય છે અને કાપડ, ચોખા, ઘઉં, ચામડાંની બનાવટો, મીઠું, સૂકો મેવો વગેરે નિકાસ થાય છે. સમગ્ર પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન માટે પણ કરાચી એક જ બંદર છે. ચીનની મદદથી ગ્વાદ્વાર બંદરને વિકસાવવામાં આવ્યું છે.
શહેરમાં કાટખૂણે ચાર મુખ્ય રસ્તા છે. બલૂચિસ્તાન, પંજાબ તથા વાયવ્ય સરહદ પ્રાંતનાં મુખ્ય શહેરો સાથે કરાચી રસ્તા અને રેલવે દ્વારા જોડાયેલું છે. શહેરમાં સર્ક્યુલર રેલવે પણ છે. તેના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને 15 કરોડ ડૉલરના ખર્ચે અદ્યતન બનાવાયું છે.
વસ્તી : 2017માં તેની વસ્તી 1,49,10,352 જેટલી હતી. પાકિસ્તાનની રચના પૂર્વે મૂળ વતની સિંધીઓ, થોડા બલૂચીઓ, પઠાણો અને પંજાબીઓ ઉપરાંત ગુજરાતીઓએ કરાચીને વતન બનાવ્યું હતું. વેપારઉદ્યોગ ઉપરાંત કારીગરો તરીકે તેમનું ઘણું વર્ચસ્ હતું. આઝાદી બાદ ગુજરાતમાંથી ખોજા, મેમણો તથા ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી ઉર્દૂભાષી મુસ્લિમો અહીં વસ્યા છે. અહીં ગુજરાતી ભાષાનું મહત્વ પણ જોવા મળે છે. સ્થાનિક વસ્તી અને મુહાજિરો તરીકે ઓળખાતા આ લોકો વચ્ચે 1986માં અને ત્યારબાદ અનેકવાર લોહિયાળ રમખાણો થયાં છે. આ કારણે વેપાર અને ઉદ્યોગ ઉપર વિપરીત અસર થઈ છે.
ગુજરાતીઓનું વેપાર અને ઉદ્યોગોમાં વર્ચસ્ છે, જ્યારે પરિવહનના વ્યવસાયમાં મુખ્યત્વે પઠાણો છે. મૂળ સિંધી વતનીઓ પૈકી કેટલાક જમીનદારો છે અને વેપારઉદ્યોગ તથા સરકારી તંત્ર સાથે સંકળાયેલા છે.
ઇતિહાસ : 1729માં તેની સ્થાપના થઈ તે પૂર્વે તે હબ નદીના મુખ ઉપર માછીમારોનું નાનકડું ગામ હતું. બંદર કાંપથી પુરાઈ જતાં લોકોએ કલાચી ગામે સ્થળાંતર કર્યું. આ ગામના નામ ઉપરથી કરાચી નામ પડ્યું હશે. તાલપુરના આધિપત્ય નીચેના આ સ્થળે કિલ્લો બાંધવામાં આવ્યો હતો. 1843માં મીરોનું રાજ્ય ખાલસા થતાં કરાચી ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આવ્યું. તેની વસ્તી આ વખતે 14,000 હતી. 1865માં અમેરિકન આંતરવિગ્રહને કારણે તેની લૅંકેશાયર માટેની રૂની નિકાસમાં વધારો થયો અને આબાદી વધી. 1878માં તે રેલવે દ્વારા પંજાબનાં શહેરો સાથે જોડાયું.
સુએઝની નહેર બંધાયા પછી તેને યુરોપ સાથેના ટૂંકા જળમાર્ગનો લાભ મળ્યો. લંડનથી મુંબઈ કરતાં કરાચીનું દરિયાઈ અંતર 300 કિમી. ઓછું છે. સિંધની સક્કર બૅરેજ અને પંજાબની નદીઓની નહેરો દ્વારા સિંચાઈની સગવડ પ્રાપ્ત થતાં અનાજ અને કપાસનું ઉત્પાદન ખૂબ વધ્યું અને તે નિકાસનું મુખ્ય બંદર બન્યું. 1914 સુધી ભારતમાંથી અનાજની સૌથી વધારે નિકાસ આ બંદરેથી થતી હતી.
1935થી 14 ઑગસ્ટ 1947 સુધી મુંબઈ ઇલાકાથી સિંધ છૂટું પડ્યા બાદ સિંધ પ્રાંતનું તે પાટનગર હતું. 1959માં ઇસ્લામાબાદને પાકિસ્તાનની રાજધાની તરીકે પસંદ કરાયું તે પહેલાં કરાચી 15-8-1947થી 1959 સુધી પાકિસ્તાનની રાજધાની હતું. 1959 પછી ફરી તે પ્રાંતિક પાટનગર બન્યું છે. વેપાર અને ઉદ્યોગના કેન્દ્ર તરીકે તેનું મહત્ત્વ ઘટ્યું નથી. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન દરિયાઈ અને હવાઈ હુમલાઓને કારણે તેને ઘણું નુકસાન થયું હતું પણ ફરીથી તે આબાદ થયું છે.
કરાચીમાંથી ઉર્દૂ અને સિંધી ભાષાનાં અનેક વર્તમાનપત્રો નીકળે છે. પાકિસ્તાન કલાકેન્દ્ર, ઘનશ્યામ કલાકેન્દ્ર, બુલબુલ અકાદમી વગેરે સંસ્થાઓ નૃત્ય અને ઇતર લલિત કલાઓને પ્રોત્સાહન આપે છે. પુરાતત્વને લગતું નાનકડું સંગ્રહસ્થાન હડપ્પાકાલીન સંસ્કૃતિ અને તે પૂર્વેની સંસ્કૃતિના અવશેષો સાચવી રહ્યું છે. 1951માં કરાચી યુનિવર્સિટીની સ્થાપના થયા બાદ ઉચ્ચ શિક્ષણ તથા ટૅકનિકલ શિક્ષણ આપતી ઘણી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. યુનિવર્સિટીનું પુસ્તકાલય ખૂબ વિશાળ છે. ભૂતકાળમાં અબ્દુલ લતીફ શાહ વગેરે સૂફી સંતો અને શાયરોનું હૈદરાબાદ કેન્દ્ર હતું. તેનું સ્થાન કરાચીએ લીધું છે. પાકિસ્તાનનું તે સાંસ્કૃતિક પાટનગર છે એમ કહી શકાય.
શિવપ્રસાદ રાજગોર
હેમન્તકુમાર શાહ