કરામિતા (પંથ) : મુસ્લિમોના શિયા પંથના એક પેટા-પંથનો ઉપપેટા-પંથ. અબ્દુલ્લા નામના એક ઇસ્માઇલી પ્રચારકે ઇરાકના હમ્દાન કરમત નામના એક કિસાનને નવમી સદીમાં પોતાના પંથના પ્રચારક તરીકે તૈયાર કર્યો હતો. આ કરમતે એક નવા સામાજિક-ધાર્મિક પંથની શરૂઆત કરી હતી. તેના અનુયાયીઓ કરામિતા (‘કરમત’નું બહુવચન) કહેવાય છે.
આ પંથની પ્રવૃત્તિઓ સ્થાનિક ખેડૂતો અને રણપ્રદેશના લોકો વચ્ચેના ઘર્ષણમાંથી જન્મી હતી. કરમતે લગભગ 890માં કૂફા પાસે પોતાનું દાર-અલ-હિજરા (નિર્વાસિતોનું આશ્રયસ્થાન) નામનું મુખ્ય કેન્દ્ર શરૂ કર્યું હતું. કરામિતાની પ્રવૃત્તિઓ મોટેભાગે કિસાનો અને મજૂરોમાં ગુપ્ત રીતે ચલાવવામાં આવતી હતી. તેઓ એક પ્રકારના ‘સામ્યવાદ’માં માનતા હતા અને બધા સભ્યો ભેગા મળીને ભંડોળ ઊભું કરતા હતા. ખુદ હમ્દાન કરમતે તો પત્નીઓ અને મિલકતોની સમાન વહેંચણીની ભલામણ કરી હતી. કેટલાક આધુનિક લેખકોએ તેમને ‘ઇસ્લામના બૉલ્શેવિકો’નું નામ પણ આપ્યું છે. સમાજજીવનમાં તેમનો મહત્વનો ફાળો એ છે કે કરામિતાએ કિસાનો, મજૂરો અને કારીગરોના ‘સિન્ફ’ (guild) એટલે કે સંઘો સ્થાપ્યા હતા. એમ માનવામાં આવે છે કે તેમના સંઘોની અસર યુરોપ સુધી પહોંચી હતી; પરંતુ તેમની એક મોટી નબળાઈ એ હતી કે તેઓ ધર્મના નામે પોતાના વિરોધીનું લોહી વહાવવાનું કાયદેસર ગણતા હતા.
સઈદ અલ-હસન જન્નાબી નામના એક કરમતીના નેતૃત્વ હેઠળ, કરામિતાએ અરબ ભૂમિ ઉપર અલ-અહસા (આજનું અલ-હફૂફ) નામના સ્થળે 899માં એક સ્વતંત્ર રાજ્ય પણ સ્થાપ્યું હતું. આ લોકો આસપાસના બધા પ્રદેશોમાં આતંક ફેલાવતા હતા. જન્નાબીના દીકરા અને અનુગામી અબૂ તાહિરે 930માં મક્કા ઉપર ચઢાઈ કરીને પવિત્ર કાબામાંથી કાળો પથ્થર લઈ જવાની પણ ચેષ્ટા કરી હતી. ફાતિમી ખલીફા અલ-મન્સૂરના હુકમથી 951માં આ કાળો પથ્થર પાછો સોંપવામાં આવ્યો હતો.
મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી